News of Saturday, 6th June 2026
ગરનાળાની કામ્યા ટેક્ષટાઇલના સંચાલક દંપતિની ૬.૧૮ કરોડની ઠગાઇ
રાજકોટ રણછોડનગરમાં રહેતાં રૈયારાજ એન્ડ કંપનીના માલિક જલ્પાબેન જીતેન્દ્રભાઇ રૈયાણીની બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ : નાના મવા રોડ પર રહેતાં દિવ્યેશ સાવાલીયા અને તેના પત્નિ નિલમબેન સામે ગુનો નોંધાયોઃ પોતાની પેઢીમાં રોકાણ પર ૨થી ૩ ટકા વળતર અને શેરની લાલચ આપી છેતરપીંડીઃ જીતેન્દ્રભાઇ રૈયાણી પાસેથી ૪ કરોડ ૪૫ લાખ, તેના સગાના ૧ કરોડ ૪૩ લાખ અને મિત્રના ૩૦ લાખ મેળવી લઇ કોઇ વળતર કે શેર ન આપ્યાનો આરોપઃ પીઆઇ જી. આર. ચોૈહાણ, હીરાભાઇ રબારી સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૬: રણછોડનગરમાં રહેતાં અને રૈયારાજ એન્ડ કંપનીના નામે પ્લાસ્ટીકના દાણાનો વેપાર કરતાં પટેલ મહિલા અને તેમના પતિ પાસેથી પતિના મિત્ર નાના મવા રોડ પર રહેતાં મુળ ગોંડલના કોલીથડના વતની અને ગરનાળામાં કામ્યા ટેક્ષટાઇલ્સ નામે પેઢી ચલાવતાં પટેલ શખ્સ અને તેના પત્નિએ પોતાની પેઢીમાં રોકાણ પર મહિને ૨ થી ૩ ટકા વળતરની લાલચ આપી ૪૫ લાખ બેંક મારફત અને રોકડેથી ૪ કરોડ મેળવી લઇ તેમજ ફરિયાદી મહિલાના સગા, મિત્ર પાસેથી પણ આ રીતે નાણા મેળવી લઇ વળતર કે કંપનીના શેર ન આપી રૂા. ૬ કરોડ ૧૮ લાખની ઠગાઇ કરતાં દંપતિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે પેડક રોડ રણછોડનગર-૨ શ્રી સદ્દગુરૂ જ્યોત કોમ્પલેક્ષ ફલેટ નં. ૩૦૧, ત્રીજા માળે રહેતાં જલ્પાબેન જીતેન્દ્રભાઇ બાબુભાઇ રૈયાણી (ઉ.વ. ૪૮)ની ફરિયાદ પરથી તેમના પતિના મિત્ર નાના મવા રોડ ક્રિસ્ટલ હોસ્પિટલ પાસે દ્વારકેશ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૩માં રહેતાં દિવ્યેશ ધીરજલાલ સાવલીયા અને તેના પત્નિ નિલમબેન દિવ્યેશ સાવલીયા વિરૂધ્ધ ૬,૧૮,૫૦,૦૦૦ની ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
જલ્પાબેન રૈયાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારા સાસુ અમારી સાથે રહે છે, સસરા હયાત નથી. રૈયારાજ એન્ડ કંપનીના નામથી અમે પ્લાસ્ટીકના દાણા વેંચાણનું કામ કરીએ છીએ. આ પેઢીનું સંચાલન મારા પતિ જીતેન્દ્રભાઇ બાબુભાઇ રૈયાણી કરે છે. આ પેઢીની ઓફિસ નવાગામ આણંદપુર રઘુવીર ડેલાની બાજુમાં છે. પેઢીના જીએસટી નંબર પણ છે. મારા પતિના મિત્ર-ઓળખીતા દિવ્યેશ સાવલીયા હાલ નાનાવા મવા રોડ દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહે છે. તેની કામ્યા ટેક્ષટાઇલ્સ પ્રા.લિ. પેઢી ગોંડલના ગરનાળા ગામે છે. દિવ્યેશનું મુળ ગામ ગોંડલનું કોલીથડ છે. દિવ્યેશ સાવલીયાને તેની પેઢીમાં રૂપિયાની જરૂર હોઇ જેથી મારા પતિને વાત કરી હતી કે તમારી પાસે રૂપિયા હોય તો મારી પેઢીમાં રોકાણ કરો, હું તમને મહિને ૨ થી ૩ ટકા વળતર આપીશ.
