<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

ઇદુલ ફિત્રની ઉજવણીઃ કાલે શુક્રવારના લીધે મુસ્‍લિમોમાં ઇદનો ઉત્‍સાહ બેવડાયો

આજે અને કાલે બે ‘ખુત્‍બા'નો લાભઃ ૩૦ રોઝા ભારે ગરમીમાં પૂર્ણઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર વિશેષ નમાઝ સંપન્‍ન

 

ખુદાનો આભાર : આજે સવારે ઇદુલ ફિત્રની વિશેષ નમાઝ સર્વત્ર પઢવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરની ઇદગાહ ઉપર પણ ઇદની નમાઝ પઢવા મુસ્લિમ ભાઇઅો મોટી માત્રામાં ઍકત્ર થયા હતા અને ભરપૂર હાજરી વચ્ચે ઇદની ખાસ નમાઝ પઢી ખુદાનો આભાર માનવામાં આવેલ. અને નમાઝ પૂર્ણ થયા પછી સૌઍ ઍકમેકને ગળે મળી શુભેચ્છાઅો પાઠવી હતી. તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૧ : છેલ્લા કેટલાય દિ' થી ચાલી રહેલા મિશ્ર હવામાન અને તાપમાનના વધઘટ વચ્‍ચે ઇસ્‍લામ ધર્મના પવિત્ર માસ પૂરો રમઝાન મહીનો પસાર થયા બાદ ગઇકાલે બુધવારે સાંજે આકાશમાં સ્‍વચ્‍છ, સ્‍પષ્ટ ચંદ્ર દર્શન થઇ જતાં ૩૦ રોઝા પુરા થવાનીસાથે આજે સર્વત્ર ‘ઇદુલફિત્ર' ની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી છે.

રમઝાન માસમાં શરૂમાં હવામાન મિશ્ર રહેતા રોઝા રાખનારા લોકોને ગરમીથી રાહત રહી હતી પરંતુ પાછલા રોઝામાં તાપમાન ઉંચું જતા રોઝામાં તાપ લાગતો હોવા ઉપરાંત રાત્રીના મોડે સુધી તરાવીહની નમાઝના નામે મસ્‍જીદોમાં ઇબાદત કરી પુણ્‍યનું ભાથુ બાંધ્‍યા બાદ મળેલ આત્‍મ શુધ્‍ધિના અવસરરૂપ આજે ઇદની ઉજવણીમાં મુસ્‍લિમ સમાજ ઓતપ્રોત થઇ ગયો હતો.

ખાસ કરીને ઇદુલફિત્રના દિવસે વિશેષતઃ આજે સવારે મુસ્‍લિમ સમાજે ઇદની નમાઝ પઢી હતી અને નમાઝ પુર્ણ થયા પછી એક સાથે લાખો હાથ ખુદાના દરબારમાં દુઆ માટે ઉઠયા હતા અને તે પછી શુભેચ્‍છાઓની આપ-લે થઇ હતી. અને હિન્‍દુ-મુસ્‍લિમ બિરાદરોએ અરસ-પરસ મુબારક બાદની આપ-લે કરતા કરતા ચોમેર ભાઇચારાની ભાવના દર્શાઇ હતી.

રાજકોટમાં આજે સવારે બે ઇદગાહ, બે દરગાહના મેદાન, અને ૩૭ મસ્‍જીદોમાં મળી ૪૧ જેટલા સ્‍થળોએ તેમજ શહેરના ૮ જેટલા કોઠારીયા, શાપર, માલિયાસણ જેવા નજીકના પરા વિસ્‍તારની મસ્‍જીદોમાં ઇદની વિશેષ નમાઝ પઢવામાં આવી હતી.

