<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

ભાડેથી સેલ્‍ફ ડ્રાઇવીંગમાં કાર લઇ જઇ પાછી ન આપી બારોબાર સસ્‍તામાં વેંચવા મુકી દેતાં!

ઠગ બેલડી કાનજી અને બિલાલને ક્રાઇમ બ્રાંચે દબોચી ૩II કરોડની ૪૭ કાર જપ્‍ત કરી

અલગ અલગ પોલીસ સ્‍ટેશનોમાં દાખલ થયેલા પાંચ ગુનાઓનો ભેદ ઉકેલાયો : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં ડિટેક્‍શન : પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ અને ટીમને સફળતા

રાજકોટ તા. ૨૫: શહેરમાં સેલ્‍ફ ડ્રાઇવીંગમાં કાર ભાડે આપવાનો વ્‍યવસાય ધરાવતાં લોકો પાસેથી શરૂઆતમાં ભાડેથી કાર લઇ જઇ એડવાન્‍સમાં ભાડુ ચુકવી તેમજ સમયસર કાર પરત આપી વિશ્વાસ કેળવી લીધા બાદ વધુ કાર ભાડેથી લઇ જઇ ઠામુકી રાખી લઇ ઠગાઇ કરનારી ઠગ બેલડીને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધી છે. રાજકોટ અને જામનગરના આ બંને શખ્‍સો વિરૂધ્‍ધબી-ડિવીઝન, તાલુકા, ગાંધીગ્રામ, ભક્‍તિનગરમાં કાર ઠગાઇના પાંચ ગુના દાખલ થયા હતાં. આ ગુનાઓનો ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાંચે ૩ કરોડ ૫૧ લાખ ૫૦ હજારની ૪૭ અલગ અલગ કાર કબ્‍જે કરી છે.

ક્રાઇમ બ્રાંચે આ ગુનાઓમાં બહુનામધારી એવા કાનજી ઉર્ફ આકાશ ઉર્ફ અક્કી ગોગનભાઇ કોટડીયા (ઉ.વ.૨૭-રહે. કોઠારીયા ગામ પાસે ખોડલધામ સોસાયટી ગેઇટ નં. ૨, ભાડેથી) તથા બિલાલશા હસનશા શાહમદાર (ઉ.વ.૩૨-રહે. હર્ષદ મીલની ચાલી, સંજરી પાન પાછળ જામનગર)ને દબોચી લઇ રૂપિયા સાડા ત્રણ કરોડની ૪૭ કાર કબ્‍જે લીધી છે. હજુ બીજી ૩ કાર કબ્‍જે કરવાની બાકી છે. આ સિવાય પણ પાંચેક કાર મળવાની શક્‍યતા છે. શહેરના અલગ અલગ એવા ધંધાર્થીઓ કે જે સેલ્‍ફ ડ્રાઇવીંગમાં કાર ભાડે આપે છે તેનો સંપર્ક કાનજી ઉર્ફ આકાશ ઉર્ફ અક્કી     કરતો હતો. પોતે પણ આ રીતે કાર ભાડેથી આપે છે તેમ કહી શરૂઆતમાં જે તે ધંધાર્થી પાસેથી કાર ભાડે લઇ જતો અને એડવાન્‍સમાં પાંચ દસ દિવસનું ભાડુ ચુકવી દેતો. એ પછી જામનગરના બિલાલને કાર ભાડેથી જોઇએ છે તેમ કહી ઓળખાણ કરાવી કાર ભાડે લઇ જતો હતો. એ પછી કાર પાછી જ આપતો નહિ.

કાનજી ઉર્ફ અક્કી પાસેથી કાર મેળવી જામનગરનો બિલાલ પોતાના ગ્રુપ સર્કલમાં મોરબી, પડધરી, જામનગર, કચ્‍છમાં કાર વેંચાણ માટે આપી દેતો હતો. સસ્‍તામાં કાર વેંચવાની છે તેમ કહી કાગળો થોડા સમય પછી આપશે તેવુ કહેતો હતો. આ રીતે તે રોકડી કરતો હતો અને કાનજીને પણ ભાગ આપતો હતો. બંનેએ ફ્રોડથી ૫૦ જેટલી કાર ભાડેથી મેળવી બારોબાર વેંચાણમાં મુકી દીધી હતી. ક્રાઇમ બ્રાંચે આવી ૪૭ કાર કબ્‍જે લીધી છે. હજુ આંકડો વધવાની શક્‍યતા છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ રશ્‍મીનભાઇ પટેલ, અશોકભાઇ કલાલ, હેડકોન્‍સ. અમિતભાઇ અગ્રાવત, સંજયભાઇ રૂપાપરા, કિરતસિંહ ઝાલા, જનકભાઇ કુગશીયા, મયુરભાઇ મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, સંજયભાઇ દાફડા, કોન્‍સ. નગીનભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા, પ્રદિપસિંહ જાડેજા, ઉમેશભાઇ ચાવડા, અશોકભાઇ ડાંગર, ગોપાલભાઇ પાટીલની ટીમે આ કામગીરી કરી હતી.

(4:45 PM IST)