News of Saturday, 13th April 2024
બેડી ચોકડીએ બસ-ટ્રક અથડાતાં કલાકો ટ્રાફિક જામ
બેડી યાર્ડથી બેડી ચોકડી સુધી ટ્રાફિક જામઃ રાત્રે બનાવઃ કેટલાક મુસાફરોને નજીવી ઇજા : અકસ્માતગ્રસ્ત ટ્રક રોડ પર આડો થઇ ગયો હોઇ હટાવવા ક્રેઇન બોલાવવી પડીઃ બી-ડિવીઝન પોલીસ, ટ્રાફિક પોલીસ, ઇન્ટરસેપ્ટર સહિતના વાહનો સાથેની ટીમો ઘટના સ્થળે પહોંચીઃ માધાપર ચોકડીથી બેડી ચોકડી અને બેડી યાર્ડથી બેડી ચોકડી એમ બંને તરફ જામ

બેડી ચોકડીએ અકસ્માતઃ કલાકો ટ્રાફિકજામઃ એસટી બસ ટ્રકની સાઇડમાં અથડાતાં ટ્રક રોડ વચ્ચે આડો પડી જતાં રાતથી ટ્રાફિક જામ થઇ ગયો હતો. સવારે સાડા દસેક વાગ્યે ક્રેઇનની મદદથી પોલીસે આ ટ્રક સાઇડમાં લેવડાવી ટ્રાફિક ક્લીયર કરાવવા કાર્યવાહી કરી હતી. ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ ટ્રક રોડ પર આડો થઇ ગયો હોઇ તેના કારણે બંને તરફ ટ્રાફિક જામ થતાં અનેક વાહનો ફસાયા હતાં તસ્વીરો જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.
રાજકોટ તા. ૧૩: શહેરના મોરબી રોડ બેડી ચોકડી નજીક રાત્રીના એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રક રોડ પર આડો થઇ જતાં રસ્તો બંધ થઇ ગયો હતો. બસમાં બેઠેલા ચાર પાંચ મુસાફરોને નજીવી ઇજાઓ થઇ હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સવાર સુધી રોડ પર આડો પડેલો ટ્રક હટાવી શકાયો ન હોઇ જેના લીધે માધાપર ચોકડથી બેડી ચોકડી તરફ અને બેડી માર્કેટ યાર્ડથી બેડી ચોકડી સુધી એમ બંને તરફ વાહનોની કતારો લાગી જતાં જામ થઇ ગયો હતો. સવારે સાડા દસ સુધી ટ્રાફિક કલીયર ન થઇ શકતાં ફસાયેલા વાહનચાલકોમાં દેકારો મચી ગયો હતો.
વધુ માહિતી મુજબ ટ્રાફિક પોલીસની પાંચ ગાડીઓ, ઇન્ટરસેપ્ટર વેન સાથે બે પીએસઆઇ, બી-ડિવીઝન પોલીસનો સ્ટાફ તથા અન્ય પોલીસ કાફલો મોડી રાતથી ટ્રાફિક ક્લીયર કરાવવા કામે લાગ્યો હતો. જો કે સવારે સાડા દસ સુધી ટ્રકને રોડ પરથી હટાવી શકાયો ન હોઇ જેના કારણે જામ વધુ સર્જાયો હતો. સવારે વાહનોની આવ-જા વધી ગઇ હોઇ માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફના રસ્તે અને બેડી યાર્ડથી બેડી ચોકડી સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો.
ટ્રાફિક બ્રાંચના પીએસઆઇ બી. આર. પરમારના જણાવ્યા મુજબ એસટી બસ રાતે રાજકોટથી મોરબી તરફ જઇ રહી હતી. જ્યારે ટ્રક મોરબી તરફથી ચોટીલા તરફ જતો હતો. ટ્રક ચાલકે ટર્ન લેતાં બસ આ ટ્રકની વચ્ચેની સાઇડ પડખામાં ધડાકાભેર અથડાતાં ટ્રક રોડની વચ્ચોવચ્ચ ઉંધો પડી ગયો હતો. આ ટ્રકને હટાવવા ક્રેઇન બોલાવવી પડી હતી. બસ ટ્રક સાથે અથડાઇ એ કારણે અમુક મુસાફરને નજીવી ઇજા થઇ હતી. સવારે સાડા દસે પણ ટ્રાફિક હટાવવાની કામગીરી ચાલુ હતી. અનેક વાહનચાલકો આ જામમાં ફસાઇ ગયા હતાં.
ટ્રાફિકની પાંચથી વધુ ગાડીઓ સાથે પીએસઆઇ બી. આર. પરમાર, પીએઅસાઇ ચારણ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. બી-ડિવીઝન પોલીસની ટીમો, પીસીઆર વેન પણ પહોંચી હતી.
(11:41 AM IST)










