<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

પડધરીના રૂપાવટીમાં ૧૩ વર્ષની રાધીકાનું બેભાન થઇ ગયા બાદ મોત

જામનગરના બોડા ગામે પરિવાર સાથે રહેતી મુળ મધ્‍યપ્રદેશની બાળા પાંચેક દિવસથી રૂપાવટી મામાના ઘરે આવી હતીઃ રાજકોટમાં સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૦: પડધરીના રૂપાવટી ગામે વાડીએ બેભાન થઇ જતાં તેર વર્ષની બાળાને સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ જામનગરના બોડા ગામે સુખદેવસિંહ જાડેજાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના સુરેશભાઇ મોહનીયાની દિકરી રાધીકા (ઉ.વ.૧૩) ગઇકાલે પડધરીના રૂપાવટી ગામે પરબતભાઇની વાડીએ રહી મજૂરી કરતાં પોતાના મામાના ઘરે હતી ત્‍યારે ત્‍યાં બભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

મૃતયુ પામનાર રાધીકા ચાર બહેન અને એક ભાઇમાં ચોથા નંબરે હતી. તેણીને બ્‍લડ કેન્‍સરની બિમારી લાગુ પડી હતી. ચાર-પાંચ દિવસથી તે બોડા ગામેથી રૂપાવટી ગામે મામાના ઘરે આરામ કરવા આવી હતી. અહિ તબિયત બગડતાં સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ મૃત્‍યુ થયું હતું. પોલીસે મોતનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

લોઠડામાં યુવાનને લાકડુ લાગ્‍યા બાદ ઇન્‍ફેકશનઃ તબિયત બગડતાં મોત

બીજા બનાવમાં રાજકોટના સરધાર નજીક લોઠડા ગામે આર્મર કંપની પાસે રહેતાં પુનિતકુમાર અરવેદકુમાર શાક્‍ય (ઉ.વ.૨૮) નામના યુવાનને અગાઉ હાથમાં લાકડુ લાગી ગયું હોઇ તેમાં ઇન્‍ફેકશન થઇ જતાં ગઇકાલે તબિયત બગડતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. તબિબી તપાસમાં ઇન્‍ફેકશનને કારણે કિડની લીવરમાં પણ અસર થઇ ગયાનું ખુલ્‍યું હતું. આજીડેમ પોલીસને જાણ થતાં આકસ્‍મિક મૃત્‍યુની નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:21 PM IST)