<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

પીજીવીસીએલના એમડી કેતન જોષીના નામે મેસેજ કરી ૪૫.૬૦ લાખની ઠગાઈઃ નાણા બંગાળના એકાઉન્‍ટમાં ગયા

‘મલ્‍કાણ ઇટ્‍સ મી, કે. પી. જોષી, ઇટ્‍સ માય વેરી પર્સનલ નંબર, પ્‍લીઝ ડોન્‍ટ શેર વીથ એની વન સેવ્‍ડ ઇટ'...એવો મેસેજ મોકલ્‍યા બાદ તત્‍કાળ મનિષા મંડલ નામના એકાઉન્‍ટમાં નાણા ટ્રાન્‍સફર કરવાની સુચના આપતાં ફાયનાન્‍સ મેનેજર કિન્‍તુકુમાર મલકાણે સુચના અનુસરી : સાયબર ગઠીયાએ એક પેમેન્‍ટ મળી જતાં બીજા ૩૦.૬૦ લાખનું પેમેન્‍ટ કરવાનો પણ મેસેજ કર્યોઃ પણ મેનેજર કિન્‍તુકુમાર મલકાણ રૂબરૂ ખરાઇ કરવા જતાં આ રકમ બચી ગઇઃ સાયબર ક્રાઇમ પીઆઇ એસ. ડી. ગીલવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૫: સાયબર ફ્રોડની એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં રાજકોટ પીજીવીસીએલના એમડી કેતન જોષીના નામે પીજીવીસીએલ કચેરીના ફાયનાન્‍સ વિભાગના મેનેજરને મેસેજ કરી પોતે મીટીંગમાં છે તેવુ જણાવી તાત્‍કાલીક એક બેંક એકાઉન્‍ટમાં રૂા.૪૫,૬૦,૯૦૪ રૂપિયા મોકલવાનું કહેતાં મેનેજરે સુચના મુજબ આ રકમ ટ્રાન્‍સફર કરાવી દીધી હતી. એ પછી વધુ એક ૩૦ લાખ ૬૦ હજારનું અન્‍ય પેમેન્‍ટ કરવાનો ફરીથી મેસેજ આવતાં મેનેજર ખરાઇ કરવા જતાં એમડીએ આવા કોઇ મેસેજ પોતે કર્યા નહિ હોવાનું કહેતાં સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરવામાં આવી છે. ગઠીયાએ એમડીના ફોટા સાથેના વ્‍હોટ્‍સએપ નંબરમાંથી મેસેજ કર્યા હતાં. સાયબર ક્રાઇમ પોલીસની પ્રાથમિક તપાસમાં આ નાણા વેસ્‍ટ બંગાળના કોઇ ખાતામાં જમા થયા હોવાનું ખુલ્‍યું છે.

આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે યુનિવર્સિટી રોડ ઘનશ્‍યામનગર મોહન પ્‍લાઝા પાછળ રહેતાં અને લક્ષ્મીનગર મેઇન રોડ પર પીજીવીસીએલ કચેરીમાં ફાયનાન્‍સ વિભાગના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતાં કિન્‍તુકુમાર શશીકાંતભાઇ મલકાણ (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી વ્‍હોટ્‍સએપ નંબરના ધારક અને મનીષા મંડલના નામે આઇએફએસી બેંકમાં એકાઉન્‍ટ ધરાવનાર વ્‍યક્‍તિ તથા તપાસમાં ખુલે તેની સામે ૪૫,૬૦,૯૦૪ની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કિન્‍તુકુમાર મલકાણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પીજીવીસીએલમાં જનરલ મેનેજર ફાયનાન્‍સ તરીકે ૧૪ વર્ષથી નોકરી કરુ છું. પીજીવીસીએલમાં હું નાણા વિભાગમાં સપ્‍લાયરના ચુકવણી અને બેંક સાથેના વ્‍યવહાર તેમજ લાઇટ બીલના ઉઘરાણાને લગતું કામકાજ સંભાળુ છું. તા. ૪/૫/૨૬ના રોજ હું અમારી લક્ષ્મીનગરની ઓફિસમાં બેઠો હતો ત્‍યારે બપોરે એક કલાક અને બે મિનીટે મારા મોબાઇલમાં અમારા એમડીશ્રી કેતન જોષી તરીકે ઓળખ આપતો વ્‍હોટ્‍સએપ મેસેજ આવ્‍યો હતો. આ મેસેજ ૯૭૦૮૫ ૬૧૪૫૨ ઉપરથી આવ્‍યો હતો. જેમાં પ્રોફાઇલમાં અમારા સાહેબ કેતન જોષીનો ફોટો હતો.

