<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

પોલીસમેનના માતા-પિતાને મરવા મજબૂર કરવાના ગુનામાં એક વ્‍યાજખોર જેલહવાલેઃ બીજો ફરાર

એલસીબી ઝોન-૧ ટીમે દિવ્‍યેશ ડવને પકડી ટંકારા પોલીસને સોંપ્‍યો હતોઃ અશ્વિન મારૂને શોધવા ટંકારા પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમે દરોડો પાડયો પણ ઘરે ન મળતાં શોધખોળ યથાવત

રાજકોટ તા. ૬: શહેર પોલીસ હેડક્‍વાર્ટરમાં ફરજ બજાવતાં અને ચૂંટણી અંતર્ગત પોલીસ કમિશનર કચેરી ખાતે ખાસ શાખામાં ફરજ પર મુકાયેલા કોન્‍સ્‍ટેબલ મિલનભાઇ ખાંટના પિતા હડાળા ગામે રહેતાં નિલેષભાઇ ખુંટ અને માતા ભારતીબેન ખુંટે વ્‍યાજખોરોના ત્રાસથી ઝેર પી આપઘાત કરી લીધાના બનાવમાં ટંકારા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ એક આરોપીને ઝડપી લેવાયો છે. તેને કોર્ટ હવાલે કરતાં જેલમાં ધકેલવા આદેશ થયો હતો. બીજા આરોપીને પકડવા પોલીસે રાજકોટ સ્‍થિત તેના ઘરે દરોડો પાડયો હતો. પરંતુ તે મળી આવ્‍યો ન હોઇ તપાસ યથાવત રખાઇ છે.

ટંકારા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન એક આરોપી દિવ્‍યેશ પરબતભાઇ ડવ (ઉ.વ.૪૦-રહે. સુખરામનગર-૫, હરિ ધવા રોડ) રાજકોટમાં જ હોવાની બાતમી એલસીબી ઝોન-૧ ટીમના કોન્‍સ. રવિરાજભાઇ પટગીર, સત્‍યજીતસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ જાડેજાને મળતાં પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, જીતુભાઇ ઝાલા, મનરૂપગીરી ગોસ્‍વામી, હિતેષભાઇ પરમાર સહિતે પકડી ટંકારા પોલીસને સોંપતા પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમે કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનારા દંપતિએ આરોપી દિવ્‍યેશ ડવ અને અશ્વીન રાવતભાઇ મારૂ પાસેથી ત્રણ ટકા વ્‍યાજે ચાર લાખ પચાસ હજાર લીધા હતાં. જેથી પઠાણી ઉઘરાણી થતી હોવાથી ધમકીથી ગભરાઇને બંનેએ આપઘાત કર્યાનું ફરિયાદમાં જણાવાયુ઼ હતું. પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમે અશ્વીનના ઘરે દરોડો પાડયો હતો પણ તે મળ્‍યો નહોતો. પકડાયેલો એક આરોપી દિવ્‍યેશ ડવ જેલહવાલે થયો છે.

(1:46 PM IST)