<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ર૦ તારીખે ભારતના સાડા બાર લાખ દવાના વેપારીઓની હડતાલ : બંધ

જરૂરી દવાઓ ચેક કરી લેજોઃ રાજકોટના ૧૬૦૦ કેમીસ્‍ટો સહિત : ઓનલાઇન દવાઓનું વેચાણ બંધ કરવું, કોર્પોરેટ કંપનીઓ દ્વારા ભારે ડીસ્‍કાઉન્‍ટ બંધ કરવુ અને નકલી દવાઓથી દેશને બચાવવોઃ ત્રણ મુદ્દાઓ સામે દવા બજારમાં ભારે નારાજગી * ઓનલાઇન દવાના ગેરકાયદેસર વેપાર વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવાની સરકાર પાસે માંગણીઃ જશુભાઇ પટેલ * રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-ગુજરાતના હજારો કેમીસ્‍ટો રોષભેર બંધમાં જોડાશે* મયુરસિંહ જાડેજા તથા અનિમેષ દેસાઇ : ર૦૧૮ અને ર૦ર૦નું નોટીફીકેશન કેન્‍દ્ર સરકાર પરત ખેંચી લે તેવી ઉગ્ર માંગણી

રાજકોટ, તા.,૯ : આજના જમાનામાં કદાચ કોઇક જ ઘર એવું હશે કે જેમાં દવાઓની જરૂર ન પડતી હોય. જરૂરી દવાઓ હંમેશા ઘરમાં રાખવી હિતાવહ છે. ૨૦મે, ૨૦૨૬ના રોજ સમગ્ર ભારત દેશના સાડાબાર લાખ જેટલા દવાના વેપારીઓ (રીટેલ મેડીકલ સ્‍ટોર્સ તથા હોલસેલર્સ) એક દિવસની હડતાળ પાડવાના છે, જેમાં રાજકોટની ૧૬૦૦ જેટલી દવાની દુકાનો (રીટેલર્સ-હોલસેલર્સ-સર્જીકલ) પણ બંધમાં જોડાશે તેવું રાજકોટ કેમીસ્‍ટ એસોસીએશન અને સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને સેક્રેટરી અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્‍યું છે. સમગ્ર ગુજરાતના ૩૨ હજાર તથા સોૈરાષ્‍ટ્રના ૧૨ હજાર જેટલા દવાના વેપારીઓ  પણ રોષભેર બંધમાં જોડાશે.

ઓલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ (AIOCD) ના નેજા હેઠળ યોજાનાર બંધ સંદર્ભે ગુજરાત કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ ફેડરેશન (FGSCDA)ના પ્રમુખશ્રી જશુભાઇ (જશવંતભાઇ) પટેલે અકિલાને જણાવ્‍યું હતું કે ઓનલાઇન દવાઓનું વેચાણ બંધ કરવું, કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતું ભારે ડીસ્‍કાઉન્‍ટ બંધ કરવું અને નકલી દવાઓ (ડુપ્‍લીકેટ-સ્‍ફુરીયસ ડ્રગ) થી દેશને બચાવવો, આ ત્રણ મુદાઓ સામે દવા બજારમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ઓનલાઇન દવાના કહેવાતા ગેરકાયદેસર વેપાર વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવાની માંગણી સરકાર પાસે કરવામાં આવી છે. ઓનલાઇન દવાઓના ગેરકાયદેસર વેચાણ સંદર્ભે નામદાર હાઇકોર્ટમાં પણ કેસ પેન્‍ડીંગ હોવાનું તેઓએ જણાવ્‍યું હતું. ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્‍ડિયા દ્વારા પણ દવાના ઓનલાઇન વેચાણ સંદર્ભે નકારાત્‍મક અભિપ્રાય હોવાનું મયુરસિંહ જાડેજા અને અનિમેષભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું.

ઓનલાઇન દવાઓના વેચાણને કારણે ઘણી વખત યુવાધન ટ્રાન્‍કયુલાઇઝર દવાઓ લેતા જાય અને ગેરમાર્ગે દોરાઇ જવા સંભવ, કોર્પોરેટ કંપનીઓ દ્વારા અમુક કિસ્‍સામાં ભારે ડીસ્‍કાઉન્‍ટ અપાતું હોય, કંપનીના ઓથોરાઇઝડ સ્‍ટોકીસ્‍ટ કે રીટેલર્સ કરતા પણ ઓછી કિંમતે દવા મળતા આヘર્ય સાથે કહેવાતી - સંભવિત નકલી દવાઓ સંદર્ભે શંકા ઉપજે જે સ્‍વાભાવિક હોવાનું દવા બજારના માંધાતાઓ કહી રહ્યા છે.

ગુજરાત કેમીસ્‍ટસ ફેડરેશનના પ્રમુખ જશુભાઇ પટેલે એવું પણ જણાવ્‍યું હતું કે કેન્‍દ્ર સરકાર દ્વારા ર૦૧૮માં દવાના ઓનલાઇન વેચાણને કાયદેસર કરવાનું સૂચનરૂપી (પરમીશન નહીં) નોટીફીકેશન બહાર પાડવામાં આવ્‍યું હતું. ઉપરાંત ર૦ર૦માં કોરોના કાળમાં સંક્રમણ ન ફેલાય તે માટે દવાઓની ઘર બેઠા ડીલીવરી મળી રહે તે હેતુથી નોટીફીકેશન ગેઝેટ બહાર પાડવામાં આવ્‍યું હતું. હવે તો કોરોના કાળ પણ સમાપ્ત થઇ ગયો હોય, ઉપરોકત બન્ને નોટીફીકેશન કેન્‍દ્ર સરકાર પરત લઇ લે તેવી સમગ્ર ભારતના લાખો દવાના વેપારીઓની માંગણી છે. દવાના ઓનલાઇન વેચાણમાં ઘણી વખત ડોકટર્સના યોગ્‍ય માન્‍ય પ્રિસ્‍ક્રીપ્‍શનની ખરાઇ પણ થતી ન હોય, સસ્‍તી, ડુપ્‍લીકેટ-ટ્રાન્‍કયુલાઇઝર દવાઓ સંદર્ભે પણ વિચારવાનો સમય આવી ગયો હોવાનું મયુરસિંહ જાડેજા અને અનિમેષભાઇ દેસાઇ જણાવી રહ્યા છે.

શું ઓનલાઇન દવાબજારમાં ચાઇનીઝ ફંડ આવ્‍યું છે?

અબજો રૂપિયાનું માર્કેટ?

દવાબજારના વિશ્વાસ પાત્ર સુત્રો-હોદેદારો એવી પણ કર્ણોપકર્ણ ચર્ચા કરી રહયા છે કે અબજો રૂપિયાના ઓનલાઇન દવા બજારમાં અમુક ચોક્કસ કંપનીઓ-મેન્‍યુફેકચરર્સ દ્વારા ગેરકાયદે ચાઇનીઝ દંડનો ઉપયોગ થઇ રહયો છે. હવે જો આ ચર્ચા કે અફવાને સાચી માનવામાં આવે તો ભારતના જેન્‍યુઇન દવાના મેન્‍યુફેકચરર્સ કે વેપારીઓની શું હાલત થાય કે પછી ઘણી વખત નકલી દવાઓ બાબતે યોગ્‍ય ખરાઇ ઓનલાઇન માધ્‍યમથી થઇ શકે કે કેમ તેવો પ્રશ્ન પણ દવાબજારના હોદેદારો પૂછી રહયા છે. 

 

 

(3:40 PM IST)