News of Monday, 22nd April 2024
વોર્ડ નં. ૬ના ભાજપ આગેવાન રત્નાભાઇ કાળોતરા અને ગાંધીગ્રામના અજયભાઇ ગોસ્વામીના હાર્ટએટેકથી મોત
હૃદય બેસી જતાં મૃત્યુ નિપજવાની આઘાતજનક ઘટનાઓ યથાવત : બંને રાતે પોતાના ઘરે બેભાન થઇ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૨: હૃદય બેસી જવાથી મૃત્યુની ઘટનાઓ યથાવત રહી છે. શહેરમાં આવા વધુ બે બનાવ બન્યા છે. શહેરના સામા કાંઠે મયુરનગરમાં રહેતાં વોર્ડ નં. ૬માં ભાજપ બક્ષીપંચ મોરચાના આગેવાનનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. તેમજ ગાંધીગ્રામ વિસ્તારમાં એક આધેડનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ રાજમોતી મીલ પાછળ મયુરનગર મેઇન રોડ પર સિતારામ સોસાયટી-૨માં રહેતાં રત્નાભાઇ દેવશીભાઇ કાળોતરા (ઉ.વ.૪૯) રાતે એકાદ વાગ્યે ઘરે હતાં ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોડી રાતે દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
વધુ માહિતી મુજબ રત્નાભાઇ કાળોતરા ચાર બહેન અને બે ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પોતે આરટીઓ એજન્ટ તરીકે કામ કરતાં હતાં. તેમજ વોર્ડ નં. ૬ના ભાજપના સક્રિય આગેવાન હતાં અને બક્ષીપંચ મોરચાના અગ્રણી હતાં. હાર્ટએટેકથી તેમનું મૃત્યુ થયાની જાણ થતાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો, સગા સ્નેહીઓ હોસ્પિટલ ખાતે અને નિવાસસ્થાને ઉમટી પડયા હતાં.
બીજા બનાવમાં ગાંધીગ્રામ લાભદીપ સોસાયટી-૫માં રહેતાં અજયભાઇ શ્યામનારાયણ ગોસ્વામી (ઉ.વ.૪૫) રાતે દોઢેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. તેમનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જણાવાયું હતું. મૃત્યુ પામનાર બે ભાઇમાં નાના હતાં. તેમના એક ભાઇનું અગાઉ અવસાન થયું હતું. તેઓ શાકભાજીનો ધંધો કરતો હતો. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ભાવેશભાઇ મકવાણાએ થોરાળા પોલીસ તથા ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(3:48 PM IST)










