તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
જુનાગઢથી રાજકોટ મામાના ઘરે આવેલી ૧૬ વર્ષની આયુષીનું ઉલ્ટી થયા બાદ મૃત્યુ
માતા સાથે દિવાળીનો તહેવાર ઉજવવા નાના મવા રોડ રાજનગરમાં આવી હતીઃ એકની એક દિકરીના મૃત્યુથી રાઠોડ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૩: જુનાગઢથી રાજકોટ મમ્મી સાથે મામાના ઘરે દિવાળીનો તહેવાર કરવા આવેલી ૧૬ વર્ષની બાળાની તબિયત બગડતાં ઉલ્ટીઓ થવા માંડતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેણીનું મૃત્યુ થયું હતું. ભાઇબીજને દિવસે જ આ બનાવ બનતાં રાજનગર સોસાયટીના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ જુનાગઢ રહેતી પ્રિયંકા ઉર્ફે આયુષી રાજીવભાઇ રાઠોડ (ઉ.વ.૧૬) તેના મમ્મી સાથે દિવાળીનો તહેવાર ઉજવવા રાજકોટ રાજનગર-૪માં રહેતાં મામાના ઘરે આવી હતી. ભાઇબીજને દિવસે બપોરે સવા બારેક વાગ્યે તેણી ઘરમાં હતી ત્યારે એકાએક ઉલ્ટી થવા માંડતા અને બ્લડપ્રેશર લો થઇ જતાં તબિયત બગડી ગઇ હતી. તેણીને તુરત જ સારવાર માટે સોૈરાષ્ટ્ર હોસ્પિટલમાં અને બાદમાં મા શારદા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન રાત્રીના મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. કે. વી. બોરીચાએ જરૂરી કાર્યવાહી કરી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યુ઼ હતું. મૃત્યુ પામનાર પ્રિયંકા ઉર્ફે આયુષી એકની એક દિકરી હતી અને ધો-૧૧માં ભણતી હતી. તેના પિતા રિક્ષા હંકારે છે. બે દિવસથી પેટમાં દુઃખતું હતું. ત્યારબાદ તબીયત બગડી હતી અને મૃત્યુ થયું હતું.
(4:12 PM IST)










