તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
પીપરડીથી ધારી જતી વખતે બાઇક સ્લીપ થઇ જતાં ઘવાયેલા ૧૮ વર્ષના વિદ્યાર્થી દર્શીલ પટોળીયાનું મોત
ચોવીસ દિવસની સારવાર બાદ રાજકોટમાં દમ તોડયોઃ પીપરડી રહેતાં કાકા રાજેશભાઇને ત્યાંથી કાકાના બાઇકમાં બેસી ધારી જતી વખતે બનાવઃ પરિવારજનો ઉંડા આઘાતમાં ગરક

રાજકોટ તા. ૨૩: ધારીના પીપરડી નજીક બાઇક સ્લીપ થઇ જતાં ૧૮ વર્ષના છાત્રને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે બાઇક ચાલક તેના કાકાનો ઇજા સાથે બચાવ થયો હતો. છાત્રએ ચોવીસ દિવસની સારવાર બાદ રાજકોટમાં દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ ધારીમાં સરદાર ચોક શીવનગરમાં રહેતો દર્શીલ અરવિંદભાઇ પટોળીયા-પટેલ (ઉ.વ.૧૮) ગત તા. ૨૮/૬ના રોજ નજીકના પીપરડી ગામે રહેતાં પોતાના કાકા રાજેશભાઇ બાલુભાઇ પટોળીયાને ત્યાં ગયો હોઇ ત્યાંથી કાકા રાજેશભાઇ તેને પોતાના બાઇકમાં બેસાડી ધારી તેના ઘરે મુકવા જવા નીકળ્યા ત્યારે પીપરડી-ધારી વચ્ચેના રસ્તા પર બાઇક સ્લીપ થઇ જતાં કાકા-ભત્રીજા ફંગોળાઇ ગયા હતાં. જેમાં કાકાનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.
પરંતુ દર્શીલને ગંભીર ઇજા થતાં તેને ધારી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તેનું મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. હોસ્પિટલ મારફત જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ મોહનભાઇ કે. મહેશ્વરી સહિતે કાગળો કરી ધારી પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર દર્શીલ બે ભાઇમાં નાનો હતો. તેણે આ વર્ષે જ બારમુ ધોરણ પુરૂ કર્યા બાદ ગાંધીનગર પીડીઇયુ કોલેજમાં એડમીશન લીધી હતું. આ કોલેજમાં તેને ૧૬મી જુલાઇના રોજ તેને અભ્યાસ ચાલુ કરવાનો હતો. એ પહેલા તે કાકાના ઘરેથી પોતાની ઘરે જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માત નડયો હતો. યુવાન આશાસ્પદ દિકરાના મૃત્યુથી પરીવારમાં કલ્પાંત સર્જાયો છે. મૃતકના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે.
(11:43 AM IST)










