News of Tuesday, 12th May 2026
શ્રી સુપાર્શ્વનાથ દેરાસરની ૨૦૦મી વર્ષગાંઠઃ ધ્વજારોહણ
પૂ.આ.ભ. જિન-હેમચન્દ્રસાગર સુરિશ્વરજી મહારાજા આ.ઠા.ની નિશ્રામાં અવસરની દિવ્ય ઉજવણી કાલે રજતમયી પ્રભુજીની પ્રતિમાની પ્રતિષ્ઠાઃ અષ્ટ પ્રકારી પુજા સહિતના આયોજન

આજરોજ શહેરના સોની બજાર સ્થિત સુપાર્શ્વનાથ દેરાસરની ૨૦૦મી ધ્વજાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે ૬:૩૦ કલાકે ધ્વજાનું સામૈયુ યોજાયુ હતું. ત્યારબાદ ધ્વજારોહણ અને નવકારશીનું આયોજન માંડવી ચોક દેરાસર ખાતે કરવામાં આવ્યુ હતું. ઉપરોકત તસ્વીરમાં ધ્વજાના લાભાર્થી પરિવાર દ્વારા ધ્વજારોહણ કરાયુ હતું. પૂ.આ.ભ. જિન-હેમચન્દ્રસાગર સુરીશ્વરજી મહારાજા દ્વારા ધ્વજાજી પુજન કરાયુ હતું. આ પ્રસંગે સંઘ પ્રમુખ જીતુભાઇ દેસાઇ દ્રષ્ટીગોચર થાય છે. નિચેની તસ્વીરમાં રિધ્ધીબેન ચિરાગભાઇ શેઠ ગઇકાલે પ્રભુજીની અપૂર્વ દીક્ષા દરમ્યાન કુલમહતરા બન્યા હતા. જયારે ઇન્સેટમાં કુ.હેત્વી મિતુલભાઇ વસા દ્વારા દીક્ષા સમયે બહેનનો શબ્દરૂપી વિલાપ રજુ કરતા ઉપસ્થિત શ્રાવક- શ્રાવીકાઓ ભાવુક બન્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૧૨:શહેરના ૧૯૯ વર્ષ પ્રાચીન જૈન તીર્થ સુપાર્શ્વનાથ દેરાસર (માંડવી ચોક)ની ૨૦૦મી ધજાનો પાવન અવસર અયોધ્યાપુરમ તીર્થના સ્વપ્નદ્રષ્ટા પૂ.આ.શ્રી જિનહેમચન્દ્રસાગર સુરીશ્વરજી મહારાજા આ.ઠા. પાવન નિશ્રામાં આજે ઉજવાયો હતો.
જેમાં તા.૭ મેના રોજ લઘુનંદાવર્ત પૂજન, ક્ષેત્રપાલ પુજન, ૧૦ દિકપાલ પુજન, ૧૬ વિદ્યાદેવી પુજન, નવગ્રહ પુજન, અષ્ટમંગલ પુજન તથા નવ પદ પુજન મણિયાર દેરાસર ખાતે યોજાયુ હતું. જયારે તા.૮ના રોજ ચ્યવન કલ્યાણક, તા.૯ના જન્મકલ્યાણ ઉજવાયેલ તથા તા.૧૦ના રોજ સવારે ૭ કલાકે મણીયાર દેરાસરથી વારાણસી નગરી, રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રથયાત્રા નિકળી હતી. ત્યારબાદ સકલ જૈનોનું સ્વામીવાત્સલ્ય સંઘ જમણ યોજાયુ હતું. ત્યારબાદ ર વાગે પ્રભુનું મામેરૂ, લગ્ન મહોત્સવ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા.
જયારે તા.૧૧ના રોજ દિક્ષા કલ્યાણક, અંજનશલાકા તથા તા.૧૨ના રોજ પ્રાતઃ સ્નાત્ર મહોત્સવ પછી પ્રભુની ૨૦૦મી ધ્વજાનું વિધાન સકલ સંઘની સમૃધ્ધિ માટે અષ્ટોતરી શાંતિ- સ્નાત્ર વિધાન યોજાયેલ.
આજે તા.૧૨ના રોજ સવારે ૬:૩૦ કલાકે ધજાનું સામૈયુ તથા ૭:૩૦ કલાકે ધજારોહણ તથા નવકારશી માંડવી ચોક દેરાસર ખાતે યોજાઇ હતી. વિધીકારક તરીકે પ્રકાશભાઇ દોશી તથા સંગીતકાર તરીકે ધર્મેશભાઇ દોશી, શૈલેષભાઇ વ્યાસ તથા નિલેષભાઇ ટોળીયા ભકિત કરાવેલ.
તા.૧૩ના રોજ પ્રભુજીની પ્રતિષ્ઠા યોજાશે. જેમાં પ્રભુની અષ્ટપ્રકારી પુજા, કંકુ દ્વારા છાપા, સવા લાખ અક્ષત દ્વારા સ્વસ્તિક, પ્રતિષ્ઠાચાર્યને કામલી અર્પણ, માણેક લાડવો અર્પણ, મોટી શાંતિ સહિતના ધર્મનુષ્ઠાનો માંડવી ચોક દેરાસર ખાતે યોજાશે. વિધીકારક તરીકે જશુભાઇ શાહ તથા સંગીતકાર પ્રતાપભાઇ શાહ ભકિત સંગીતની રમઝટ બોલાવશે. તેમ પ્રમુખ જીતુભાઇ દેસાઇ સહિત ટ્રસ્ટીગણની યાદીમાં જણાવાયું છે
(3:05 PM IST)










