તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
૬૬ વર્ષના યોગેશભાઇ ઉદેશીની ‘જિંદગીની સફર'નો લક્ઝરી બસમાં અંત આવી ગયો
ગોંડલ રોડના વૃધ્ધાશ્રમમાં રહેતાં વૃધ્ધ અન્ય બે સિનીયર સીટીઝન સાથે નાથદ્વારા યાત્રાએ ગયા હતાં: પરત આવતી વખતે બનાવ

રાજકોટ તા. ૨: શહેરના ગોંડલ રોડ પર આવેલા સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં વૃધ્ધ બીજા બે વૃધ્ધ સાથે નાથદ્વારા દર્શન કરવા ગયા હોઇ બસ મારફત પરત રાજકોટ આવતી વખતે રસ્તામાં જ હૃદય બેસી જતાં જિંદગીની સફરનો અંત આવી ગયો હતો. બસ રાજકોટ પહોંચ્યા પછી તેઓ સીટમાં બેભાન મળતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પર સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં મુળ મુંબઇના યોગેશભાઇ પોપટભાઇ ઉદેશી (ઉ.વ.૬૬) અને અન્ય બે સિનીયર સિટીઝન મળી ત્રણ લોકો રાજકોટથી નાથદ્વારાની યાત્રાએ, દર્શને ગયા હતાં. ત્યાંથી રાતે લક્ઝરી બસ મારફત પરત રાજકોટ આવવા નીકળ્યા હતાં. સવારે ચાર વાગ્યે બસ રાજકોટ બીગ બાઝાર વેસ્ટ ઝોન પાસે પહોંચી ત્યારે યોગેશભાઇ સીટમાં ઉંઘતા હોય એ રીતે બેઠા હોઇ સાથેના બે લોકોએ તેમને જગાડવા છતાં નહિ જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. હૃદય રોગનો હુમલો આવી ગયાની શક્યતા જણાવાઇ હતી. પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. સાથેના સિનીયર સીટીઝને જણાવ્યું હતું કે રાતે બસ શામળાજી ખાતે હોલ્ટ થઇ ત્યારે યોગેશભાઇ અને અમે જમીને બસમાં બેઠા હતાં. યોગેશભાઇ સુતા બાદ સવારે જાગ્યા જ નહોતાં.
(2:22 PM IST)










