તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
લોધીકા દરબારગઢ સ્થિત ૨૫૦ વર્ષ જૂના પૌરાણિક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનો કાલે પુનરોદ્ધાર મહોત્સવ
સાળંગપુર હનુમાનજી મહારાજ જેવી જ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ૧૦ ફૂટની પૌરાણિક વિશાળ મૂર્તિના સ્થાનકનું ભવ્ય નવીનીકરણ

રાજકોટ : સૌરાષ્ટ્રના ધાર્મિક અને ઐતિહાસિક વારસામાં વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાવા જઈ રહ્યું છે. પ.પૂ. ગોપાળાનંદ સ્વામી અને પ.પૂ. ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સ્થાપિત ૨૫૦ વર્ષથી પણ વધુ પૌરાણિક એવા લોધીકા દરબારગઢ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનો ભવ્ય પુનરોદ્ધાર પ્રસંગ આવતીકાલ મંગળવાર, ૨૧ જુલાઈના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મહારાજની પ્રતિમા જેવી જ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ૧૦ ફૂટની વિશાળ અને દિવ્ય પૌરાણિક મૂર્તિના સ્થાનકનું ભવ્ય નવીનીકરણ કરવામાં આવ્યું છે.
એસબીઆઇ બેંક બિલ્ડીંગની બાજુમાં આવેલા પૌરાણિક દરબારગઢ ખાતે આયોજિત આ ભવ્ય મહોત્સવ અંતર્ગત સાંજે ૭:૩૦ કલાકે ભોજન પ્રસાદ તેમજ રાત્રીના ૯ વાગ્યાથી સુંદરકાંડ પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર પુનરોદ્ધારનું કાર્ય લોધીકાના વર્તમાન ઠાકોર સાહેબ શ્રી માનવેન્દ્રસિંહજી જાડેજા દ્વારા પરિપૂર્ણ કરી સમસ્ત ધર્મપ્રેમી જનતાને અર્પણ કરવામાં આવ્યું છે.
લોધીકાના ઠાકોર શ્રી અભયસિંહજી જાડેજાએ પોતાની અંતિમ અવસ્થામાં અક્ષરનિવાસી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના કળપાપાત્ર સેવક સંત શ્રી મહાપુરુષદાસજી સ્વામીની આજ્ઞા અને આશીર્વાદથી, રાજકોટ ઠાકોર સાહેબ પાસેથી ‘બોરડીવાળી વાડી'ની જમીન ખરીદી હતી. વિક્રમ સંવત ૧૯૪૨ (ઈ.સ. ૧૮૮૫-૮૬) માં રૂ. ૧૦,૦૦૦/-ના ખર્ચે એક ભવ્ય અને કલાત્મક છત્રી/મંદિરનું નિર્માણ કરાવી તેનો દસ્તાવેજ શ્રી રાધારમણદેવને અર્પણ કર્યો હતો. આજે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આ સ્થાન ‘બોરડીવાળા મંદિર' તરીકે શોભી રહ્યું છે. જ્યાં હજારો સંતો અને હરિભક્તો દર્શન-સત્સંગનો લાભ લઈ રહ્યા છે. રાજર્ષિ અભયસિંહજીની નિયમનિષ્ઠા અજોડ હતી. એકવાર જામનગર દરબારમાં જામશ્રી વિભાજીની કચેરીમાં જ્યારે કસુમ્બાની પ્યાલી ધરવામાં આવી, ત્યારે તેમણે પોતાની કઢી-માખણ બતાવી ‘નિયમ છે' કહી ઈનકાર કર્યો હતો. સભામાં કટાક્ષ થતાં જ તેમણે કટાર હાથમાં લઈ ક્ષાત્રધર્મના સ્વમાન સાથે સ્પષ્ટ કહ્યું હતું કે : ‘‘બાપુ! ગળામાં છે પાડી આ પ્યાલી રેડી દો. હું પણ ક્ષત્રિય છું અને આપ પણ ક્ષત્રિય છો, બંનેની પ્રતિષ્ઠા જાળવવી એ જ ધર્મ છે.''
