હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાંઢીયો પુલ ખુલ્લો મુકે તે પહેલા આપના ૧૫ કાર્યકરોની અટકાયત
જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલ મુદ્દે રાજકીય ગરમાવોઃ જનતાના હિતમાં પુલ શરૂ કરોની માંગ સાથે AAPનો વિરોધઃ કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસની કાર્યવાહી

આપ દ્વારા સાંઢીયા પુલે શ્રીફળ વધેરાયું : શહેરના જામનગર રોડ સ્થિત સાંઢીયા પુલનું નવીનીકરણ પુરૂ થયું હોવા છતા લોકાર્પણના વાંકે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા શ્રીફળ વધેરી પુલનું ઉદ્ધાટન કરાયું હતુ. જો કે પોલીસ દ્વારા આપના ૧૫ જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.(તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૨૩: શહેરના જામનગર રોડ ઉપર આવેલા સાંઢીયા પુલને ખુલ્લો મુકવાની માંગ સાથે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આપવામાં આવેલી ચીમકી બાદ આજે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. પુલને જનતા માટે તાત્કાલિક ખુલ્લો મુકવાની માંગ સાથે વિરોધ કાર્યક્રમની જાહેરાત કરનાર AAPના અંદાજે ૧૫ જેટલા કાર્યકરોની પોલીસે પૂર્વ અટકાયત કરી હતી.
મળતી માહિતી મુજબ, લાંબા સમયથી તૈયાર હોવા છતાં સાંઢીયા પુલ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં વિલંબ થતાં સ્થાનિક નાગરિકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે પ્રતિકાત્મક રીતે પુલ ખુલ્લો મુકવાની ચીમકી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું.
આંદોલનને રોકવા માટે પોલીસે સવારથી જ જામનગર રોડ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. AAPના કાર્યકરો એકત્રિત થાય તે પહેલાં જ પોલીસ દ્વારા આશરે ૧૫ જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે હળવો ઘર્ષણનો માહોલ પણ સર્જાયો હોવાની માહિતી સામે આવી છે.
AAPના આગેવાનોનો આક્ષેપ છે કે, શહેરના વિકાસના કામોમાં રાજકીય કારણોસર વિલંબ કરવામાં આવી રહ્યો છે અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, ‘પુલ તૈયાર હોવા છતાં લોકો રોજિંદા ટ્રાફિક સમસ્યા ભોગવી રહ્યા છે. સરકાર અને તંત્ર તાત્કાલિક પુલ શરૂ કરે નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.'
બીજી તરફ પોલીસ અને તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. અધિકારીઓએ કહ્યું હતું કે, પરવાનગી વગર કોઈપણ પ્રકારનો કાર્યક્રમ કે જાહેર વ્યવસ્થા ભંગ થાય તેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
સાંઢીયા પુલ મુદ્દે હવે રાજકીય તણાવ વધુ વધે તેવી શકયતા વચ્ચે શહેરવાસીઓની નજર તંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે. જનહિતના આ મહત્વના પ્રોજેક્ટને કયારે લીલી ઝંડી મળશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.










