News of Thursday, 25th April 2024
ક્ષત્રિયોનું આંદોલન તથા અન્ય કારણોસર રાજકોટ શહેર - જિલ્લામાં ૨૦૦ સંવેદનશીલ મતદાન મથકો વધ્યા
બપોરે ૧ાા વાગ્યાથી રાજકોટના તમામ ARO સાથે કલેકટરની ખાસ રિવ્યુ વીસી બેઠક :હવે કુલ ૧૦૩૦ સંવેદનશીલ મતદાન મથકો : કાલે વીસીમાં કલેકટર ચૂંટણીપંચને દરખાસ્ત કરશે

રાજકોટ તા. ૨૫ : રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે ૨૦૦ જેટલા સંવેદનશીલ મતદાન મથકોનો વધારો થયો છે, ગઇ ચૂંટણીમાં ૮૦૦ આસપાસ હતા, આ વખતે ૧૦૩૦ આસપાસ રહેશે.
તેમણે જણાવેલ કે, ક્ષત્રિયોનું આંદોલન ઉપરાંત ચૂંટણી પંચના અમૂક ૬ થી ૭ નિયમો જેવા કે ૧૦ ટકાથી ઓછું મતદાન, વધુ પડતુ મતદાન વિગેરે બાબતોને કારણે ૨૦૦ આસપાસ સંવેદનશીલ મતદાન મથકોમાં વધારો થયો છે, જ્યાં મતદાનના દિવસે પોલીસ - વધારે ફોર્સ મૂકાશે.
કલેકટરે ઉમેર્યુ હતું કે આવતીકાલે ચૂંટણી પંચ સાથે વીસી છે, જેમાં પણ ૨૦૦ સંવેદનશીલ મતદાન મથકો વધ્યા હોય તે અંગે દરખાસ્ત કરાશે.
કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે જે તે મતદાન મથક ઉપર વધુ પડતો પોલીસ ફોર્સ - પોલીસ દળ હોય, તે જોઇને મતદારોને ગભરાવાની જરૂરત નથી, મતદારો નિર્ભય બની મતદાન કરી શકે તે પ્રકારે આખી સુરક્ષા વ્યવસ્થા છે, આખુ તંત્ર મતદારોની સાથે છે, લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી
(4:58 PM IST)










