તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 11th April 2024
ધખે છે ધોમ ને વ્યાકુળ છે કાયા, તો'ય લાગી ઉનાળાની માયા
રાજકોટમાં સૌથી વધુ તાપમાન ગ્રીનલેન્ડ ચોકડી અને મોરબી રોડ પાસે ૪૧.૭૨ ડીગ્રી
સૌથી ઓછુ ઢેબર રોડ પરની કોર્પોરેશન કચેરી પાસે ગઇકાલે નોંધાયુ ૩૨.૮૫ ડીગ્રીઃ મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો લગોલગ

રાજકોટ,તા. ૧૧ : રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં અસહ્ય અગનવર્ષા શરૂ થઇ છે ત્યારે મ્યુનિ.કોર્પોરેશન કચેરી દ્વારા વિવિધ વિસ્તારોમાં લગાવેલ સેન્સરમાં ગઇકાલે બપોરે ૪.૨૫ વાગ્યે સૌથી વધુ ૪૧.૭૨ ડીગ્રી તાપમાન મોરબી રોડ અને ગ્રીનલેન્ડ ચોકડી આસપાસના વિસ્તારોમાં નોંધાયુ હતુ.
શહેરમાં ઉનાળો બરાબર જામી ગયો છે. સમગ્ર શહેર તડકામાં શેકાઇ રહ્યું છે. મ્યુ. કોર્પોરેશનને ગઇકાલે નોંધેલા આકડા મુજબ શહેરમાં અલગ-અલગ દિશાઓમાં તાપમાનની માત્રા અલગ અલગ હતી. જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધુ હોય તેવા વિસ્તારોમાં તાપમાન ઓછુ નોંધાયું હતું. વૃક્ષો વિનાના વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચે રહે છે. ગઇ કાલના આંકડો મુજબ બપોરે ૪.૨૫ વાગ્યે સૌથી વધુ ૪૧.૭૨ ડીગ્રી તાપમાન મોરબી રોડ અને ગ્રીનલેન્ડ ચોકડી આસપાસના વિસ્તારોમાં નોંધાયેલ સૌથી ઓછું તાપમાન ૩૨.૮૫ કોર્પોરેશનની મધ્ય ઝોનની કચેરી ઢેબર રોડ ખાતે નોંધાયેલ.
ઉંચા તાપમાન વખતે શું કાળજી રાખવી ?
રાજકોટ : વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. દર વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબીત થઈ શકે છે.
લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે, જે બાબત વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે.
આ અસરોમાં, શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો. ખુબ તરસ લાગવી. ગભરામણ થવી. ચક્કર આવવા. શ્વાસ ચઢવો. હૃદયના ધબકારા વધી જવા.
શહેરી વિસ્તારોમાં લેબર વર્ક કરતા તથા તડકામાં કામ કરતા વ્યક્તિઓમાં ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે.
સન સ્ટ્રોક (લુ)થી બચવા જાહેર જનતાને નીચે મુજબની બાબતો અચુક કરવી જોઈએ
* તડકામાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું.
* ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ.
* નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહિ.
* દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું. શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવુંᅠ જોઈએ.
* ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.
* ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.
* માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તાત્કાલિક નજીકના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, દવાખાના કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી.
કયા વિસ્તારમાં કેટલું તાપમાન
વિસ્તાર તાપમાન ડીગ્રી
આજીડેમ ૩૯.૨૬
અટીકા ૩૯.૩૦
જિલ્લા પંચાયત ૩૬.૦૫
કોઠારિયા ૩૯.૨૬
ગ્રીનલેન્ડ ૪૧.૭૨
પ્રદ્યુમન પાર્ક ૩૯.૨૭
રેસકોર્ષ ૩૬.૨૩
કોઠારિયા ૩૯.૨૬
સેન્ટ્રલ ઝોન ૩૨.૮૫
સોરઠીયાવાડી ૩૩.૩૩
મોરબી રોડ ૪૧.૭૨
(5:17 PM IST)