આવી જ રીતે લોધીકા પ્રાંત સાહેબના વારંવારના તેડા છતાં દરબાર પોતાની ૭ કલાકની પૂજામાં લીન રહ્યા અને સેવકોને હુકમ કર્યો કે ‘આગ લાગે તો પણ ધ્યાનમાંથી જગાડશો નહીં'. તેમની આ અચળ ધર્મનિષ્ઠાથી પ્રભાવિત થઈ બ્રિટિશ સરકારે ખાસ ફરમાન બહાર પાડવું પડ્યું હતું કે, ‘‘બપોરે ૧ વાગ્યા સુધી અભયસિંહજીને કોઈ પણ સરકારી કામે હાજર કરવા નહીં.''
તેમણે કવિશ્વર દલપતરામને બે વર્ષ સુધી લોધીકામાં આશ્રય આપી ‘શ્રી પુરુષોત્તમ ચરિત્ર' અને ‘છંદ રત્નાવલી' જેવા ગ્રંથો લખાવ્યા. તે સમયે મહાકવિ ન્હાનાલાલ પણ લોધીકાની શાળામાં અભ્યાસ કરતા હતા.
ઈ.સ. ૧૮૮૧માં તેમણે ત્રણ માળનું ‘હરિ મંદિર' બંધાવી પંચદેવની સ્થાપના કરી, જેનો સંતોના હસ્તાક્ષરવાળો શિલાલેખ આજે પણ મોજૂદ છે.
તેમણે ‘અભયપુર' (હાલનું અભેપુર) અન ‘અમરગઢ' ગામો વસાવ્યા, લાલપરી નદી પર ‘હેરોલ્ડ કોઝવે' બંધાવ્યો તેમજ રાજકોટનો પૂર્વ ગેટ બનાવ્યો હતો.
‘રાજકોટ સ્ટેટ અને લોધીકા સ્ટેટ બંને એક જ ઘર છે' તેવી પરમ ઉદારતા દાખવી તેમણે રાજકોટની પ્રજાના હિત માટે ભીચરી ગામની સરહદમાંથી લાલપરી નદીનું વહેતું પાણી લાલપરી તળાવમાં આપવા કરાર કરી રાજકોટવાસીઓની જળસમસ્યા કાયમી માટે હલ કરી હતી.
રાજર્ષિ અભયસિંહજીની અંતિમ પળો પણ અત્યંત અલૌકિક રહી હતી. અડધી રાત્રે ભગવાન શ્રીજી મહારાજ સ્વયં રથ અને વિમાન સાથે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિ સંતો સાથે તેમને તેડવા પધાર્યા હતા. આ દિવ્ય પ્રસંગના સાક્ષી બનેલા બ્રિટિશ થાણેદારે પણ ખુદ સ્વીકાર્યું હતું કે, ‘‘સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોને અંતકાળે તેડવા આવે છે, તે વાત પરમ સત્ય છે.''
આવો દિવ્ય ભક્તિ-વારસો ધરાવતા લોધીકા દરબારગઢ ખાતે ૨૫૦ વર્ષ જૂના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનો આ પુનરોદ્ધાર મહોત્સવ લોધીકા અને સમગ્ર સૌરાષ્ટ્રના ભક્તિ-ઇતિહાસને વધુ ઉજ્જવળ બનાવશે.
તસ્વીરમાં અકિલાના એકઝીકયુટીવ એડિટર અને અકિલાના વેબએડીશનના એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સાથે લોધિકાના હાલના ઠાકોર સાહેબ શ્રી માનવેન્દ્રસિંહજી જાડેજા નજરે પડે છે. આ તકે કેમ્પેઇન એડના શ્રી ધર્મેશ શાહ પણ ઉપસ્થિત છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:53 PM IST)