જેથી મેં મારા એચડીએફસી બેંકના એકાઉન્ટમાંથી દિવ્યેશ સાવલીયાએ જણાવ્યા મુજબ તેના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના શાપર બ્રાંચના ખાતામાં તા. ૨/૫/૨૩ના રોજ રૂા. ૫ લાખ, તા. ૪/૫/૨૩ના રોજ રૂા. ૫ લાખ મળી ૧૦ લાખ ટ્રાન્સફર કર્યા હતાં. બાદ અમારા વળતરના રૂપિયા બાબતે વાત કરતાં દિવ્યેશે કહેલુ કે એક સાથે વળતર ચુકવશે. બાદમાં ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં દિવ્યેશે મારા પતિને જણાવેલ કે તમે જે રોકાણ કર્યુ છે તે તથા અન્ય નાણા અમારી કંપનીમાં જમા કરાવશો તો હું અમારી કંપનીના શેર આપીશ. જેથી અમે ફરી ૧/૨/૨૫ના રોજ રૂા. ૧૦ લાખ, ૧૦/૨ના ૧ લાખ, ૪ લાખ, ૧૦ લાખ અને ૧૭/૨/૨૫ના ૧૦ લાખ મળી રૂા. ૩૫ લાખ મારા પતિના કહેવાથી દિવ્યેશ સાવલીયાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતાં. કામ્યા ટેક્ષટાઇલ્સમાં દિવ્યેશ સાથે તેના પત્નિ નિલમબેન સાવલીયા પણ ડાયરેક્ટર છે.
અમે દિવ્યેશ સાવલીયાની કામ્યા ટેક્ષટાઇલ્સ પેઢીમાં અને તેના પર્સનલ ખાતામાં વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ સુધીમાં રૂા. ૪૫ લાખ બેંક મારફ ટ્રાન્સફર કર્યા હતાં. આ રૂપિયા પણ અમને પરત આપ્યા નથી કે તેની કામ્યા ટેક્ષટાઇલ્સ કંપનીના શેર પણ અમે આપ્યા નથી. આ ઉપરાંત રોકાણ પર કોઇ વળતર પણ અમને આપ્યું નથી. મારા પતિ ઉપરાંત અમારા સગા રાજેશભાઇ દિનેશભાઇ લીંબાસીયાએ નાણા આપ્યા હતાં. પણ આ બંનેને કોઇ વળતર આપ્યું નથી. આ ઉપરાંત મારા પતિના મિત્ર અલ્તાફભાઇ પાસેથી પણ રોકડા રૂપિયા ૫ કરોડ લઇ દિવ્યેશે કામ્યા ટેક્ષટાઇલ્સ કંપનીના શેર આપવા બાબતે એક કાગળમાં લખાણ કરી આપ્યું હતું. અલ્તાફભાઇને ૧૦ ટકા શેર આપ્યા છે. પરંતુ મારા પતિને આપવાના ૪૦ ટકા શેર આપ્યા નથી અને મારા પતિએ આપેલા રોકડા ૪ કરોડ પણ પરત ન આપી કોઇ વળતર પણ આપ્યું નથી.
અમારા સગા રાજેશભાઇ લીંબાસીયા પાસેથી પણ દિવ્યેશે પેઢીમાં રોકાણ અને શેર આપવાનું કહી રૂા. ૨,૦૫,૫૦,૦૦૦ મેળવી લીધા હતાં. તેમાંથી રૂા. ૬૨ લાખ વળતર સ્વરૂપે આપ્યા છે. બાકીના ૧,૪૩,૫૦,૦૦૦ આપ્યા નથી. તેમજ મારા પતિના મિત્ર કલ્પેશભાઇ જયસુખભાઇ માલકીયાને પણ કામ્યા ટેક્ષટાઇલ્સમાં રોકાણના નામે શેર આપવાના નામે લલચાવી તેમની પાસેથી રૂા. ૩૦ લાખ મેળવી લઇ તેમને પણ કોઇ વળતર આપ્યુ નથી. આમ દિવ્યેશ સાવલીયા અને તેના પત્નિ નિલમબેન સાવલીયાએ અમારી પાસેથી બેંક મારફત રૂા. ૪૫ લાખ, પતિ પાસેથી રોકડેથી રૂા. ૪ કરોડ તથા અમારા સગાના રૂા. ૧,૪૩,૫૦,૦૦૦ અને પતિના મિત્ર કલ્પેશભાઇ પાસેથી ૩૦ લાખ મળી કુલ રૂા. ૬,૧૮,૫૦,૦૦૦ મેળવી લઇ કામ્યા ટેક્ષટાઇલ્સના રોકાડ કરવાથી વળતર અને શેર આપવાની લાલચ દઇ વળતર કે શેર ન આપી તેમજ પેઢીનો હીસાબ, ઓડીટ રિપોર્ટ પણ ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હોઇ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં જલ્પાબેન જીતેન્દ્રભાઇ રૈયાણીએ જણાવતાં બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ, હીરાભાઇ રબારી સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:42 PM IST)










