News of Friday, 8th May 2026
રોણકીમાં ૬૫ વર્ષના લાભુબેન માલકીયાને દિકરા ધીરૂએ છરીના ઘા ઝીંકી દીધા
પત્નિનું ડિલીવરી વખતે મૃત્યુ થયા બાદ ધીરૂ સતત માતા સાથે ઝઘડા કરતો હોવાનો આક્ષેપઃ સવારે અચાનક હુમલો કર્યોઃ પડખા-હાથમાં ઇજા થતાં વૃધ્ધા સારવાર હેઠળ

રાજકોટ તા. ૮: બેડી ચોકડીથી અતિથી દેવો ભવ હોટેલ તરફના રસ્તે રોણકીમાં રહેતાં વૃધ્ધા પર સવારે તેના મોટા દિકરાએ છરીથી હુમલો કરી પડખા, હાથમાં ઘા ઝીંકી દેતાં વૃધ્ધાને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ જામનગર-મોરબી હાઇવે પર એટીબી હોટેલ નજીક રોણકીમાં રહેતાં લાભુબેન મેરામભાઇ માલકીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધા સવારે છએક વાગ્યે ઘરે હતાં ત્યારે બાજુમાં જ રહેતાં તેના મોટા દિકરા ધીરૂ મેરામભાઇ માલકીયાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી દેતાં લાભુબેનને પડખા, હાથમાં ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. દેકારો થતાં ઘરના બીજા લોકો આવી જતાં ધીરૂ ભાગી ગયો હતો. લાભુબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
લાભુબેનને સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. જેમાં હુમલો કરનાર ધીરૂ મોટો છે. સગાના કહેવા મુજબ લાભુબેનના પતિ છુટક ખેત મજુરી કરે છે. હુમલો કરનાર ધીરૂના પત્નિનું અગાઉ ડિલીવરી વખતે અવસાન થયું હતું. તેણીને કમળો થઇ ગયાનો રિપોર્ટ જે તે વખતે આવ્યો હતો. ત્યારથી ધીરૂ તેના માતા સાથે ઝઘડા કરીને કહેતો કે મારા ઘરવાળાનું મૃત્યુ થયું એનું કારણ તમે છે. આ વાતને લઇને તે અવાર-નવાર ઝઘડા કરતો હતો. આજે સવારે પણ અચાનક તે છરીથી તૂટી પડયો હતો. તેમ સગાએ કહેતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:26 PM IST)










