<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

દોઢ લાખ સામે પાંચ લાખની ઉપરાણી કરી ધમકી : અમિત હીરાણીએ ફિનાઇલ પીધું: વ્‍યાજખોરીનો ગુનો

માતા-પિતાનું વારાફરતી અવસાન થતાં તેમની અંતિમવિધી માટે ૧૦ ટકા વ્‍યાજેથી ૨૦ હજાર અને ૪૦ હજાર લીધા'તા : બજરંગ પાર્કના યુવાનની ફરિયાદ પરથી પડોશી અંકિત પટેલ, તેના ભાઇ રાજન પટેલ વિરૂધ્‍ધ બી-ડિવીઝન પોલીસની કાર્યવાહી : યુવાન, તેના પત્‍નિ, સાસુ, સસરાના નામે બેંક એકાઉન્‍ટ ખોલાવી દુબઇથી ૧૬ થી ૨૦ લાખના ટ્રાન્‍જેક્‍શન કર્યા

રાજકોટ તા. ૨૪: શહેરના મોરબી રોડ પર રહેતાં અને વાળંદ કામ કરતા યુવાને માતા અને પિતા થોડા થોડા સમયના અંતરે ગુજરી જતાં તેમની અતિમક્રિયા માટે પડોશમાં જ રહેતાં શખ્‍સ પાસેથી ૨૦ હજાર અને ૪૦ હજાર દસ ટકા વ્‍યાજેથી લઇ રકમ ચુકવી દીધી હોવા છતાં વધુ પાંચ લાખ માંગી તેમજ આ યુવાન અને તેના પત્‍નિ, સાસુ, સસરા સહિતના નામે બેંક એકાઉન્‍ટ ખોલાવડાવી તેમાં દુબઇથી ૧૬થી ૨૦ લાખના ટ્રાન્‍જેક્‍શન કરાવતાં અને વ્‍યાજની ઉઘરાણી માટે આ શખ્‍સે પોતાના ભાઇ સાથે મળી સતત ધમકી આપી દોઢ લાખના પાંચથી છ લાખ વસુલશું તેમ કહેતાં ગભરાઇ ગયેલા આ યુવાને પોલીસ કમિશનર કચેરી પાસે ફિનાઇલ પી લેતાં બંને ભાઇઓ અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ બજરંગ પાર્ક-૪માં ભાડેથી રહેતાં અને વાળંદ કામ કરી ગુજરાન ચલાવતાં અમીત કાંતિલાલ હીરાણી (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી અંકિત મનુભાઇ પટેલ અને રાજન મનુભાઇ પટેલ વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ, ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમીત હીરાણીએ હોસ્‍પિટલના બિછાનેથી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા જણાવ્‍યું હતું કે મારે બે પુત્ર છે. દોઢેક વર્ષ પહેલા મારા માતુશ્રી ગુજરી જતાં દહાડો કરવા માટે રૂપિયાની જરૂર હોઇ મેં પાછલી શેરીમાં રહેતાં અંકિત પટેલ પાસેથી રૂ. ૨૦ હજાર ૧૦ ટકા વ્‍યાજે લીધા હતાં. બાદમાં આ રકમ મેં મારા પિતા હસ્‍કત અંકિતને પરત આપી દીધી હતી. આશરે પાંચ મહિના બાદ મારા પિતાનું પણ અવસાન થતાં ફરીથી તેમનો દહાડો કરવા માટે મારે રૂપિયાની જરૂર પડતાં ફરી વખત અંકિત પાસેથી ૧૦ ટકા વ્‍યાજે ૪૦ હજાર લીધા હતાં. જેનું સાતેક મહિના સુધી રોકડામાં વ્‍યાજ ચુકવ્‍યું હતું. બાદમાં તમામ રકમ ચુકવી દીધી હતી. પરંતુ અંકિતે હજુ તારે ૧,૫૦,૦૦૦ આપવાના થાય છે તેમ કહી ઉઘરાણી કરી હતી.

તેણે કહ્યું હતું કે જો તારે રકમ ચુકવવી ન હોય તો અમારે બેડી યાર્ડમાં ઘઉનો ટારગેટ પુરો કરવાનો છે, જેથી તારા અને તારા સગાવ્‍હાલાના બેંક એકાઉન્‍ટ અમને આઠથી દસ દિવસ માટે ખોલાવી દે. આથી હું, પત્‍નિ સુજાતા, સસરા રવિભાઇ નારણભાઇ દેસલ, સાસુ ગીતાબેન બેડી યાર્ડ ખાતે ગયા હતાં. ત્‍યાં એક ચેમ્‍બરમાં બીજા માળે ઓફિસમાં અમને બોલાવી બધાના આધાર કાર્ડ, પાનકાર્ડ લઇ અમારા લાઇ ફોટા પાડી બેંકમાં એક એક લાખવાળા સેવીંગ એકાઉન્‍ટ ખોલાવ્‍યા હતાં. તેમજ ત્‍યાં જ ઇન્‍ડુસલેન્‍ડ બેંકની વેલકમ કીટ આપી હતી. તેમજ અમારી પાસેથી ચેકૂકમાંથી પાંચ પાંચ કોરા ચેકમાં સહીઓ કરાવી તે ચેક લઇ લીધા હતાં. આ ઉપરાંત બીજી કોઇ અમારી પર્સનલ બેંકનો એક એક કોરો ચેક માંગ્‍યો હતો. જે મેં તથા મારા સસરાએ આપ્‍યો હતો. ત્‍યારબાદ અમારા ખાતામાં એક એક લાખ રૂપિયા નાખવા માટે રાજશન મનુભાઇ પટેલ જે અંકિતનો ભાઇ છે તેણે અંકિતને જણાવ્‍યું હતું.

