હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાંકાનેર સ્ટેશનના બુકિંગ કર્મચારીની સતર્કતાથી પરિવારથી વિખૂટી પડેલી ૧૪ વર્ષીય સગીર બાળકી હેમખેમ પરિવારને સોંપાઈ
મૂક-બધિર પિતાની વેદના સમજીને બુકિંગ ક્લાર્ક જૈમીન ત્રિવેદી અને રેલવે કંટ્રોલ રૂમે દાખવેલી ત્વરિત તત્પરતાથી બાળકી સુરક્ષિત રીતે પુનઃ પરિવાર સાથે મળી

રાજકોટ : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે કર્મચારીઓની માનવીય સંવેદનશીલતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ટ્રેન નંબર ૧૫૬૬૭ ગાંધીધામ–કામાખ્યા એક્સપ્રેસમાં મુસાફરી કરતી વેળાએ પોતાના પરિવારથી છૂટી પડી ગયેલી ૧૪ વર્ષીય રાની કુમારી નામની બાળકીને રેલવેના સઘન સંકલનથી હેમખેમ તેના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, કટિહાર જવા માટે એક પરિવાર વાંકાનેર સ્ટેશને ઉપરોક્ત ટ્રેનમાં બેસી રહ્યો હતો. ભારે ભીડભાડના કારણે ૧૪ વર્ષીય રાની કુમારી એસ-૬ કોચમાં ચડી ગઈ હતી, પરંતુ તેના માતા-પિતા અને ભાઈ ટ્રેનમાં બેસી શક્યા ન હતા અને ટ્રેન ઉપડી ગઈ હતી.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં બાળકીના પિતા રાજુ, જેઓ મૂક-બધિર (દિવ્યાંગ) છે, તેમણે તાત્કાલિક વાંકાનેર સ્ટેશનના બુકિંગ કાર્યાલય પહોંચીને ડ્યુટી પર હાજર બુકિંગ કર્મચારી જૈમીન ત્રિવેદીનો સંપર્ક સાધ્યો હતો. જૈમીન ત્રિવેદીએ પરિસ્થિતિની ગંભીરતા તુરંત પારખીને કોઈપણ જાતનો સમય બગાડ્યા વગર રાજકોટ ડિવિઝનના કોમર્શિયલ કંટ્રોલ રૂમને આ બાબતની જાણ કરી હતી.
માહિતી મળતાની સાથે જ કંટ્રોલ રૂમના કર્મચારી આશિષ મુલુયાણીએ સુરેન્દ્રનગર રેલવે સુરક્ષા બળ (RPF) અને સુરેન્દ્રનગરના મુખ્ય ટિકિટ નિરીક્ષક એસ. એલ. મીણાને એલર્ટ કરી દીધા હતા. ટ્રેન સુરેન્દ્રનગર પહોંચતા જ રેલવે ટીમે એસ-૬ કોચમાંથી બાળકીને સુરક્ષિત શોધી કાઢી હતી અને ફોન દ્વારા તેના પરિવાર સાથે વાત કરાવી આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ, બાળકીને ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ દ્વારા આરપીએફ જવાનોની સુરક્ષા હેઠળ વાંકાનેર પરત લાવીને તેના પરિવારને સોંપવામાં આવી હતી.
આ સરાહનીય કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના અને સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ કોમર્શિયલ વિભાગ તથા આરપીએફના જવાનોની સૂઝબૂઝ અને ઉત્તમ સંકલનની ભરપૂર પ્રશંસા કરી હતી. ખાસ કરીને વાંકાનેરના બુકિંગ કર્મચારી જૈમીન ત્રિવેદીની સમયસૂચકતાને કારણે એક દિવ્યાંગ પિતાને તેમની પુત્રી સુરક્ષિત પાછી મળી શકી હોવાનું રેલવે તંત્રએ જણાવ્યું હતું.