આ વખતના રમઝાન માસમાં ૩૦ રોઝા પુરા થઇ ગુરૂવારે ઇદ થતા આજે સામુહિક નમાઝ પૂર્વેના ‘ખુત્‍બા' (પયગમ્‍બર સાહેબની પ્રસંશા)નો લાભ મળ્‍યો પરંતુ આવતીકાલે ‘શુક્રવાર' હોઇ જે ‘સાપ્તાહિક ઇદ' ગણવામાં આવતી હોય કાલે શુક્રવારે પણ ‘ખુત્‍બા' નો લાભ મળનાર હોઇ આજે ઇદ અને કાલે સાપ્તાહિક ઇદના લીધે ઇદનો ઉત્‍સાહ બેવડાઇ ગયો છે.

 

 

રાજકોટ શહેરના રેસકોર્સ આજી પાર્ક સહિતના જાહેર સ્‍થળોએ પણ મુસ્‍લિમ સમાજના પરિવારો બાળકોને લઇ ઇદનો હર્ષ વ્‍યકત કરવા ઉમટી પડયા હતા જેના લીધે ઇદનો ઉત્‍સાહ ઉલ્લાસ ચોમેર છવાઇ જવા પામ્‍યો હતો.

અત્રે એ નોંધનીય છે કે, આ રમઝાન મહીનો શરૂ થવાના પૂર્વે ભારતભરમાં ચંદ્ર દર્શન સ્‍પષ્ટ થયેલ એમ રમઝાન માસ પૂર્ણ થવાના આરે પણ ચંદ્ર દર્શન સ્‍પષ્ટ થયેલ હોઇ રમઝાન માસ કે ઇદ ઉજવણી માટે કોઇ ચંદ્રદર્શન અંગે બાધા સર્જાઇ ન હતી.

 ગત વર્ષે ર૯ રોઝા થયેલ જે આ વખતે પુરા ૩૦ થયા છે.

બીજી તરફ આ વખતે ખૂબીએ છે કે, આજે ગુરૂવારે ઇદ અને કાલે શુક્રવાર અને શનિ-રવિના લીધે આ ઇદનો ઉત્‍સાહ બેવડાઇ જવા પામ્‍યો છે.

જો કે આ વખતે થોડા દિ' પહેલાં રપ માં રોઝાએ રમઝાન માસનો અંતિમ શુક્રવાર મનાવાયેલ અને તે પછી શનિવારે ર૬ માં રોઝાની રાત્રીએ શબેકદ્રની મહત્‍વની રાત્રી ઉજવવામાં આવેલ અને ર૭મો હરણી રોઝો તે પછી રવિવારે હતો જેથી જાહેર રજાના લીધે હરણી રોઝો રાખનારાને પણ નિરાંત રહી હતી.

એ જ રીતે પોરબંદર, પ્રભાસ પાટણ, વેરાવળ, જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, ભાવનગર, સુરેન્‍દ્રનગર, વાંકાનેર, બેડી, સલાયા, જામનગર સહિતના શહેરો કે ગામોમાં રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટમાં ઢેબર રોડ ઉપર શહેર ઇદગાહમાં જામ્‍એ મસ્‍જીદના ઇમામ મૌલાના હાફિઝ મો. હુસૈન રઝવી મિસ્‍બાહી તથા સદર ઇદગાહમાં સદર જામ્‍એ મસ્‍જીદના હાફીઝ હાજી અકરમખાં પઠાણ તથા લાલપરી તળાવ દરગાહે મૌલાના મો. અનવરમીંયા અશરફી તથા રૈયા હઝરત ગૈબનશાહ પીરની દરગાહના મેદાનમાં અબ્‍દુલ રશીદ નૂરી બંગાલીની નેતાગીરીમાં લોકો ઇદની નમાઝ પઢવા માટે ઉમટી પડયા હતાં. રાજકોટ શહેરની જે તે વિસ્‍તારોમાં આવેલી ૩૭ જેટલી મસ્‍જીદોમાં પણ મુસ્‍લિમ બિરાદરો જયાં જગ્‍યા મળી ત્‍યાં ઇદની નમાઝ પઢવા માટે એકત્ર થયા હતા. આમ સવારે ૭ વાગ્‍યાથી ૧૦ વાગ્‍યા સુધી ઇદની નમાઝ માટે ચહલ-પહલ રહી હતી.

