News of Thursday, 18th April 2024
રાજકોટમાં રૂપાલાજીના આજથી નવા બોર્ડ લાગી જશે : દર ૧૦ દિવસે થીમ બદલાય છે
ચૂંટણી પહેલા હજુ એક વખત હોર્ડિગ્ઝની થીમ બદલાઇ જવા સંભવ

રાજકોટ : કેટલાક અંગ્રેજી - ગુજરાતી અખબારોમાં ‘રૂપાલાજીએ ફોર્મ પાછું ખેંચવા હાઇકમાન્ડની મંજૂરી માંગી' હોવાના અહેવાલો બાદ ગઇ રાત્રે શહેરમાંથી રૂપાલાજીના પ્રચારના જંગી બોર્ડ ઉતરવા લાગતા આ વાતને ભારે વેગ મળેલ.
દરમિયાન બોર્ડની વ્યવસ્થા સંભાળી રહેલ કેમ્પેન એડ્.ના શ્રી ધર્મેશભાઇનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે, ‘બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી'ના ભાગરૂપે દર ૧૦ દિવસે બોર્ડની ડિઝાઇન ફેરવવાનું નક્કી થયું હોય ગઇકાલે સંખ્યાબંધ બોર્ડ ઉતારી લેવામાં આવેલ હતા.
તેમણે કહ્યું કે, હવે આજથી નવા સ્લોગન, નવા જ રંગરૂપ સાથે રૂપાલાજીની ચૂંટણી જાહેરાત લક્ષી બોર્ડ લાગી રહ્યા છે.
રાજકોટમાં જંગી પ્રકારના ૧૦૪ કેમ્પેઇન બોર્ડ ભાજપ અને રૂપાલાજી તરફથી મૂકવામાં આવ્યા છે. જે બોર્ડમાં નરેન્દ્રભાઇનો ફોટો છે તેનો ખર્ચ કેન્દ્રિય ભાજપ ભોગવશે. જે હોર્ડીંગ્સમાં પરસોતમ રૂપાલાનો ફોટો છે તેનો ખર્ચ રૂપાલાજીના ચૂંટણી ખર્ચમાં ગણાશે.
જૂના બોર્ડમાં ‘મક્કમ - અડીખમ' એવું સૂત્ર હતું. જ્યારે આજથી લાગી રહેલા બોર્ડમાં રાજકોટને જે ૮ નવા પ્રકલ્પો (એઇમ્સ, એરપોર્ટ, સીક્સ લેઇન રસ્તો વિ.) મળ્યા છે તેનું બ્રાન્ડીંગ થશે. ૫૦% બોર્ડ રૂપાલાજીના, ૫૦% બોર્ડ મોદીજીની તસ્વીરો સાથેના રહેશે.
આમ બ્રાન્ડીંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે જૂના ચૂંટણી પ્રચાર બોર્ડ ઉતરી ગયા છે અને આજથી નવા બોર્ડ લાગી રહ્યા છે. ચૂંટણી પૂર્વે હજુ એક વખત બોર્ડની ડિઝાઇન ફરશે તેવી શક્યતા કેમ્પેઇન એડ્ના શ્રી ધર્મેશભાઇએ દર્શાવેલ હતી.
રૂપાલાજી ચૂંટણી જંગમાંથી હટી રહ્યા છે, ફોર્મ પાછું ખેંચી રહ્યા છે તેવા અખબારી અહેવાલોને અકિલા સાથેની વાતચીતમાં ગઇ મોડી રાત્રે ખૂદ રૂપાલાજી અને ગુપ્તચર વર્તુળોએ નકારી કાઢયા છે ત્યારે રાજકોટમાં કડવા પાટીદાર અગ્રણી, ભાજપના ધરખમ ગજાના નેતા શ્રી પરસોતમ રૂપાલા વિ. લેઉવા પાટીદાર અગ્રણી, કોંગ્રેસના તેજતર્રાર નેતા શ્રી પરેશ ધાનાણી વચ્ચેનો જંગ નિヘતિ બન્યો છે
(6:02 PM IST)










