<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

રાજકોટ લોકસભા બેઠક : ફોર્મ ભરવા ધસારો : ૧ કલાકમાં ૮૦ ફોર્મ ઉપડયા

ભાજપે-૨૦, કોંગ્રેસે-૧૨ ફોર્મ લીધા : બહુજન મુકિત પાર્ટી - સીપીઆઇ - બીએસપી પણ મેદાનમાં : અપક્ષનો તો પાર નથી : બપોરે ૧૨ સુધીમાં ૨૩ વ્‍યકિતએ ૧ થી ૪ સેટ ઉપાડયા : પ્રથમ માળે જડબેસલાક સુરક્ષા : જાળી ફીટ કરાઇ : કમાન્‍ડો - પોલીસનો સઘન બંદોબસ્‍ત : રૂપાલા વિરૂદ્ધ આજે રાજકોટ કલેકટર કચેરી ખાતેથી અનેક ક્ષત્રિય મહિલાઓએ ફોર્મ ઉપાડયા

રાજકોટ તા. ૧૨ : રાજકોટ લોકસભા બેઠકનું જાહેરનામુ બહાર પડતાની સાથે જ કલેકટર કચેરીની બીજા માળે આવેલી ચૂંટણી શાખામાં ફોર્મ ઉપાડવા અંગે સવારે ૧૧ વાગ્‍યાથી ભારે ધસારો જોવા મળ્‍યો હતો, સવારે ૧૧થી ૧૨ માત્ર એક કલાકમાં ૮૦ જેટલા ફોર્મ ઉપડયાનું જાણવા મળે છે. કલેકટરે આ માટે બે નાયબ મામલતદાર રેયાણી તથા મુકેશ રાઠોડની નિમણુંક કરી છે, તેઓ બંને દ્વારા ફોર્મ ઉપાડ અંગે તમામ પ્રકારનું નોટીંગ થઇ રહ્યું છે.

કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ બપોરે ૧૨ાા વાગ્‍યે જણાવેલ કે, બપોરે ૧૨ સુધીમાં ૨૩ વ્‍યકિતએ ૧ થી ૪ જેટલા સેટ ઉપાડયા છે. કાલે અને રવિવારે રજા છે, સોમવારથી ફરી ફોર્મ ઉપડશે અને ભરવાનું શરૂ થશે.

મળતી વિગતો મુજબ ભાજપે આજે ૨૦ ફોર્મ ઉપાડયા હતા, તેમાં ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા, કિરીટભાઇ પાઠક, મોહનભાઇ કુંડારીયા, મયુર ભટ્ટ તથા માધવ દવેનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ દ્વારા ૧૨ ફોર્મ લેવાયા છે, જેમાં ઉમેદવાર પરેશભાઇ ધાનાણી, હિતેષભાઇ વોરા, ડો. હેમાંગ વસાવડાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બહુજન મુકિત પાર્ટીના દેવેન બેડવા, પ્રકાશ સીંધવે ૪ ફોર્મ, સીપીઆઇના નરેન્‍દ્ર મહાજને ૧ ફોર્મ, બીએસપીના ચમનભાઇએ ફોર્મ ઉપાડયા હતા.

આ ઉપરાંત અપક્ષોનો તો પાર નથી, બપોરે ૧૨ સુધીમાં કુલ ૨૩ વ્‍યકિત ફોર્મ લઇ ગયાનું બહાર આવ્‍યું છે.

બીજી બાજુ કલેકટર કચેરીમાં પહેલા માળે જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઇ છે, પ્રથમ માળે કલેકટરની ચેમ્‍બર તરફ જતી લોબીમાં લોખંડની જાળી ફીટ કરાઇ છે, તેમજ તા. ૨૨ સુધી સવારે ૧૦ થી બપોરે ૩ સુધી કમાન્‍ડો - પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્‍ત મુકી દેવાયો છે.

 

(6:09 PM IST)