આ મેસેજમાં લખ્‍યું હતું કે-મલ્‍કાન ઇટ્‍સ મી કે. પી. જોષી, ઇટ્‍સ માય વેરી પર્સનલ નંબર, પ્‍લીઝ ડોન્‍ટ શેર વીથ એની વન, સેવ્‍ડ ઇટ. એમ અંગ્રેજીમાં લખેલુ હતું. આ પછી મને વોઇસ કોલ આવ્‍યો હતો જે મેં રીસીવ કર્યો નહોતો. જેથી ફરીથી મને મેસેજ આવ્‍યો હતો જેમાં સોરી આઇ એમ ઇન મીટીંગ એવુ લખ્‍યું હતું. આ પછી મેં એક કલાક પાંચ મિનીટે વોઇસ કોલ કરતાં રિસીવ થયો નહોતો. ફરી મને મેસેજ આવ્‍યો હતો કે-આઇ એમ ઇન મીટીંગ, પ્‍લીઝ ડોન્‍ટ કોલ. આથી મેં ઓકે સરનો મેસેજ કર્યો હતો.

ત્‍યારબાદ મને મેસેજ આવેલો જેમાં બેનીફીસીયરી મનિષા મંડલ એકાઉન્‍ટ નંબર...ઇન્‍ડસઇન્‍ડ બેંક એકાઉન્‍ટ, એમાઉન્‍ટ ઓફ ફોર્ટી ફાઇવ લાખ સિક્‍સ્‍ટી થાઉઝન્‍ડ નાઇન હન્‍ડ્રેડ ફોર ઓન્‍લી એવુ લખેલુ હતું. તેમજ મેક ધીસ પેમેન્‍ટ થ્રુ પીજીવીસીએલ એકાઉન્‍ટસ રાઇટ નાઉ અનેન્‍ડ સેન્‍ડ મી યુટીઆર નંબર. આફટર મેક પેમેન્‍ટ આઇ વીલ પ્રોવાઇડ યુ ઓલ ફોર્માલિટીસ, નો ટીડીએસ. એવો મેસેજ આવ્‍યો હતો. જેથી મેં પીજીવીસીએલના એસબીઆઇ જીમખાના  બ્રાંચ ખાતેના એકાઉન્‍ટનો ચેક રૂા. ૪૫,૬૦,૯૦૪નો લખી અમારા કર્મચારી જયશ્રીબેન ઉપાધ્‍યાયને બેંકે મોકલી ઇન્‍ડસઇન્‍ડ બેંક એકાઉન્‍ટ નંબર જે સાહેબના નામે આવેલા મેસેજમાં હતાં તેમાં આરટીજીએસથી મોકલી દીધા હતાં.

આ પછી બપોરે ૩:૪૮ કલાકે મને વ્‍હો્‌ટસએપમાં બીજુ એક પેમેન્‍ટ કરવા માટે બેનીફીસરી નિતીન એકાઉન્‍ટ નંબર કોટક મહિન્‍દ્રા બેંક એમાઉન્‍ટ થર્ટી લાખ સિક્‍સટી થાઉઝન્‍ડ એઇટ હન્‍ડ્રેડ  વન ઓન્‍લી લખેલો મેસેજ આવ્‍યો હતો. તેમાં સાથે લખેલું કે-મલકાન એલોટ ધીસ લાસ્‍ટ પેમેન્‍ટ રાઇટ નાઉ, આફટર માય મીટીંગ આઇ વીલ પ્રોવાઇડ યુ ઓલ ફોર્માલિટીસ. ટ્રાઇ ટુ ડુ ફાસ્‍ટ. એમ પણ લખેલુ હતું. આ પછી મને શંકા ઉપજતાં હું અમારા એમડીશ્રી કેતન જોષીને રૂબરૂ તેમની ઓફિસમાં મળતાં અને તેમના નામે તેમના ફોટા સાથે વ્‍હોટ્‍સએપ પરથી જે મેસેજ આવ્‍યા હતાં તે તેમને બતાવતાં તેમણે કહેલું કે મેં આવા કોઇ પેમેન્‍ટ કરવાના મેસેજ કર્યા નથી, આ નંબર પણ મારો નથી. આથી સાયબર ફ્રોડ થયાનું જણાતાં તુરંત જ અમે ૧૯૩૦માં ફરિયાદ કરી હતી અને બાદમાં પોલીસ સ્‍ટેશને પહોંચી એફઆઇઆર દાખલ કરાવી હતી.

આમ અમારા એમડીશ્રી કેતન જોષીના નામે વ્‍હોટ્‍સએપ નંબરમાં તેમનો ફોટો રાખી મને તેમના નામે ખોટી ઓળખ આપી મેસેજ મોકલી રૂા. ૪૫,૬૦,૯૦૪ ટ્રાન્‍સફર કરાવી લીધા હતાં. તેમ વધુમાં કિન્‍તુકુમાર મલકાણે જણાવતાં પીઆઇ એસ. ડી. ગીલવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતાં ફ્રોડની આ રકમ પヘમિ બંગાળના એકાઉન્‍ટમાં જમા થઇ છે. ગઇકાલે  એમડી ખરેખર મીટીંગમાં હતા તે વખતે જ ગઠીયાએ મેસેજ કરીને ફ્રોડ આચર્યુ હતું. ફરિયાદીએ પણ પોતાને મેસેજ આવ્‍યા ત્‍યારે ખરાઇ માટે ફોન કરતાં એમડી મીટીંગમાં હોવાનું જણાયું હતું. પીઆઇ એસ. ડી. ગીલવા અને ટીમે તપાસ હાથ ધરી છે.

(2:34 PM IST)