News of Tuesday, 14th April 2026
માંડવી ચોક દેરાસરની ૨૦૦મી વર્ષગાંઠઃ રેસકોર્ષ બનશે વારાણસી નગરી
તા.૩૦ એપ્રીલે કુંભ સ્થાપન સાથે મહોત્સવનો પ્રારંભઃ તા.૧૦મે ના રોજ રથયાત્રા- ધર્મસભા- સ્વામીવાત્સલ્યઃ તા.૧૨ના રોજ ધજાનું સામૈયું- ધ્વજારોહણ આ મહોત્સવમાં અયોધ્યાપુરમ તીર્થના સ્વપ્નદ્રષ્ટા પૂ.આ.શ્રી જિનહેમચન્દ્રસાગર સુરીશ્વરજી મહારાજા આ.ઠા. પાવન નિશ્રા પ્રદાન કરશે

‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને સુપાર્શ્વનાથ જિનાલયની ૨૦૦મી ધજા પ્રસંગે રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઇ દેસાઇ તથા ટ્રસ્ટી શ્રેણીકભાઇ દોશીએ કંકોત્રી સાથે આત્મીય આમંત્રણ આપી મહોત્સવની માહિતી આપી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૧૪: રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા શહેરના ૧૯૯ વર્ષ પ્રાચીન જૈન તીર્થ સુપાર્શ્વનાથ દેરાસર (માંડવી ચોક)ની ૨૦૦મી ધજાનો પાવન અવસર તા.૯થી૧૨ મે દરમ્યાન આવી રહયો છે. કંકોત્રી લેખનની શુભ શરૂઆતથી મહોત્સવનો પ્રારંભ થઇ ચુકયો છે.
આ મહોત્સવમાં અયોધ્યાપુરમ તીર્થના સ્વપ્નદ્રષ્ટા પૂ.આ.શ્રી જિનહેમચન્દ્રસાગર સુરીશ્વરજી મહારાજા આ.ઠા. પાવન નિશ્રા પ્રદાન કરનાર છે.
તા.૩૦ એપ્રીલના રોજ કુંભસ્થાપના, તા.૭ મેના રોજ લઘુનંદાવર્ત પૂજન, ક્ષેત્રપાલ પુજન, ૧૦ દિકપાલ પુજન, ૧૬ વિદ્યાદેવી પુજન, નવગ્રહ પુજન, અષ્ટમંગલ પુજન તથા નવ પદ પુજન માંડવી ચોક દેરાસર ખાતે યોજાશે.જયારે તા.૮ના રોજ ચ્યવન કલ્યાણક, તા.૯ના જન્મકલ્યાણ ઉજવાશે તથા તા.૧૦ના રોજ સવારે ૭ કલાકે મણીયાર દેરાસરથી વારાણસી નગરી, રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રથયાત્રા નિકળશે, ત્યારબાદ સકલ જૈનોનું સ્વામીવાત્સલ્ય સંઘ જમણ યોજાશે. ત્યારબાદ ર વાગે પ્રભુનું મામેરૂ, લગ્ન મહોત્સવ સહિતના કાર્યક્રમો યોજાશે.
જયારે તા.૧૧ના રોજ દિક્ષા કલ્યાણક, અંજનશલાકા તથા તા.૧૨ના રોજ પ્રાતઃ સ્નાત્ર મહોત્સવ પછી પ્રભુની ૨૦૦મી ધ્વજાનું વિધાન સકલ સંઘની સમૃધ્ધિ માટે અષ્ટોતરી શાંતિ- સ્નાત્ર વિધાન યોજાશે.
ઉપરાંત તા.૧૨ના રોજ સવારે ૬:૩૦ કલાકે ધજાનું સામૈયુ તથા ૭:૩૦ કલાકે ધજારોહણ તથા નવકારશી માંડવી ચોક દેરાસર ખાતે યોજાશે. વિધીકારક તરીકે પ્રકાશભાઇ દોશી તથા સંગીતકાર તરીકે ધર્મેશભાઇ દોશી, શૈલેષભાઇ વ્યાસ તથા નિલેષભાઇ ટોળીયા ભકિત કરાવશે.
તા.૧૩ના રોજ પ્રભુજીની પ્રતિષ્ઠા યોજાશે. જેમાં પ્રભુની અષ્ટપ્રકારી પુજા, કંકુ દ્વારા છાપા, સવા લાખ અક્ષત દ્વારા સ્વસ્તિક, પ્રતિષ્ઠાચાર્યને કામલી અર્પણ, માણેક લાડવો અર્પણ, મોટી શાંતિ સહિતના ધર્મનુષ્ઠાનો માંડવી ચોક દેરાસર ખાતે યોજાશે. વિધીકારક તરીકે જશુભાઇ શાહ તથા સંગીતકાર પ્રતાપભાઇ શાહ ભકિત સંગીતની રમઝટ બોલાવશે. તેમ પ્રમુખ જીતુભાઇ દેસાઇની યાદીમાં જણાવાયું છે
(4:00 PM IST)










