News of Thursday, 11th April 2024
હોનહાર પત્રકાર માસુમા ભારમલનું અવસાન
છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતા : કેન્સર ડિટેકટ થયા બાદ સેવા કાર્યોમાં સતત વ્યસ્ત હતા

રાજકોટ તા. ૧૧ : રાજકોટના હોનહાર વરિષ્ઠ પત્રકાર માસુમાબેન જેનુદ્દીન ભારમલનું આજે સવારે અવસાન થતાં ઘેરોશોક છવાઇ ગયો છે. કેન્સરની બિમારીથી પીડાતા માસુમાબેને આજે સવારે અંતિમશ્વાસ લીધા હતા. તેમની પુત્રી સહિત વ્હોરા પરિવારમાં માતમ છવાય ગયો છે. તેમના અવસાનથી રાજકોટ સહિત સમગ્ર પત્રકાર આલમમાં પણ ભારે શોક છવાયો છે.
માસુમાબેન ભારમલે ધ ઇન્ડિન એકસપ્રેસ, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, એનએનઆઇ (એશિયા ન્યુઝ ઇન્ટરનેશનલ), અમદાવાદ મિરર, ડીએનએ, જગદીશ ચંદ્રાના ગુજરાતના અંગ્રેજી અખબાર સહિત અનેક અખબારોમાં ફરજ નિભાવી હતી. તેઓએ પોતાની પત્રકારત્વની કારકિર્દી દરમિયાન અનેક મુલાકાતો તથા અનેક લેખો લખ્યા હતા.
તેમના લગ્ન મુંબઇ ખાતે અબ્બાસભાઇ તૈયબઅલી ઝરીવાલા (મુંબઇવાલા) સાથે થયા હતા. તેમની સંતાનમાં એક પુત્રી ઝહાબીયા ઝરીવાલા છે. તેઓ જૈનાબબેન અહેમદઅલી ભારમલ (કલકત્તાવાલા)ના પુત્રી હતી. કુબુદ્દીનભાઇ ભારમલ, સકીનાબેન ભારમલ, તાહીરબેન કપાસીના તેઓ બહેન હતા. લગ્ન બાદ મુંબઇમાં હવાઇ ઉડ્ડયન વિષયક મેગેઝીનમાં પણ પત્રકાર તરીકે જોડાયા હતા. લેમન ટીવીના સૌરાષ્ટ્ર-કચ્છના હેડ તરીકે માસુમા બેન ભારમલે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. તેઓએ પંકજ ત્રિપાઠીનો ઇન્ટરવ્યુ પણ લીધો હતો. બીબીસીમાં સિંહોની વસ્તી ગણત્રી મુદ્દે તેમની મુલાકાત પ્રસારીત થઇ હતી.
રાજકોટમાં રહેતા માસુમાબેન ભારમલને કેન્સર ડિટેકટ થયા બાદ દાન-પુણ્ય અને સેવા - સત્કાર્ય સહિત સમાજ સેવામાં સતત વ્યસ્ત રહ્યા હતા.
માસુમાબેન ભારમલનું અવસાન થતાં અકિલા પરિવારે બે મિનિટ મૌન પાળીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
(5:19 PM IST)










