<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

રાજકોટ શહેર-જીલ્લાની મેગા લોક-અદાલતમાં બપોર સુધીમાં ૩૦ ટકા કેસોનો નિકાલઃ અકસ્‍માતના કેસોમાં કરોડોનું વળતર અપાયુ

લેણાની રકમના કેસોમાં લાખોની રકમની રીકવરી થઇઃ ઇ-મેમાના કેસોમાં મોટી રકમ વસુલાઇઃ પક્ષકારોએ મોટી સંખ્‍યામાં કેસો મુકયાઃ પતિ-પત્‍ની વચ્‍ચેના કેસોમાં સમાધાન નોંધાયાઃ સાંજ સુધીમાં ૬૦ ટકા કેસોનો નિકાલ થવાની સંભાવના

રાજકોટઃ તા.૧ર, આજે રાજકોટ શહેર જીલ્લા તાલુકામાં યોજાયેલ મેગા લોક-અદાલતનું અધિક સેશન્‍સ જજ શ્રી પ્રિયંકા અગ્રવાલે ઉદ્દઘાટન કરીને લોક-અદાલતને ખુલ્લી મુકી હતી.

આજે યોજાયેલ લોક-અદાલતમાં કુલ ૩પ હજાર કેસો મુકાયા હતા.

આજે યોજાયેલ લોક-અદાલતમાં બપોરના બે વાગ્‍યા સુધીમાં ૩૦ ટકાથીવધુ  કેસોનો નિકાલ થયાનું જાણવા મળે છે. જયારે અકસ્‍માત વળતરના કેસોમાં કરોડોની રકમના એવોર્ડ જાહેર કરવામાં આવ્‍યા હતા. જયારે લેણાની રકમની રીકવરીના કેસોમાં લાખોની રકમની વસુલાત કરવામાં આવી હતી.

જયારે ઇ-મેમાના કેસોમાં પણ મોટી રકમની વસુલાત કરવામાં આવી, પતિ-પત્‍ની વચ્‍ચેના કેસોમાં પણ ઘણા કેસોમાં સમાધાન નોંધાયું હતું.

આજે યોજાયેલ લોક-અદાલતમાં મોટી સંખ્‍યામાં પક્ષકારો હાજર રહયા હતા, વકીલો ન્‍યાયાધીશોની સમજાવટથી લોક-અદાલતને મહત્તમ સફળતા મળી હતી. સાંજ સુધીમાં ૬૦ ટકાથી વધુ કેસોનો નિકાલ થવાની સંભાવના વ્‍યકત થઇ રહી છે.  ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા આજે તા.૧૨/૦૯/૨૦૨૬ ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક-અદાલતમા દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં લેવાયા હતાં. સદર લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (૨) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮( ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્‍ક લેણા ના કેસો (૪) મોટર અકસ્‍માત વળતરને લગતા કેસો (૫) લગ્નવિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદનને લગતા કેસો (૮) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્‍યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૦) અન્‍ય સમાધાન લાયક કેસો મુકવામાં આવ્‍યા હતા, અંદાજે કુલ ૩પ  હજારથી વધુ કેસો મુકાયેલ જેમાંથી બપોરસુધીમાં ૩૦ ટકાથી વધુકેસોનો નિકાલ થયાનું જાણવા મળે છે.

  જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્‍ય જીલ્લા ન્‍યાયાધીશ સી.કે.ચૌહાણ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્‍ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહી તેમજ કોઈ નો પરાજય નહી તેવી પરીસ્‍થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્‍યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્‍યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે.

(3:12 PM IST)