News of Thursday, 23rd July 2026
૧૭ છાત્રો ફોરેન્સિક સાયન્સની લેબોરેટરીમાં ટેકનિકલ પોસ્ટ ઉપર પસંદગી
ફિઝિક્સ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૦ છાત્રોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી મળી : ફિઝિક્સ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમએસસી ફિઝિક્સના સિલેબસ વિદ્યાર્થીઓને વિવિધ લેબોરેટરી ટેકનિકલ પોસ્ટમાં નોકરી અપાવવા સક્ષમ

રાજકોટ, તા., ૨૩: એક સમયે ભૌતિકશાષાનો અભ્યાસ મુખ્યત્વે અધ્યાપન, સંશોધન અને ઔદ્યોગિક ક્ષેત્ર સુધી મર્યાદિત માનવામાં આવતો હતો, પરંતુ બદલાતા વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ યુગમાં તેના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના અનેક નવા દ્વાર ખુલ્યા છે. આધુનિક ફોરેન્સિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક સાધનો, પ્રયોગશાળા આધારિત વિશ્લેષણ અને પુરાવાઓના ચોક્કસ મૂલ્યાંકનનું મહત્વ સતત વધી રહ્યું છે. પરિણામે ભૌતિકશાષાના વિદ્યાર્થીઓ આજે ફોરેન્સિક વિજ્ઞાન જેવા આંતરવિષયક ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે અને વિવિધ વૈજ્ઞાનિક તથા તકનીકી હોદ્દાઓ પર સફળતાપૂર્વક સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે.
આ બદલાતા પરિપ્રેક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાષા ભવનના વિદ્યાર્થીઓએ રાજ્યની પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ (Regional Forensic Science Laboratories – RFSL) માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં વિવિધ હોદ્દાઓ પર નોંધપાત્ર સફળતા મેળવી છે. વિભાગના વિદ્યાર્થીઓની સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ફિઝિક્સ), આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેન્ડ ડોકયુમેન્ટ્સ (AEQD), સિનિયર એક્સપર્ટ (ફિંગરપ્રિન્ટ), સર્ચર (ફિંગરપ્રિન્ટ) તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ (ફિઝિક્સ) જેવી વિવિધ જગ્યાઓ માટે પસંદગી થઈ છે. એક જ વિભાગના વિદ્યાર્થીઓની ફોરેન્સિક વિજ્ઞાનની અનેક શાખાઓમાં થયેલી આ પસંદગી ભૌતિકશાષાના અભ્યાસની વ્યાપકતા ઉપરાંત વિભાગમાં વિકસાવવામાં આવતા વૈજ્ઞાનિક અભિગમ, પ્રયોગાત્મક કુશળતા અને વિશ્લેષણાત્મક ક્ષમતાનું પ્રતિબિંબ છે.
સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ફિઝિક્સ) તરીકે પાયલ જોષી, તિલક પંડ્યા, ઉદિત ત્રિવેદી અને ધળતિ કાનાબાર, આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેન્ડ ડોકયુમેન્ટ્સ (AEQD) તરીકે વૈશાલી ચાંદેગરા અને ક્રિના રામાણી, સિનિયર એક્સપર્ટ (ફિંગરપ્રિન્ટ) તરીકે હેતલ ગોહિલ, સર્ચર (ફિંગરપ્રિન્ટ) તરીકે વશિષ્ઠ જાની તથા લેબોરેટરી આસિસ્ટન્ટ (ફિઝિક્સ) તરીકે ઊર્મિલા ખટાણાની પસંદગી થઈ છે. આ તમામ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયાઓમાં સફળતા મેળવી પોતાના જ્ઞાન, કૌશલ્ય અને વૈજ્ઞાનિક અભિગમનો પરિચય આપ્યો છે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલભાઈ જોશી, કુલ સચિવ અજયસિંહ જાડેજા અને ભૌતિકશાષા ભવનના અધ્યક્ષ પ્રોફ. નિકેશ એ. શાહે વિદ્યાર્થીઓની આ સિદ્ધિને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે વિભાગના વિદ્યાર્થીઓ સતત નવા અને ઉભરતા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે. ફોરેન્સિક વિજ્ઞાનના વિવિધ વિભાગોમાં વિદ્યાર્થીઓની આ સફળતા માત્ર વિભાગ માટે ગૌરવની બાબત નથી, પરંતુ ભૌતિકશાષાના વર્તમાન અને ભાવિ વિદ્યાર્થીઓ માટે પણ નવી પ્રેરણા સમાન છે
(3:23 PM IST)










