<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

કાલે રાજકોટ લોકસભા બેઠકનું જાહેરનામુ ૧૯મી સુધી ફોર્મ ભરી શકાશે : ર૧ લાખ મતદારો

કલેકટર કચેરીએ કાલથી એસીપી લેવલનો બંદોબસ્‍તઃ ફલાઇંગ સ્‍કવોડ દ્વારા કાલથી ચેકીંગ શરૂ... : રજાના દિવસોમાં ફોર્મ નહી સ્‍વીકારાયઃ કલેકટર તંત્ર સાબદૂઃ ફોર્મ સંદર્ભે સ્‍પે. સ્‍ટાફ મુકતા પ્રભવ જોષી...

રાજકોટ તા. ૧૧ :.. ચૂંટણી પંચે લોકસભાની પ૪૩ બેઠકોની સામાન્‍ય ચૂંટણીની જાહેરાત કરી છે, ગુજરાતની ર૬ બેઠકોની ચૂંટણી ૭ મેના રોજ યોજાનાર છે, તે સંદર્ભે રાજકોટ લોકસભા બેઠક સહિત ગુજરાતની ર૬ બેઠકોની ચૂંટણી સંર્દભે આવતીકાલે સવારે ૧૧ વાગ્‍યે જાહેરનામું બહાર પડશે, આ સાથે કાલથી તા. ૧૯ એપ્રીલ સુધી ફોર્મ ભરી શકાશે, એમાં શનિ-રવી અને રામનવમીની રજાના દિવસોમાં ફોર્મ નહી ભરી શકાય, આજથી રાજકીય પક્ષોને માત્ર પાંચ દિવસમાં ફોર્મ ઉપાડ અને ભરવાના રહેશે, ર૦ મી એપ્રીલે ફોર્મની ચકાસણી થશે, અને રર એપ્રિલ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે.

ચૂંટણી પંચના ૩પ૩ નિયમો મુજબ કલેકટર કચેરીએ કાલથી એસીપી લેવલનો જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત રહેશે, આ સાથે કાલથી ફલાઇંગ-સ્‍ટેટીકસ સ્‍કવોડનું કડક ચેકીંગ ચાલુ થઇ જશે, શહેર-જીલ્લામાં થઇને કુલ બે ડઝન ચેક પોસ્‍ટ બનાવાઇ છે.

રાજકોટ લોકસભામાં કુલ ર૧ લાખથી વધુ મતદારો છે, જેમાં ૧૦ લાખ ૮૯ હજારથી વધુ પુરૂષ તથા ૧૦ લાખ ૧૪ હજારથી વધુસ્ત્રી મતદારો અને ૩પ થર્ડ જેન્‍ડર મતદારો છે. રાજકોટ સંસદિય વિસ્‍તારમાં ટંકારા, વાંકાનેર, જસદણ, વિંછીયા, રાજકોટ-પૂર્વ, રાજકોટ-પશ્ચિમ, રાજકોટ-દક્ષિણ અને રાજકોટ ગ્રામ્‍ય ક્ષેત્રનો સમાવેશ થાય છે.

રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ ફોર્મ આપવા, સ્‍વીકારવા સંદર્ભે સ્‍પે. સ્‍ટાફની પણ નિમણુંક કરી છે, ફોર્મ ભરવા સમયે ઉમેદવાર પાંચ થી વધુ ટેકેદારોને લઇ નહી જઇ શકે, ૧૦૦ મીટરની અંદર માત્ર ૩ ગાડી લાવવાની છૂટ અપાઇ છે, ફોર્મ કલેકટર પાસે તથા સીટી પ્રાંત-૧ સમક્ષ પણ ભરી શકાશે, ત્‍યાં પણ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો છે.

 

(5:32 PM IST)