તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 24th April 2026
સોની બજારના વેપારી સાથે ૬૭.૨૬ લાખની ઠગાઇમાં રાહુલ અને ગાંધીગ્રામના ૧૭૭ ગ્રામ સોનાની ઠગાઇમાં લાલજી પકડાયો
મુળ જામજોધપુર પંથકના રાહુલ સહિત ત્રણે સીએનસી મશીનના નામે ઠગાઇ કરી હતીઃ આર્થિક ગુના નિવારણ સેલ અને ક્રાઇમ બ્રાંચની કામગીરી

રાજકોટ તા. ૨૪: શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને આવા ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટેની સુચના અન્વયે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા અને ક્રાઈમ બ્રાન્ચે સફળ કામગીરી કરી છે. પ્રથમ કિસ્સામાં આર્થિક ગુના નિવારણ શાખાએ સોના-ચાંદીના વેપારી સાથે સીએનસી મશીન ખરીદવા બાબતે રૂ. ૬૭,૨૬,૦૦૦ની છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડ્યો છે. જ્યારે ક્રાઇમ બ્રાંચે ૧૭૭ ગ્રામ સોનાની છેતરપીંંડી સહિત બે ગુનામાં ફરાર શખ્સને પકડયો છે.
વિગત એવી છે કે ગોંડલ રોડ પર રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતાં કળણાલ પાલા સાથે સીએનસી મશીનના નામે રૂા.૬૭.૨૬ લાખની છેતરપીંડી થઇ હતી. આ ગુનામાં આર્થિક ગુના નિવારણ શાખાએ મુખ્ય આરોપી રાહુલ લક્ષ્મણભાઈ સાગઠીયા (રહે. સરકારી કવાર્ટર, ફલેટ નં. ૧૦૫, બાલાજી હોલ પાસે, મુળ ગોરખડી તા. જામજોધપુર)ની ધરપકડ કરી છે. ફરિયાદી કળણાલે આરોપીની ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી સાવરીયા કોર્પોરેશન નામની પેઢી પાસેથી સીએનસી મશીન ખરીદવાનું નકકી કરી રૂા. ૬૭.૨૬ લાખ આરટીજીએસથી આપ્યા હતા. પરંતુ મશીન નહીં મળતા આર્થિક ગુના નિવારણ શાખામાં પેઢીના માલીક રાહુલ ઉપરાંત આશિષ અને જયદિપ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાંથી હાલ રાહુલની ધરપકડ કરાઈ છે.
પીઆઇ એ.એચ. ચાવડા તથા આર.જી. પઢીયારના માર્ગદર્શન હેઠળ એએસઆઇ ભગીરથસિંહ જે. ખેર, કોન્સ. લક્કીરાજસિંહ ગોહીલ અને પરેશભાઈ સોઢીયાએ હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે રાહુલને ઝડપી લીધો હતો. લીધો હતો. પકડાયેલ આરોપી અગાઉ પણ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.
જ્યારે શહેર ક્રાઈમ બ્રાન્ચે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ૧૭૭ ગ્રામ સોનાની છેતરપિંડી સહિત બે ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપી લાલજી ખોડાભાઈ જોગરાણા (રહે. જીનપરા તાલુકા પંચાયત ઓફિસ પાસે, લીંબડી, જી. સુરેન્દ્રનગર)ને પકડી પાડ્યો છે. આરોપી વિરૂધ્ધવિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ મુજબ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ રજીસ્ટર થયેલા હતા. આગામી ચૂંટણીના અનુસંધાને નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હેઠળ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઈ એ.એન. પરમાર તથા તેમની ટીમમાં સામેલ હેડ કોન્સ્ટેબલ મોહીલરાજસિંહ ગોહીલ, અર્જુનભાઈ ડવ, ગોપાલભાઈ પાટીલ, એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ કળષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ, જયદેવસિંહ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજાએ આ કામગરી કરી હતી.
(2:50 PM IST)










