<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

જીવદયા સાથે નદી-નાળા-તળાવોને પુનર્જીવીત કરી ગામડાઓને પ્રાણવાન બનાવવા મહાઅભિયાન હાથ ધરાશે : ગીરીશભાઇ શાહ

રાજકોટ તા. ૬ : જીવદયા અને વૃક્ષારોપણ પ્રવૃત્તિની સાથો સાથ નદી-નાળા-તળાવોને પુનર્જીવીત કરી ગામડાઓને પ્રાણવાન બનાવવા મહાઅભિયાન ચલાવાશે. તેમ રાજકોટ ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદને સંબોધતા સમસ્‍ત મહાજનના મેનેજીંગ ટ્રસ્‍ટી અને ભારત સરકારના વેલફેર બોર્ડના સદસ્‍યા ડો. ગીરીશભાઇ શાહે જણાવ્‍યુ હતુ.

તેઓએ જણાવ્‍યુ હતુ કે ગ્‍લોબલ વોર્મીંગની ગંભીર અસરોનું પરિણામ આવવાનું શરૂ થઇ ચુકયુ છે. ત્‍યારે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવા ઘનિષ્‍ઠ વૃક્ષારોપણ કરવા અને નદી નાળા તળાવોને ફરી જીવંત બનાવવા આપણે શકય એટલી કામ કરવુ પડશે.

૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્‍ત મહાજન પશુ કલ્‍યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્‍યાણ, સ્‍વચ્‍છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજીક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યુ છે. સમસ્‍ત મહાજન મુખ્‍યત્‍વે શિક્ષણ, આરોગ્‍ય, રેસ્‍કયુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્‍વનિર્ભર બનાવવા સ્‍વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજીક ઉત્‍થાન ખાસ કરીને કુદરતી કે માનવસર્જીત આફતો દરમિયાન તાત્‍કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવા, રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતના અનેકવિધ સત્‍કાર્યોનો સમાવેશ થાય છે.

હવે આ કાર્યોમાં સમસ્‍ત મહાજનની સાથે સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ અને ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટે પણ હાથ મિલાવ્‍યા છે. ત્રણેય સંસ્‍થાઓ ભેગી થઇને મહાઅભિયાનને આગળ વધારશે.

ખાસ દિલ્‍હીથી આવેલ ખુબ જાણીતા બિલ્‍ડર પંકજભાઇ જૈન અને પ્રતાપભાઇ પટેલે પણ પોતાના વકતવ્‍યમાં સંસ્‍થાના આ કાર્યોમાં સહકારની ખાત્રી ઉચ્‍ચારી હતી.

તસ્‍વીરમાં પત્રકાર પરિષદને સંબોધતા ડો. ગીરીશભાઇ શાહ, પંકજભાઇ જૈન, પ્રતાપભાઇ પટેલ, મિતલભાઇ ખેતાણી, દીલીપભાઇ સખીયા, વિરાભાઇ હુંબલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(1:07 PM IST)