તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
શહેરમાં શરદી- તાવ- ઉધરસ- ઝાડા- ઉલ્ટીના ૧૮૮૬ કેસ
મનપા દ્વારા ૪૪૧૧૧ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૨૦૩ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૩૧૪ને નોટીસ

રાજકોટ, તા. ૪: શહેરમાં ઉનાળા દરમ્યાન રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૮૮૬ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના ૨ કેસ નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૭ એપ્રીલથી તા.૩ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૧૮૮૬ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૪૯ તેમજ સામાન્ય તાવના ૭૧૧ અને ઝાડા ઉલ્ટીના કેસ ૪૨૩ તથા ટાઇફોઇડના ૧ સહિત કુલ ૧૮૮૬ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૪૫૮૪ તેમજ સામાન્ય તાવના ૧૨૩૭૩ અને ઝાડા ઉલ્ટીના કેસ ૪૨૩૯ તથા ટાઇફોઇડના ૯ તેમજ કમળાના ૨૦ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૩૧૪ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૪૪૧૧૧ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા૨૦૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૮૨૩ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૩૧૪ લોકોને નોટીસ આપવામાં આવી હતી.
(3:06 PM IST)










