News of Monday, 22nd April 2024
આગામી ર૭ એપ્રિલથી ૧૮ હજાર કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન
તા. ર૬-ર૭ થી ર મે સુધી દરેક પ્રાંત અધીકારીઓ દ્વારા ચૂંટણી સ્ટાફની બીજા તબક્કાની તાલીમઃ બીજુ રેન્ડેમાઇઝેશન યોજાયું : તાલીમ દરમિયાન મતકુટીરો ઉભી કરી મતદાન લેવાશે : દરેક પ્રાંત કચેરીએ પણ મતકુટીરો ઉભી કરાશે : ઓબઝર્વર દ્વારા સવારથી દરેક સ્ટોંગ રૂમનું ચેકીંગ : આજે બપોરે ૩ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશેઃ ૩ વાગ્યા બાદ રાજકોટ-બેઠકનું ચીત્ર સ્પષ્ટ થશે : ૪ વાગ્યાથી પ્રતિકોની ફાળવણી : રાત્રે ૧૧ વાગ્યાથી સરકારી પ્રેસમાં ર૦ હજારથી વધુ બેલેટ પેપરો છાપવા થશે કાર્યવાહી

રાજકોટ, તા. રર : રાજકોટ લોકસભા બઠક માટે ફોર્મ ભરવાની વિધી પુરી, ચકાસણી પણ શનિવારે પૂર્ણ થઇ, હાલ ભાજપ-કોંગ્રેસ -બસપા અને ૭ અપક્ષો સહિત કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં છે, આજે બપોરે ૩ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે, બપોર ૩ વાગ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે અને ૪ વાગ્યાથી દરેક પક્ષ અને અપક્ષને પ્રતિકોની ફાળવણી થશે, કુલ ૧૮૦ જેટલા મુકત પ્રતિકો જેવા કે બેટ-દડો-સાવરણી-ધડીયાલ-વાજુ વિગેરે છે, આ પ્રતિકો ફાળવાયા બાદ અને ઉમેદવારી લીસ્ટ ફાઇનલ થયા બાદ રાત્રે ૧૧ વાગ્યાથી કલેકટર તંત્ર સરકારી પ્રેસમાં ર૦ હજારથી વધુ બેલેટ પેપરો છાપવા દોટ મુકશે, રાજકોટ સરકારી પ્રેસમાં રાજકોટ ઉપરાંત અન્ય જીલ્લાના પણ બેલેટ પેપરો છાપવા માટે આવશે, આ બેલેટ પેપર છપાયા બાદ રાજકોટ કલેકટર દ્વારા દરેક પ્રાંતને તેની ફાળવણી કરાશે, અને દરેક પ્રાંત દ્વારા પોતાના ચૂંટણી સ્ટાફ, ઇમરજન્સી-આવશ્કય સ્ટાફનું પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરાવી લેશે.
રાજકોટ કલેકટર કચેરીના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, તા. ર૬-ર૭ થી ર મે સુધી દરેક પ્રાંત અધિકારીઓ દ્વારા પીડીએમ, આઇટીઆઇ-ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, યુનિ.ના નાટયગૃહ હોલ વિગેરે સ્થળો ઉપર પોતાના ચૂંટણી સ્ટાફની બીજા તબક્કાની તાલીમ થશે, આ સંદર્ભે ગઇકાલે ઓબઝર્વરની ઉપસ્થિતિમાં રાજકોટ કલેકટર દ્વારા સ્ટાફનું બીજુ રેન્ડેમાઇઝેકશન યોજાયું હતું, હવે ર થી ૩ દિવસમાં ઓબર્ઝવરની ઉપસ્થિતિમાં ઇવીએમ -વીવીપેટનું બીજું રેન્ડેમાઇઝેકશન યોજાશે.
ચૂંટણીમાં રોકાયેલ ૧૮ હજારના સ્ટાફનું તા. ર૭ એપ્રિલથી પોસ્ટલ બેલેટથી મતદાન લેવાનું વિધાનસભા બેઠક વાઇઝ શરૂ થશે, આ માટે જયાં-જયાં બીજા તબક્કાની તાલીમ યોજાઇ છે, ત્થા અને દરેક પ્રાંત કચેરીએ પોલીસ તથા આવશ્યક સ્ટાફના મતદાન માટે મતદાન કુટીર એટલે કે ફેસેલીટી સેન્ટરો ખાસ ઉભા કરવા કાલથી કાર્યવાહી થશે.
દરમિયાન આજ સવારથી જનરલ ઓબ્ઝર્વર શ્રી ભવાની સિંઘ દેથા દ્વારા દરેક વિધાનસભા વિસ્તારમાં ઉભા કરાયેલ રિસીવીંગ -ડીસ્પેચીંગ સેન્ટર તથા ઇવીએમના સ્ટ્રોગ રૂમનું કલેકટર - પ્રાંત સાથે નિરિક્ષણ અને ચેકીંગ કરાયુ હતું, અને જરૂરી સૂચનાઓ અપાઇ હતી.(૯.૩૧)
(3:40 PM IST)










