<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ચક્કર આવ્‍યા બાદ ૨૨ વર્ષની ધ્રુવીકા ગોંડલીયાનું મૃત્‍યુ થયું

મુંજકા ટીટોડીયા ક્‍વાર્ટરમાં બનાવ પરિવારમાં શોકઃ બીજા બનાવમાં પારેવડી ચોકમાં બેભાન થઇ જતાં વૃધ્‍ધ રાજુભાઇનું મૃત્‍યુ

રાજકોટ તા. ૧૪: મુંજકા ટીટોડીયા ક્‍વાર્ટરમાં રહેતી ધ્રુવીકાબેન પ્રવિણભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૨) નામની યુવતિ ઘરે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ધ્રુવીકાબેન ઘરે હતી ત્‍યારે ચક્કર આવતાં પડી ગઇ હતી. તેણીએ ઘરે કોઇ ન હોઇ બુમાબુમ કરતાં પાડોશી મહિલા દોડી ગયા હતાં. ત્‍યારે તેણી અર્ધબેભાન જેવી થઇ હતી. પાડોશીએ તેણીના માતા શારદાબેન, પિતા પ્રવિણભાઇ ગોંડલીયા બહાર ગયા હોઇ તેમને જાણ કરતાં તેઓ તરત પહોંચ્‍યા હતાં અને સારવાર માટે ખસેડી હતી. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના  હેડકોન્‍સ. જયદિપભાઇ લાઠીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ધ્રુવીકાબેન બે બહેનમાં મોટી હતી અને કોલેજમાં ભણતી હતી. તેના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે. યુવાન દિકરાના મૃત્‍યુથી ગોંડલીયા-પ્રજાપતિ પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

બીજા બનાવમાં સદર બજાર ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં રાજુભાઇ નાથાભાઇ પરમાર (ઉ.વ.૭૦) નામના વૃધ્‍ધ પારેવડી ચોકમાં બેઠા હતાં ત્‍યારે બેભાન થઇ જતાં  સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું. (૧૪.૧૦)

 

(3:36 PM IST)