ઇદના પવિત્ર દિવસે ફાતેહ સૌરાષ્‍ટ્ર હઝરત મૌલાના મુહમ્‍મદ ઇસ્‍હાક હશમતી અને ફખ્રે રાજકોટ હઝરત મૌલાના મો. નૈયર રઝા નૂરી (અલૈહીર્રહમા) માટે ગંજીવાડામાં ઇસાલે સવાબ કરી તેઓની જરૂરીયાત મહેસુસ કરતા તે બન્નેને અંજલિ અર્પીત કરાઇ હતી. જયારે કુતુબેશહર સૈયદીના સરકાર ગૈબનશાહ પીર અને મખ્‍દુમે સૌરાષ્‍ટ્ર હઝરત તુર્કીબાવા (અલૈહીર્રહમા) ની દરગાહ તથા કબ્રસ્‍તાનમાં શ્રાધ્‍ધતર્પણ માટે ઇદ નિમિતે દિવસ દરમ્‍યાન લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં.

બીજી તરફ રમઝાનના રોઝા મોટેરા જ નહીં પણ નાના નાના બાળકો અને યુવાનોએ પણ છોડયા ન હતા અને  સરળતાથી પૂરા કર્યા પછી ગઇ સાંજે ઇદનો ચંદ્ર આકાશમાં સ્‍વચ્‍છ રીતે બહાર આવી જતા રોઝાદારો ઉત્‍સાહમાં આવી ગયા હતા અને જેના લીધે આજે ઇદની ભારે ચહલ-પહલ જોવા મળી હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર :  પવિત્ર ઈદના દિવસે મુસ્‍લીમ બિરાદરો વહેલી સવારે ઉઠીને તાાન કરી, નવા કપડા પહેરી, ઈદની ખાસ નમાઝ અદા કરશે, ભાવનગર શહેર જીલ્લાની તમામ મસ્‍જીદો તથા ઇદગાહમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી.

ઈદની નમાઝ બાદ સુખ, શાંતિ, સમળધ્‍ધિ અને કોમીએક્‍તા અને ભાઈચારા માટે સામુહીક દુવાઓ કરવામાં આવેલ. ઇંદ મુસ્‍લીમોનો તહેવાર ભાઈચારા અને પ્રોત્‍સાહન આપતો તહેવાર છે. હિન્‍દુ-મુસ્‍લીમ બિરાદરો એકબીજાને ઈદની મુબારકબાદી-શુભેચ્‍છાઓ પણ પાઠવે છે. નમાઝ બાદ તમામ બિરાદરો એકબીજા ને ગળે લગાડી ઇંદની મુબારક બાદી પાઠવી હતી.  ત્‍યારબાદ કબ્રસ્‍તાનમાં

જઈ મર્હુમોની કબર ઉપર ફુલ ચઢાવી ફાતિહા પઢી મર્હુમના હક્કમાં દુવા કરાઇ હતી. તેમજ એકબીજા પરિવારો અને મીત્રો સેવિયા અને દુધની બનાવેલી વાનગી ખીરખુરમો પુરી અને મીષ્ઠાનોની પણ આપ-લે કરેલ. તેમજ ઇંદીના હક્કદારોને રોકડ રકમ રૂપી ઇંદી પણ આપવામાં આવેલ. તેમજ યતીમ, મિસ્‍કીન, મોહતાજ, વિધવા અને ગરીબોને પણ સદકા, ફીતરા, ખૈરાત સહિતની આર્થિક મદદ કરવામાં આવી હતી.  જેથી ગરીબ લોકો પણ આ તહેવારમાં નવા કપડા પહેરી શકે અને ઇંદની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી શકે.

મુસ્‍લીમ બિરાદરોએ રમઝાન શરીફના આખા માસના રોઝા કર્યા હોય અને આખા માસની આકરી કસોટી માંથી પસાર થયા બાદ તેમજ ફરજ તથા નિફલ નમાઝ અદા કરી હોય તિલાવત કરી હોય, ઝીક્ર શરીફ અને ખાસ ઇબાદતો કરી હોય અને આખો માસ ઇબાદતમાં પસાર કર્યા પછી તેની ખુશીમાં ઇદ-ઉલ-ફીત્ર ની ઉજવણી કરવામાં આવે છે.

