<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

શુકલ પીપળીયામાંથી ૧૭ વર્ષની સગીરા ગૂમઃ કુવાડવા પોલીસે અપહરણનો ગુનો નોંધ્‍યો

માતા સવારે ચારેક વાગ્‍યે પાણી પીવા જાગી ત્‍યારે દિકરી પલંગ પર જોવા ન મળીઃ શોધખોળ છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરી

રાજકોટ તા. ૬: કુવાડવા તાબેના શુકલ પીપળીયા ગામેથી સગીરા ગૂમ થઇ  જતાં પોલીસને જાણ કરવામાં આવતાં કુવાડવા રોડ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદમાંથી મળતી વિગતો અનુસાર શુકલ પીપળીયા ગામે રહેતા ૩૯ વર્ષીય મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેણીના પતિ હયાત નથી, પોતે ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. ત્રણ સંતાનમાં મોટી દિકરી ૧૭ વર્ષની છે. આ સગીર દિકરી નજીકના કોઠારીયા ગામ ખાતે આવેલી એક ડાઈંગની ફેક્‍ટરીમાં કામ કરવા જતી હતી.

ગત તા. ૫/૭ના રોજ રાત્રિના આશરે બારેક વાગ્‍યાની આસપાસ પરિવારના તમામ સભ્‍યો જમી-પરવારીને પોતપોતાના રૂમમાં સુઈ ગયા હતા. તે દરમિયાન ફરિયાદી મહિલા રાત્રિના સમયે પાણી પીવા માટે ઊભા થયા ત્‍યારે પલંગમાં સુતેલી મોટી દીકરી ગાયબ જોવા મળી હતી.

દિકરી રૂમમાં ન દેખાતા મુંઝાયેલા માતાએ તાત્‍કાલિક ઘરના  અન્‍ય સભ્‍યોને જગાડ્‍યા હતા અને શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્‍યોએ રાત્રિના સમયે જ આજુબાજુના વિસ્‍તારમાં, ગામમાં તેમજ સગા-વ્‍હાલાઓને ત્‍યાં ફોન કરીને દિકરીની તપાસ કરી હતી પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. તેમજ તેણી નોકરી કરતી હતી તે ડાઈંગ ફેક્‍ટરી સહિતના સ્‍થળોએ તપાસ કરવા છતાં પત્તો મળ્‍યો નહોતો. અંતે પોલીસને જાણ કરતાં કુવાડવા પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં હેડકોન્‍સ. પી. વી. રાઠોડે સગીરા ગૂમ થવાના કિસ્‍સમાં અજાણ્‍યા શખ્‍સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

(11:50 AM IST)