ત્‍યારબાદ ગોૈતમ ડાયાભાઇ કારસીયા જે અંકિત અને રાજનનો ઓળખીતો છે તેણે અમારા ચારેયના ખાતામાં એક એક લાખ રૂપિયા નાખવા માટેની વાત કરી હતી. દોઢેક મહિના બાદ અમારા ઘરે ગોૈતમ આવેલ અને કહેલુ કે તમારા ચારેયના ખાતા ચાલ્‍યા નથી, તમ કહી અમારા ચારેયની ચેકબૂક, એટીએમ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અને પાસબૂક પરત આપી ગયેલ. એ પછી ત્રણેક દિવસ પછી રાજને મને શેરીમાં બોલાવેલ. ત્‍યાં અંકિત અને ગોૈતમ પણ હાજર હતાં.  તેણે કહેલુ કે તમારા બેંક એકાઉન્‍ટ ખોલાવ્‍યા તે ચાલ્‍યા નથી જેથી તમારે બીજા એકાઉન્‍ટ ખોલાવવા પડશે. આથી હું અને મારી પત્‍નિ લીમડા ચોકમાં ગયેલા, જ્‍યાં દસ દસ હજારના સેવીંગ એકાઉન્‍ટ ખોલાવ્‍યા હતાં. બાદ મને અને મારા પત્‍નિને પાંચ-પાંચ હજાર વાપરવા આપ્‍યા હતાં.

ત્‍યારપછી પંદર વીસ દિવસ બાદ આ લોકોને કહેલુ કે અમારુ ખાતુ પરત આપો. પણ આ લોકો ગોળ ગોળ વાતો કરતાં હતાં. આ સમય દરમિયાન આ લોકોએ અમારા ખાતામાંથી અલગ અલગ જગ્‍યાએથી રૂપિયા ઉપાડયા હતાં. મારા પત્‍નિના ખાતામાંથી દુબઇથી રૂપિયા ઉપાડયા હતાં અને મને ચેક પાછો આપ્‍યો નહોતો. બાદમાં મને કહેલુ કે તારે વ્‍યાજમાં દેણુ થઇ ગયું છે અમે તમારા ચેક બાઉન્‍સ કરાવીએ છીએ. જેથી મેં કહેલુ કે મારી પાસે હાલ રૂપિયા નથી, સગવડ થયે આપીશ. પણ આ લોકોએ ગમે તેમ કરીને રૂપિયા આપવા જ પડશે, જો સગવડ ન થાય તો દુબઇથી ટ્રાન્‍જેક્‍શન કરવા દે તેમ કહ્યું હતું. બાદમાં અંકિતે કહેલુ કે દોઢ લાખના પાંચથી છ લાખ રૂપિયા ગમે તેમ કરીને તારી પાસેથી લઇશું. આ પછી મેં મારા મિત્ર ભાનુભાઇ કાનગડ (રહે. બેડી)ને વાત કરતાં તે મારી સાથે આવ્‍યા હતાં. આઠેક એકાઉન્‍ટના સ્‍ટેટમેન્‍ટ કઢાવતાં જાણવા મળ્‍યું હતું કે તમામ ખાતામાં ૧૬ થી ૨૦ લાખનું ટ્રાન્‍જેક્‍શન થયું છે. આ અમારા એકાઉન્‍ટમાં અમારી જાણ બહાર થયું હતું.

રાજન અને અંકિત પાસેથી મેં ૧૦ ટકા વ્‍યાજે ૨૦ હજાર અને બાદમાં ૪૦ હજાર લીધા હતાં. જેનું સાત મહિના વ્‍યાજ અને મુદ્દલ ચુકવી દીધુ છતાં વધુ ૫ લાખ માંગી મંગળવારે ૨૩મીએ મારી દૂકાન કે જે મોરબી રોડ પર એકે હેરસલૂન છે ત્‍યાં આવી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતાં મેં પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ફિનાઇ પી લીધુ હતું. પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં એએસઆઇ નરેન્‍દ્રભાઇ ખારવા અને હેડકોન્‍સ. એચ. એમ. કોઠીવાળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:42 PM IST)