ઇદને ઇનામ અને વેતન મેળવવાનો દિવસ પણ કહેવામાં આવ્‍યો છે. ઈદના તહેવાર દરમ્‍યાન ભાવનગર શહેર જીલ્લાની તમામ મસ્‍જીદો અને મુસ્‍લીમ વિસ્‍તારોમાં પોલીસ પેટ્રોલીંગ અને બંદોબસ્‍ત પણ ગોઠવાયો છે.

અકિલાનો મહીના પહેલાનો રમઝાન માસ અંગેનો અહેવાલ ફરી એકવાર સંપૂર્ણ સત્‍ય ઠર્યો !

ગઇ સાંજે બુધવારે પવિત્ર રમઝાન માસ પુર્ણ થયો અને આજે ઇદની ઉજવણી થઇ રહી છે. આ અંગેનો એક સચોટ અહેવાલ પ-૩-ર૪ના રોજ ૩૮ દિવસ પહેલા  ‘અકિલા' દૈનિકમાં ‘ફાઇખ' લિખિત પ્રસિધ્‍ધ થયેલ જે અક્ષરસઃ સંપૂર્ણ સત્‍ય ઠર્યો છે. જેમાં  ઉલ્લેખનીય બાબતો ગરમી, તાપમાન, સમય, ચંદ્રદર્શન સહિતની બાબતો સંપૂર્ણ અક્ષરસઃ સત્‍ય ઠરી છે. જેની પ્રતિકૃતિ અહીં રજુ છે. રમઝાન માસ ગત તા.રર-૩-ર૪ના શરૂ થયો હતો. જે ગઇકાલે પૂરો થયો છે અને ૩૦ રોઝા પુરા થયા છે.

દસ મહીના બાદ જ ફરી

ગુરૂવારે ઇદ આવીઃ બે ખુત્‍બાની

ઘટનાનું થયેલું પુનરાવર્તનઃ

સો વર્ષના કેલેન્‍ડરની ગણત્રી ખોટી પડી

રાજકોટ તા. ૧૧ :.. આજે ગુરૂવારે ઇદુલ ફિત્ર (રમઝાન ઇદ) ઉજવવામાં આવી છે અને આવતીકાલે શુક્રવાર હોઇ મુસ્‍લિમ સમાજમાં ઇદનો ઉત્‍સાહ બેવડાઇ જવા પામ્‍યો છે ત્‍યારે અત્રે એ નોંધનીય છે કે ગત તા. ર૯-૬-ર૦ર૩ ના રોજ વર્ષો બાદ ઇદુલ અદહા ગુરૂવારે આવી હતી અને બીજે દિ' શુક્રવાર હોઇ બે દિવસ સુધી બે ખુત્‍બાનો લાભ મુસ્‍લિમ સમાજને મળ્‍યો હતો.

જયારે આ ઘટનાનું માત્ર ૧૦ મહિના થયા છે ત્‍યાં ફરી આજે પુનરાર્વતન થયું છે અને ગત ઇદુલ અદહા પછી આજે ઇદુલફિત્રમાં આ ઘટના જોવા મળી છે. અત્રે એ પણ નોંધનીય છે કે, ઇદુલ અદહા પછી આજે જ ઇદ આવી છે.

બીજી તરફ ઘણા લોકોએ આ વખતે ર૯ રોઝા થવાનું અનુમાન કરેલ અને તે માટે સો વર્ષ માટે બનેલ ઇદના એક કેલેન્‍ડરનો આધાર રાખેલ. પરંતુ આ ગણત્રી ખોટી પડી હતી. અને ૩૦ રોઝા પુરા થઇ ગુરૂવારે જ ઇદ થઇ છે જે વર્તારાનો પૂર્વ નિર્દેશ સાચો પડયો છે

 

(5:18 PM IST)