<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

રાજકોટ શહેરમાં શાંતિપુર્ણ મતદાન માટે શહેર પોલીસ સજ્જઃ ૩૨૦૦ના સ્‍ટાફનો રહેશે જડબેસલાક બંદોબસ્‍ત

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ કહ્યું-સંવેદનશીલ બુથો પર ખાસ નજર રખાશેઃ ૬૦ મોબાઇલો રાઉન્‍ડ ધી ક્‍લોક પેટ્રોલીંગ કરશેઃ અન્‍ય ૩૦ મોબાઇલોમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ બૂથો પર સતત દોડતા રહેશેઃ મતદારોને કોઇપણ વિક્ષેપ ઉભો નહિ થાય : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના નેજા હેઠળ એડીશનલ પોલીસ કમિશનર, ૪ એસપી, ૮ ડીવાયએસપી, ૨૬ પીઆઇ, ૬૫ પીએસઆઇ સાથે સીઆરપીએફ, પેરા મિલ્‍ટ્રી ફોર્સની ટુકડીઓનો પણ સમાવેશઃ સંવેદનશીલ બૂથ પર ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને એલસીબીની ટીમો સતત નજર રાખશે

રવિવારે સાંજે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની આગેવાનીમાં શહેરમાં ફલેગ માર્ચ યોજાઇ હતી.

રાજકોટ તા. ૬: આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું હોઇ શહેરીજનો શાંતિપુર્વક રીતે મતદાન કરી શકે અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે માટે શહેર પોલીસ અગાઉથી જ સક્રિય બની છે. આવતીકાલે શહેરના તમામ મતદાન મથકો અને શહેરભરમાં પોલીસ લોખંડી બંદોબસ્‍ત જાળવશે. જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના નેજા હેઠળ  ૩૨૦૦થી વધુ પોલીસનો સ્‍ટાફ બંદોબસ્‍તમાં કાર્યરત રહેશે. રવિવારે સાંજે  સંવેદનશીલ વિસ્‍તારોમાં ફલેગમાર્ચ યોજવામાં આવી હતી  તેમજ વાહન ચેકિંગ અને કોમ્‍બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ જણાવ્‍યું હતું કે સંવેદનશીલ બુથો પર ખાસ નજર રાખવામાં આવશે. ૬૦ જેટલી મોબાઇલો તમામ પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારોમાં રાઉન્‍ડ ધ ક્‍લોક પેટ્રોલીંગ કરતી રહેશે. તેમજ બીજી ૩૦ મોબાઇલમાં ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ સ્‍ટાફ સાથે સતત બૂથો પર દોડતા રહી ખાસ નજર રાખશે. મતદારોને કોઇપણ પ્રકારનો વિક્ષેપ ન પડે તે માટે પોલીસ તકેદારી રાખશે. આવતીકાલે શાંતિપૂર્ણ મતદાન થઈ શકે અને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાય રહે તે સંદર્ભે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના નેજા હેઠળ  એડીશનલ પોલીસ કમિશનર વિધી ચોૈધરી, ૦૪ એસપી, ૦૮ ડીવાયએસપી, ૨૬ પીઆઇ, ૬૫ પીએસઆઇ તેમજ ૧૨૨૨ એએસઆઇ, હેડકોન્‍સ્‍ટેબલ તેમજ એલઆરડી તદ્‌ઉપરાંત ૧૩૭૪ હોમગાર્ડ જવાન મળી ૩૨૦૦થી વધુનો સ્‍ટાફ જડબેસલાક બંદોબસ્‍ત જાળવશે. જેમાં સીઆરપીએફ અને પેરા મિલેટ્રી ફોર્સની ત્રણ ટુકડી પણ સામેલ રહેશે.

શહેરના લોકસભા વિસ્‍તારમાં કુલ ૨૨૩૬ મતદાન બુથ આવેલ છે. જેમાંથી ૧૦૩૨ મતદાન મથક સંવેદનશીલ જાહેર કરાયાં છે. ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબીની ટીમો આ સંવેદનશીલ બુથો પર સતત પેટ્રોલીંગ કરી ચાંપતી નજર રાખશે. તેમજ ડ્રોન કેમેરાથી પણ સતત જરૂર જણાય એ વિસ્‍તારમાં નજર રાખવામાં આવશે. શહેરીજનો શાંતિપુર્ણ રીતે મતદાન કરી શકે તે માટે રાજકોટ શહેર પોલીસ તમામ રીતે સજ્જ હોવાનું ઉચ્‍ચ અધિકારીઓએ જણાવ્‍યું હતું.

(3:40 PM IST)