તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
મવડી સંસ્કાર સીટીમાં અકસ્માતથી થયેલી ઇજાથી કંટાળી ૬૫ વર્ષિય પરષોતમભાઇ મેઘાણીનો આપઘાત
એક ઓપરેશન થયું હતું, ૧૭મીએ બીજુ ઓપરેશન કરાવવાનું હતું એ પહેલા ફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૧૦: મવડીમાં રહેતાં વૃધ્ધે ધોકા-પડતર દિવસની રાતે ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મોટા તહેવારમાં પટેલ પરિવારે મોભી ગુમાવી દીધા હતાં.
જાણવા મળ્યા મુજબ મવડી મામા સાહેબના મંદિર નજીક સંસ્કાર સીટીમાં રહેતાં પરષોત્તમભાઇ ગંગદાસભાઇ મેઘાણી (ઉ.વ.૬૫) નામના વૃધ્ધે ધોકાની રાતે અગીયારેક વાગ્યે ઘરે છતના હુકમાં દોરી બાંધી દેહ લટકાવી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મોડી રાતે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આપઘાત કરી લેનારા પરષોત્તમભાઇ મેઘાણી ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને પાંચ દિકરી છે. સગાના કહેવા મુજબ પરષોત્તમભાઇને એક મહિના પહેલા અકસ્માત નડતાં ઓપરેશન આવ્યું હતું. આગામી ૧૭મી તારીખે વધુ એક ઓપરેશન કરાવવા માટેની તારીખ આવી હતી. આ કારણે ચિંતામાં આવી જઇ તેમણે આ પગલુ ભરી લીધાની શક્યતા છે. રાતે તેમના પુત્રવધૂ ઉપરના માળેથી નીચે પાણી પીવા આવ્યા ત્યારે તેમને ઘટનાની જાણ થઇ હતી. પરિવારજનોએ તેમને તાકીદે બેભાન હાલતમાં નીચે ઉતારી હોસ્પિટલે ખસેડયા હતાં. પરંતુ જીવ બચ્યો નહોતો.
(4:14 PM IST)










