<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

મહાનગર પાલિકાના આઇ-વે પ્રોજેક્‍ટના સીસીટીવી કેમેરાઓની ૫૫ બેટરીઓની ચોરી કરીઃ ક્રાઇમ બ્રાંચે રવિને દબોચી લીધો

દૂધ સાગર રોડ પરથી ૩, જામટાવર ચોકમાંથી ૬ અને માલવીયા ચોક, જ્‍યુબીલી, ગુંદાવાડી, ભૂપેન્‍દ્ર રોડ પરથી ૨૧ બેટરી અને બી-ડિવીઝન હેઠળના વિસ્‍તારોમાંથી પણ ચોરી કરી હતીઃ બેટરી ઓગાળી શીશુ કાઢી વેંચી દેતોઃ ૧૦ બેટરી કબ્‍જે

રાજકોટ તા. ૧૨: મહાનગરપાલિકાના આઈ-વે પ્રોજેક્‍ટ હેઠળ શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્‍યવસ્‍થા જાળવવા માટે લગાડેલા સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટને નિશાન બનાવી તસ્‍કરો દ્વારા બેટરીઓની ચોરી કરવામાં આવી હતી. થોરાળા, પ્ર.નગર અને એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બનેલી  ત્રણ આવી ચોરીની ઘટનામાં અલગ અલગ પોલ પરથી ૩૦ બેટરીઓ ચોરાતાં ગુના દાખલ થયા હતાં. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્‍ચે ઉકેલી એક શકમંદને ઝડપી લઇ ૧૦ ચોરાઉ બેટરી કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ શખ્‍સે બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારોમાંથી પણ આવી બેટરીઓની ચોરી કરી હતી. કુલ પંચાવન બેટરી ચોરી કર્યાનું રટણ કર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ ગત તા. ૧૧/૮થી તા.૯/૯૬ના સમયગાળા દરમિયાન થોરાળા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવતા ચુનારાવાડ ચોક, દૂધસાગર મેઈન રોડ પર ફારૂકી મસ્‍જીદ પાસે કોર્પોરેશનની વોર્ડ ઓફિસ ખાતે લગાડેલા સીસીટીવી કેમેરાનું આઉટડોર યુનિટ શંકાસ્‍પદ રીતે બંધ જણાયું હતું. તપાસ કરતાં કોઈ અજાણ્‍યા ચોરોએ આઉટડોર યુનિટનું લોક અને દરવાજો તોડી અંદરથી એક્‍સાઇડ કંપનીની ૧૨ વોલ્‍ટની ૩ નંગ બેટરીઓ જેની કિંમત અંદાજે રૂ. ૯,૦૦૦ થાય છે તેની ચોરી કરી લીધાનું બહાર આવ્‍યું હતું. આ અંગે થોરાળા પોલીસ સ્‍ટેશનમાં પ્રોજેક્‍ટ મેનેજર સ્‍મીતભાઈ જયસ્‍વાલ અને નેટવર્ક સિકયોરિટી એન્‍જિનિયર ભાવેશભાઈ ચીખલીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બીજા બનાવમાં પ્ર.નગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર અંતર્ગત જામટાવર ચોક ખાતે લગાડેલા સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું સામે આવ્‍યું હતું. તા. ૯/૯ના રોજ તપાસ કરતાં જામટાવર પાસેના આઉટડોર યુનિટના બે લોક તૂટેલા હતા અને દરવાજો ખુલ્લો હતો. ત્‍યાંથી એક્‍સાઇડ કંપનીની ૧૨ વોલ્‍ટની કુલ ૬ નંગ બેટરીઓ જેની  કિંમત રૂ. ૧૮,૦૦૦ થાય છે તે ગાયબ હતી. આ બાબતે પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં સ્‍મીતભાઇએ ફરિયાદ નોંધાવી છે.

તેમજ ત્રીજા બનાવમાં એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં તો ચોરોએ એકથી વધુ સ્‍થળોને નિશાન બનાવ્‍યા હતા. તા. ૨૦/૬/૨૬ના રોજ માલવીયા આર.કે.સી. ચોક અને જ્‍યુબેલી ચોક ખાતેથી આઉટડોર યુનિટના લોક તોડી એક્‍સાઇડ કંપનીની ૧૨ વોલ્‍ટની ૧૨ નંગ બેટરીઓ કિંમત રૂ. ૩૬,૦૦૦ની ચોરી થઈ હતી. ત્‍યારબાદ, તા. ૯/૯ ના રોજ સવારે ગુંદાવાડી સંગણવા ચોક અને ભુપેન્‍દ્રરોડ વોર્ડ ઓફિસ ખાતે તપાસ કરતાં ત્‍યાંથી પણ એક્‍સાઇડ કંપનીની ૧૨ વોલ્‍ટની ૯ નંગ બેટરીઓ કિંમત રૂ. ૨૭,૦૦૦ની ચોરાયાનું જણાઈ આવ્‍યું હતું. આ અંગે એ-ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાવાયો છે.

શહેરમાં આરએમસીના મહત્‍વપૂર્ણ પ્રોજેક્‍ટના સરકારી સાધનો અને સીસીટીવી કેમેરાની બેટરીઓ ચોરાઈ જવાની આ  ઘટનામાં ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ. રાણા, પીએસઆઇ વી. ડી. રાવલીયાની ટીમે પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં તપાસ શરૂ કરી ટેકનીકલ સર્વેલન્‍સ અને હ્યુમન સોર્સિસના આધારે  એક શકમંદ આરોપીને દબોચી લીધો છે અને તેની પાસેથી અલગ-અલગ જગ્‍યાએથી ચોરાયેલી કુલ પંચાવન બેટરીઓમાંથી દસ બેટરી કબ્‍જે કરી છે. મંછાનગરમાં રહેતાં રવિ નામના શખ્‍સની વિશેષ પુછતાછ થઇ રહી છે

(2:42 PM IST)