તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Wednesday, 1st May 2024
આજે આંતરરાષ્ટ્રીય મજુર દિવસઃ ૧૮૮૬માં અમેરિકામાં આંદોલન થયેલ
મજૂર દિવસ ઉજવવાની પરંપરા ૧૩૮ વર્ષથી ચાલી આવે છે

રાજકોટઃ આજે ૧ મે છે અને આજના દિવસે ભારત સહિત ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આજે વિશ્વના ઘણા દેશોમાં રાષ્ટ્રીય રજા છે. એવામાં ભારતમાં મજૂર દિવસને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ, કામદાર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દિવસ વિશ્વના મજૂરો અને મજૂર વર્ગને સમર્પિત છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મજૂરોની સિદ્ધિઓનું સન્માન કરવાનો અને તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનને યાદ કરવાનો છે. આ દિવસે મજૂર વર્ગની વિવિધ સમસ્યાઓ અને તેના ઉકેલની ચર્ચા કરવામાં આવે છે અને આ દિવસે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા દેશોમાં કામદારો માટે કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ આજે આપણે જોઈએ છીએ તે વિશ્વના નિર્માણમાં કામદારોના યોગદાન અને બલિદાનની ઉજવણી કરે છે.
મજૂર દિવસ અથવા મે દિવસ ઉજવવાની પરંપરા ૧૩૮ વર્ષથી ચાલી આવે છે પણ શું તમે જાણો છો તેનો અર્થ શું છે? જણાવી દઈએ કે મજૂર દિવસના મૂળ ૧૮૮૬ માં અમેરિકામાં મજૂર આંદોલન સાથે સંબંધિત છે. આજે રોજિંદા કામના નિશ્ચિત ૮ કલાક અને અઠવાડિયામાં એક દિવસની રજાનો અધિકાર, આ બધું આ આંદોલનને કારણે છે. વાત એમ છે કે ૧૮૮૦ એ યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિવિધ પશ્ચિમી દેશોમાં ઔદ્યોગિકીકરણનો સમયગાળો હતો અને આ દરમિયાન મજૂરો પાસેથી ૧૫-૧૫ કલાક કામ કરાવવામાં આવતું હતું અને તેઓને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
એ સમયે યુએસ અને કેનેડામાં ટ્રેડ યુનિયનોની સંસ્થા ફેડરેશન ઓફ ઓર્ગેનાઈઝ્ડ ટ્રેડ્સ એન્ડ લેબર યુનિયન્સે નિર્ણય લીધો કે ૧ મેના રોજ કામદારો ૧૮૮૬ પછી દરરોજ ૮ કલાકથી વધુ કામ નહીં કરે. એ બાદ એક એવો દિવસ આવ્યો કે અમેરિકાના વિવિધ શહેરોમાં લાખો કામદારો શોષણ વિરુદ્ધ હડતાળ પર ઉતર્યા હતા.અહીંથી જ મોટું મજૂર આંદોલન શરૂ થયું. આખા અમેરિકામાં કામદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસે કેટલાક મજૂરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા મજૂરોના મોત થયા હતા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ પછી ૧૮૮૯ માં પેરિસમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદનું આયોજન થયું ત્યારે ૧ મેનો દિવસ કામદારોને સમર્પિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.આ રીતે ધીમે ધીમે સમગ્ર વિશ્વએ ૧ મેને મજૂર દિવસ અથવા કામદાર દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું.આજે દરેક કામદાર વર્ગ માટે એક દિવસમાં ૮ કલાક કામ માટે નક્કી કરવામાં આવ્યા તો તે અમેરિકાના આ આંદોલનનું પરિણામ છે.
(4:03 PM IST)










