<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

કટારિયા ચોકડી પાસે ૩૫૦ મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાયો

નવરાત્રિ પહેલાં મનપાનો મોટો નિર્ણય : ટ્રાફિકની મુશ્‍કેલી ટાળવા સ્‍ટેન્‍ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળિયા અને શિશુ કલ્‍યાણ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલની સ્‍થળ મુલાકાત : કાલાવડ રોડથી ૧૫૦ ફૂટ સેકન્‍ડ રિંગ રોડ સુધી ડાયવર્ઝનની વ્‍યવસ્‍થા

રાજકોટ, તા. ૧૦: નવરાત્રિ પર્વ દરમિયાન કટારિયા ચોક બ્રિજ અને આસપાસના વિસ્‍તારોમાં સર્જાતી ટ્રાફિક સમસ્‍યામાંથી વાહનચાલકોને રાહત આપવા રાજકોટ મહાનગરપાલિકાએ તાત્‍કાલિક પગલાં લીધાં છે. કાલાવડ રોડ સ્‍થિત કટારિયા ચોકડીથી ૧૫૦ ફૂટ સેકન્‍ડ રિંગ રોડને જોડતો અંદાજે ૩૫૦ મીટર લાંબો અને ૧૮ મીટર પહોળો ટીપી રોડ પરિવહન માટે ખુલ્લો કરાવી ડાયવર્ઝનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આવતીકાલથી શરૂ થઈ રહેલા નવરાત્રિ પર્વ દરમિયાન કટારિયા ચોક બ્રિજ આસપાસ વાહનોની ભારે અવરજવર રહેવાની સંભાવના છે. લોકોને પરિવહનમાં મુશ્‍કેલી ન પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયા તથા શિશુ કલ્‍યાણ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલે સંવેદનશીલ અભિગમ અપનાવી સ્‍થળ પર જ તાત્‍કાલિક કાર્યવાહી કરાવી હતી.

બંને પદાધિકારીઓએ સિટી એન્‍જિનિયર કુંતેશ મહેતા, ટીપી વિભાગના અધિકારીઓ અને ટેક્રિકલ સ્‍ટાફને સાથે રાખીને કટારિયા ચોકડી તથા ૧૫૦ ફૂટ રિંગ રોડ વિસ્‍તારની સ્‍થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બંધ રહેલા ટીપી રોડને ખુલ્લો કરાવી વાહનવ્‍યવહાર માટે વૈકલ્‍પિક માર્ગની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

ખુલ્લો કરાયેલો માર્ગ વેસ્‍ટ ઝોનના વોર્ડ નંબર ૧૧માં આવેલી ટીપી સ્‍કીમ નંબર-૧૬, મોટામવા ફાઇનલ હેઠળનો છે. કેશવમ રેસ્‍ટોરન્‍ટ નજીકથી પસાર થતો આ માર્ગ કાલાવડ રોડની કટારિયા ચોકડીને ૧૫૦ ફૂટ સેકન્‍ડ રિંગ રોડ સાથે જોડે છે. અંદાજે ૩૫૦ મીટર લાંબા અને ૧૮ મીટર પહોળા આ ટીપી રોડનો વાહનચાલકો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકશે.

 

(2:35 PM IST)