News of Thursday, 29th October 2026
વલ્લભ વિદ્યાનગર સોસાયટીમાં ટેબલ પરથી પટકાતાં ૨૯ વર્ષના વિમલ રાવરાણીનું મૃત્યુ
મુળ ગોંડલના ધરાળાનો વતની યુવાન રાજકોટ રહેતો હતોઃ યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૯: શહરેની વલ્લભ વિદ્યાનગર સોસાયટીમાં રહેતો યુવાન રાતે ટેબલ પર ચઢી માળીયા પરથી કોઇ વસ્તુ ઉતારતો હતો ત્યારે અકસ્માતે પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ મવડી વિસ્તારની વલ્લભ વિદ્યાનગર સોસાયટીમાં ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતો વિમલભાઇ હિમતભાઇ રાવરાણી (ઉ.વ.૨૯) નામનો યુવાન રાતે અગીયારેક વાગ્યે ઘરે ટેબલ પર ચઢીને માળીયામાંથી કોઇ વસ્તુ ઉતારતો હતો ત્યારે બેલેન્સ ગુમાવતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં પ્રથમ દોશી હોસ્પિટલમાં અને બાદમાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. કિશનભાઇ અજાગીયા સહિતે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક યુવાન મુળ ગોંડલના ધરાળા ગામનો વતની હતો.
(11:40 AM IST)










