તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 24th April 2024
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા
રાજકોટમાં રત્નાગીરી હાફુસ કેરીની દૈનિક ૧૦ થી ૧પ હજાર પેટીની આવકઃ કેસર કેરીની ૩ થી ૪ હજાર પેટીની આવક : કેસર કેરી ૧૦ કિલોના ભાવ ૮૦૦ થી ૧પ૦૦ રૂપીયા : હાફુસ કરતા કેસર કેરી મોંઘી ! રાજકોટ મેંગો માર્કેટમાં ર૦ કિલો પેટીના ભાવ ૪૦૦૦ રૂપીયા હતા તે ઘટીને ૧૮૦૦ થી ર૦૦૦ રૂપીયા થઇ ગયા

રાજકોટ, તા., ર૪: ફળોના રાજા કેરીની સીઝન ચાલુ છે ત્યારે રાજકોટ મેંગો માર્કેટમાં રત્નાગીરી હાફુસ કેરીની પુષ્કળ આવકો શરૂ થતા ભાવ પ૦ ટકા ઘટી ગયા છે. પુષ્કળ આવકના પગલે કેસર કેરી કરતા હાફુસ કેરી સસ્તા ભાવે મળી રહી છે.
કુવાડવા રોડ ઉપર આવેલ મેંગો માર્કેટમાં હાફુસ કેરીની આજે ૧પ૦૦૦ પેટીની આવકો થઇ હતી. એક પેટી (ર૦ કિલો) ૧૮૦૦ થી ર૦૦૦ રૂપીયાના ભાવે વેચાઇ હતી. વેપારી સુત્રોના જણાવ્યા મુજબ કેરીની સીઝનના પ્રારંભે રત્નાગીરી હાફુસ કેરીના ભાવ ૧ પેટીના ૪૦૦૦ થી ૪પ૦૦ રૂપીયા હતા. તે ઘટીને ૧૮૦૦ થી ર૦૦૦ રૂપીયા થઇ ગયા છે. મુંબઇ અને દેવગઢથી હાફુસ કેરીની પુષ્કળ આવકો શરૂ થતા ભાવમાં તોતીંગ ગાબડુ પડયું છે. મેંગો માર્કેટમાં હાફુસ કેરીની દૈનિક ૧૦ થી ૧પ હજાર પેટીની આવકો થાય છે.
બીજી બાજુ હાફુસ કેરીની સાથે ગીરની પ્રખ્યાત કેસર કેરીની પણ આવકો શરૂ થઇ છે. રાજકોટ મેંગો માર્કેટમાં કેસર કેરી (૧૦ કિલો)ની ૩૦૦૦ થી ૪૦૦૦ પેટીની આવકો થઇ રહી છે. કેસર કેરી (૧૦ કિલો) ૮૦૦ થી ૧પ૦૦ રૂપીયાના ભાવે વેચાઇ રહી છે. મેંગો માર્કેટમાંથી હાફુસ તથા કેસર કેરી છુટક બજારમાં પહોંચતા ભાવો વધી જાય છે. છુટક બજારમાં હાફુસ કેરી (૧ કિલો) ના ભાવ ર૦૦ થી રપ૦ જયારે કેસર કેરીના ભાવ ૧પ૦ થી ર૦૦ રૂપીયા છે. હોલસેલમાં કેરી સસ્તી મળી રહી છે. હાફુસ કેરીની પુષ્કળ આવકના પગલે ભાવો ઘટી જતા કેસર કેરી કરતા હાફુસ કેરી સસ્તા ભાવે મળી રહી છે.(
(4:40 PM IST)










