News of Monday, 6th May 2024
શહેર પોલીસે ચૂંટણી અન્વયે ૧૧ હજાર શખ્સો સામે લીધા અટકાયતી પગલા
આચર સંહિતા જાહેર થતાં જ પોલીસ થઇ ગઇ હતી કામગીરીમાં વ્યસ્ત ૯ ગેરકાયદે હથીયાર પકડયાઃ લાખોનો દારૂ જપ્ત કર્યોઃ નાસતાં ફરતાં આરોપીઓને દબોચ્યાઃ ૩૨ને પાસા તળે જેલમાં ધકેલ્યા

રાજકોટઃ આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન છે. ચૂંટણી અંતર્ગત આચારસંહિતા લાગુ પડી ત્યારથી જ શહેર પોલીસ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે કામે લાગી હતી. શહેરમાં શાંતિપૂર્વક મતદાન થાય એ માટે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચૌધરી, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ડીસીપી પૂજા યાદવની રાહબરીમાં એસીપીશ્રીઓના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનો, બ્રાન્ચ દ્વારા કુલ ૧૧ હજાર શખસો સામે અટકાયતિ પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે બે શખ્સને તડીપાર કર્યા છે અને ૩૨ને પાસા તળે જેલમાં ધકેલી દીધા છે.
આ ઉપરાંત ગેરકાયદેસર હથિયાર અંગે કુલ ૯ કેસો કરવામાં આવ્યા હતાં. જેમાં ૯ હથિયાર ઉપરાંત ૧૩ કાર્ટિસ પણ કબ્જે કરાયા હતાં. દારૂ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં દેશી અને વિદેશી મળી કુલ ૧૦૫૨ કેસો કરાયા હતાં.જેમાં ૩૯.૪૬ લાખનો દારૂ કબ્જે કરાયો હતો. માદક અને નશીલા પદાર્થ અંગે બે કેસો કરી રૂા. ૩.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ ઉપરાંત જ્યારે ચૂંટણીને લઈને શહેરમાંથી ૨૬૯૧ લાયસન્સવાળા હથિયારો જમા લેવાયા હતાં. બીજી તરફ નાસતા ફરતા આરોપીઓને પકડવા શરૂ કરાયેલ ઝુંબેશમાં ૪૫ શખ્સોને ઝડપી લેવાયા હતાં. જ્યારે પ૨૮૫ નોન બેલેબલ વોરન્ટોની બજવણી કરાઈ હતી.
(4:53 PM IST)










