<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પ્રશ્નો ફૂટયા, યુવરાજસિંહે પુરાવા આપ્‍યા છતાં પોલીસ ફરિયાદ ન થતા ગણગણાટ

ભાજપના આગેવાનોની કોલેજોના નામની ભારે ચર્ચા : ચાણક્‍ય નિદત્ત બારોટ આકરો ડોઝ દેવાના મૂડમાં

 

રાજકોટ તા. ૨૨ : બી-ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને વિવાદ પીછો છોડતી નથી. અગાઉ અનેક પ્રશ્નપત્રો ફુટયા છતાં પદવીની વિશ્વસનીયતા સામે પડકાર મોં ફાળીને ઉભો છે. તાજેતરમાં બીસીએ સેમે-૪નાં ત્રણ પરીક્ષાના પ્રશ્નો ફુટી ગયાનો ઘડાકો જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. છતાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઇ નક્કર પગલા ભરવામાં આવ્‍યા નથી.

યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિલાંબરીબેન દવે, રજીસ્‍ટ્રાર રમેશ પરમાર અને પરીક્ષા નિયામક નિલેશ સોનીને પ્રશ્ન લીક થયાના પુરાવા સાથે રજૂઆત કરી છે. રજૂઆતને ત્રણ દિવસનો સમય વિતી જવા છતાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરનાર ચકચારી પ્રકરણમાં પોલીસ ફરીયાદ તો દૂર યુનિવર્સિટી કક્ષાએ પણ પગલા લેવાનું માંડી વાળ્‍યું હોય તેવું ચિત્ર ઉપસ્‍યું છે.

બીસીએ સેમે-૪ના ત્રણ પ્રશ્નપત્રના પાંચ પાંચ પ્રશ્ન ફૂટી ગયાના પ્રકરણમાં ચર્ચાતી વિગતો મુજબ ભાજપના આગેવાનોની કોલેજોએ ૯.૦૭ કલાકે પ્રશ્નપત્ર ડાઉનલોડ  કર્યાની વિગતો પ્રકાશમાં આવી રહી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં એકમાત્ર પરીક્ષા નિયામક નિલેશ સોની પોલીસ ફરિયાદ કરવાના મૂડમાં હોવાનું જાણવા મળે છે. આ પ્રકરણમાં યુનિવર્સિટીના અનેક કૌભાંડો પ્રજા સમક્ષ લાવનાર અને કોઇની શેહમાં ન આવનાર કોંગ્રેસના નેતાની કોલેજ સામે ભાજપ સમર્થિત આગેવાનો આંગળી ચિંધતા હતા. કાગળમાં ફુલ પ્રુફ ગણાતા આ કોંગ્રેસના નેતાએ ખૂબ ઝીણવટ ભરી તપાસ કરતા તેમની કોલેજની કાર્યવાહી દૂધ જેવી સફેદ હોવાનું સ્‍પષ્‍ટ થયું છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં તેમજ રાજકારણમાં ચાણક્‍ય ગણાતા ડો. નિદત્ત બારોટે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ્રશ્ન લીક થવા પ્રકરણમાં નક્કર પગલા જો સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો ન લે તો પોતે ફરિયાદી બનવાની તૈયારી કરી હોવાનું જાણવા મળે છે. આ અંગેના તમામ દસ્‍તાવેજો તૈયાર રાખ્‍યા હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. જો નિદત્ત બારોટ ફરિયાદ કરે તો લોકસભાની ચૂંટણી સમયે જ માત્ર રાજકોટ જ નહિ ગુજરાતભરમાં ખળભળાટ મચી જાય તો નવાઇ નહિ.

(3:39 PM IST)