News of Monday, 15th April 2024
ચેતજો...બે ગઠીયા ખરીદીના બહાને આવી છુટ્ટા-બાધા રૂપિયા માંગી ચીટીંગ કરી ભાગી જાય છે
ભગવતીપરામાં હાર્ડવેરની દુકાને નળ ખરીદીના બહાને આવ્યા અને ૫૦૦ વાળી બે નોટ લઇ રફુચક્કર થઇ ગયાઃ પહેલા દસ રૂપિયા આપી બબ્બે વાળા સિક્કા લીધાઃ પછી બસ્સોવાળી નોટ સામે પાંચસોવાળી માંગી નજર ચુકવી છનનન
રાજકોટ તા. ૧૫: શહેરમાં અલગ અલગ રીતે ગઠીયાઓ લોકોને છેતરીને ભાગી જતાં હોય છે. હવે બે ગઠીયા ગ્રાહકનો સ્વાંગ રચી દૂકાને આવી ચીજવસ્તુની ખરીદીનો દેખાવ ઉભો કરી બાદમાં છુટ્ટા અને બાધા રૂપિયા માંગી વેપારીનું ધ્યાન ભંગ કરી રોકડ લઇ રફુચક્કર થઇ જાય છે. આવો બનાવ ભગવતીપરામાં એક હાર્ડવેરના વેપારી સાથે બન્યો છે.
જાણવા મળ્યા મુજબ વેપારી પોતાની દુકાને હતાં ત્યારે બે શખ્સ બાઇક લઇને આવ્યા હતાં. એક શખ્સે બાથરૂમનો નળ માંગતા વેપારીએ બતાવ્યો હતો. બીજા શખ્સે આ નહિ વોશીંગ મશીનમાં આવે એવો બતાવો તેમ કહેતાં વેપારીએ બીજો નળ બતાવ્યો હતો. એ પછી એ શખ્સે કુલ ૪ નળ લેવા છે તેમ કહ્યું હતું. ત્યાં એક શખ્સે દસની નોટ આપી બબ્બે રૂપિયા વાળા છુટ્ટા સિક્કા આપો તો એમ કહેતાં વેપારીએ તેને પાંચ સિક્કા આપ્યા હતાં.
ત્યાં બીજા ગઠીયાએ હજી આના કરતાં થોડા ભારેમાં સારા નળ હોય તો વધુ સારુ તેમ કહેતાં બીજાએ પોતાનું પાકીટ કાઢી ચાર નળ ખરીદીના પૈસા કાઢી વેપારીને આપ્યા હતાં. એ દરમિયાન જ તેણે પાંચસો વાળી કેટલી નોટો પડી છે? એમ પુછતાં વેપારીએ છે તમારે કેટલી જોઇએ છે? પુછતાં તેણે હું તમને ૨૦૦ વાળી આપુ છું સામે મને બે પાંચસો વાળી આપો.
આથીં વેપારીએ તેને પ૦૦ વાળી નોટો આપી હતી. બીજી તરફ આ બંને નળ મુકી ગયા હતાં અને બસ્સો વાળી નોટો પણ નહિ આપી વેપારીનું ધ્યાન ભંગ કરી ૫૦૦ વાળી બે નોટ લઇ મોટર સાઇકલમાં બેસી છનનન થઇ ગયા હતાં. આ પ્રકારે કોઇપણ વેપારીઓ સાથે ઠગાઇ થઇ શકે છે. આ પ્રકારના ગઠીયા આવે તો તેનાથી ચેતવા અનુરોધ કરાયો છે.
(5:58 PM IST)










