<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th April 2024

આજથી રાજકોટ, કચ્‍છ, જામનગરમાં અને ૨૫મીએ અંબાજીમાં ધર્મયાત્રાઃ બારડોલીમાં ૧ લાખ ક્ષત્રિયોનું સંમેલન બોલાવવા તૈયારી

ભાજપ વિરૂદ્ધ નારી સમાજની અસ્‍મિતાની લડાઇઃ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથનો પ્રારંભ : જંગી મેદની ઉમટી પડી

પોલીટીકલ પાર્ટીની માફક રણનીતિ ઘડી ક્ષત્રિય સમાજ ભાજપ વિરૂદ્ધ વધુમાં વધુ મતદાન કરાવવા તરફ અગ્રેસરઃ યુવા ક્ષત્રિય અગ્રણી દેવેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ કોઠારીયા)

રાજકોટ, તા. ર૪ : ક્ષત્રિય સમાજની બેટી અને રોટી વિશે વાણી  વિલાસ કરનાર રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકીટ ભાજપ દ્વારા રદ ન કરાતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ જનજાગૃતિ ધર્મ રથ યાત્રાનું આયોજન કરેલ છે તે અંતર્ગત રાજકોટમાં પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા માતાજીના મંદિરેથી આજે સવારે ધર્મરથનું પ્રસ્‍થાન થયું હતું. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્‍ય અને આંતરરાષ્‍ટ્રીય રાજપૂત  સંઘના પ્રમુખ પી.ટી. જાડેજા  તથા રાજકોટ ક્ષત્રિય સમાજના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં આ ધર્મરથ રાજકોટના દરેક વોર્ડ અને રાજકોટ તાલુકાના દરેક ગામડામાં ફરશે અને નારી સમાજની અસ્‍મિતાની લડાઇમાં દરેક સમાજને જોડાવા આહવાન કરશે અને આગામી ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા સમજાવશે.

રાજકોટનાં યુવાન ક્ષત્રિય આગેવાન દેવેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ કોઠારીયા) એ પત્રકારોને જણાવ્‍યું હતું કે હવે અમારૂ લક્ષ્ય નારી અસ્‍મિતા માટે ભાજપ વિરૂદ્ધ મત પેટીઓ છલકાવી તાકાત દેખાડવાનું છે. ક્ષત્રિય યુવાનોને હંમેશા મોટું મિત્ર વર્તુળ હોય છે. માટે આ લડાઇમાં આ મિત્ર વર્તુળોના માધ્‍યમથી તમામ સમાજને જોડી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટે પ્રેરિત કરાશે. લોકસભા સીટ ઉપર હવે જેમ પોલીટીકલ પાર્ટી  રણનીતિથી ચાલે છે તેવી રીતે ક્ષત્રિય સમાજ પણ બૌદ્ધિક લડાઇ લડશે. એક મધ્‍યસ્‍થ કાર્યાલયનો આરંભ થઇ ચુક્‍યો છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર લડત માટે ર૦૦ પ્રમુખની ટીમ બનાવવામાં આવી છે જે શહેરના તમામ વોર્ડ, તાલુકાઓ અને ગામોઓમાં ફરી વળશે. આગામી દિવસમાં તમામ પ્રકારની લડત માટે ક્ષત્રિય સમાજ સજ્જ થયો છે.  ધર્મરથનું પણ આજથી પ્રસ્‍થાન થયુ઼ છે જેમાં દરેક ક્ષત્રિય ભાઇ-બહેનો જુદા જુદા વિસ્‍તારમાંથી અને તાલુકા-ગામડાઓમાં જોડાતા રહેશે.

ઉલ્લેખનીય છે કે આજથી રાજકોટ, કચ્‍છ, જામનગરમાંથી ક્ષત્રિય અસ્‍મિતા ધર્મરથ યાત્રા શરૂ થઇ છે. રપ મીએ અંબાજી મંદિરે ધજા ચઢાવી ક્ષત્રિયોની ધર્મયાત્રાનું પ્રયાણ થશે. આ ઉપરાંત બારડોલીમાં પણ એકાદ લાખ ક્ષત્રિયો ઉમટી પડે તેવા સંમેલનનું આયોજન કરાયુ છે. હવે ક્ષત્રિય સમાજની લડાઇ પુરૂષોતમ રૂપાલા સામે જ નહીં ભાજપ વિરૂદ્ધ થઇ ગઇ છે. રાજય ભરમાં ક્ષત્રિય મહિલાઓના પ્રતિક ઉપવાસ, રામ ધૂન, હનુમાન ચાલીસા પાઠ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. તસ્‍વીરમાં ધર્મરથના પ્રસ્‍થાન પ્રસંગે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત ક્ષત્રિય સમાજના મહિલાઓ અને ભાઇઓ દૃશ્‍યમાન થાય છે. (ફોટો : સંદિપ બગથરીયા)

(4:45 PM IST)