News of Monday, 6th May 2024
કાલના મતદાન અંગે જડબેસલાક વ્યવસ્થાઃ પ્રભવ જોષી
કુલ ર૧ લાખ ૧ર હજાર મતદારોઃ ર૦૩૬ મતદાન મથકોઃ ૧ હજારથી વધુ સંવેદનશીલ મતદાન મથકો જાહેરઃ ૧૧ બુથોનું લાઇવ પ્રસારણ : ૯૮.૯૦ ટકા મતદાર સ્લીપનું વિતરણઃ કાલે ફરજીયાત રજા રહેશેઃ કોઇ રજા નહિ આપે તો તેની સામે ગુન્હો દાખલ થઇ શકે છે : કુલ ૩ હજારનું પોલીસ દળ ૬૦૦ હોમગાર્ડ તથા અર્ધ લશ્કરી દળોની ૪ કંપની તૈનાત કરાઇ કુલ ૯૦ જેટલી પોલીસ મોબાઇલ દ્વારા અધિકારીઓની સમગ્ર સંસદિય વિસ્તાર ઉપર ખાસ વોચ... : ખર્ચના હિસાબો વ્યવસ્થિત ન આપનાર રૂપાલા-ધાનાણીને ફરી નોટીસો ફટકારાઇઃ જવાબ આપવા સમય અપાયો... : હેલ્પ લાઇન નંબર ૧૯પ૦ તથા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ર૩૩૦૩રર જાહેરઃ મતદારો આની ઉપર ફરિયાદ કરી શકશેઃ આજ સુધીમાં કુલ ૬ કરોડની રોકડ-સોનુ ચાંદી-દારૂ સીઝ કરાયાઃ ૧પ હજારથી વધુ પોસ્ટલ બેલેટનું મતદાન કરી લેવાયું

રાજકોટ, તા., ૬: રાજકોટ લોકસભા બેઠકની કાલે યોજાનાર ચુંટણી અંગે આજે પત્રકાર પરીષદમાં કલેકટરશ્રી પ્રભવ જોષીએ તથા પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવે મહત્વની જાહેરાત કરી હતી. પત્રકાર પરીષદમાં ડીડીઓ શ્રી નવનાથ ગ્વહાણે રાજકોટ ડીએસપી શ્રી રાઠોડ તથા એડી. કલેકટર ચુંટણી તારણ મુછાર ખાસ હાજર રહયા હતા.
કલેકટરે જણાવેલ કે કાલના મતદાન અંગે જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઇ છે. ફુલપ્રુફ બંદોબસ્ત મુકાયો છે. કુલ ર૧ લાખ ૧ર હજારથી વધુ મતદારો અને ર૦૩૬ મતદાન મથકો છે. જેમાંથી ૧ હજાર બુથો સંવેદનશીલ જાહેર કરાયા છે. ૧૦૧૮ બુથોનું વેબકાસ્ટીંગ લાઇવ પ્રસારણ થશે. જેનો કન્ટ્રોલરૂમ કલેકટર કચેરીના ત્રીજા માળે છે.
કલેકટરે જણાવેલ કે ૯૮૦૯૦ ટકા મતદાર સ્લીપનું વિતરણ થયું છે. મતદારો ૧૨ પ્રકારના આઇડેન્ટી પ્રુફમાંથી કોઇ પણ એક સાથે રાખી મતદાન કરી શકશે. મતદાન સમય સવારના ૭ થી સાંજે ૬ સુધીનો રહેશે.
શ્રી પ્રભવ જોષીએ જણાવેલ કે કાલે ફરજીયાત રજા રહેશે. કોઇ રજા નહિ આપે તો તેની સામે ગુન્હો દાખલ થઇ શકે છે. તેમજ મતદારોને કોઇ પણ ફરીયાદ હોય તો હેલ્પ લાઇન નંબર ૧૯પ૦ તથા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ર૩૩૦૩રર ઉપર ફરીયાદ કરી શકે છે. આજ સુધીમાં રાજકોટ શહેર જીલ્લામાંથી કુલ ૬ કરોડની રોકડ, સોનુ-ચાંદી-દારૂ સીઝ કરાયા છે. ચુંટણીમાં રોકાયેલ પ્રિસાઇડીંગ પોલીંગ-પોલીસ-એસઆરપી સહીત કુલ ૧પ હજારથી વધુ સ્ટાફનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાવી લેવાયું છે. જે ટકાવારીની દ્રષ્ટિએ ૭પ ટકા મતદાન છે.
પત્રકાર પરીષદમાં પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે કુલ ૩ હજારથી વધુનુ પોલીસદળ, અર્ધ લશ્કરી દળોની ૪ કંપની, ૬૦૦ હોમગાર્ડઝ તૈનાત કરાયા છે. સંવેદનશીલ બુથો તથા અન્ય લોકેશનો ટ્રેસ આઉટ ફુલ ૯૦ જેટલી મોબાઇલ વાનોમાં ડીસીપી સહીતનો કાફલો સતત પેટ્રોલીંગ કરશે. ચેક પોસ્ટ ઉપર સવારથી કડક ચેકીંગ ચાલુ છે.
દરમિયાન કલેકટરે ઉમેર્યુ હતું કે ખર્ચના હિસાબો પુરાવા સહીત અને નિયમો મુજબ ન આપનાર ભાજપના પરસોતમભાઇ રૂપાલા તથા કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીને સતત બીજી વખત નોટીસો અપાઇ છે. તે લોકોને જવાબ દેવા માટે સમય અપાયો છે. બાદમાં આગળની કાર્યવાહી થશે.
કલેકટરે જણાવેલ કે મતદાન માટે ઓળખના હેતુ માટે મતદાન કાપલીને મતદાન મથકમાં સ્વીકારાશે નહી. રાજકોટ જીલ્લામાં કુલ ર૩ લાખ ૧૧ હજાર તથા રાજકોટ સંસદીય મત વિભાગમાં ર૦ લાખ ૭૬ હજાર સ્લીપનું વિતરણ થયું છે.
મતદાન મથકમાં મતદારો મોબાઇલ લઇ નહી જઇ શકે. દરેક મતદાન મથકમાં શૌચાલય, પીવાનું પાણી, ઓઆરએસ, મેડીકલ કીટ, ૧ પેરા મેડીકલ સ્ટાફ (સેકટર ઓફીસર સાથે) છાંયડાની વ્યવસ્થા તથા ર૦૦ એર કુલરો મુકાયા છે. મતદાન મથકમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, સિનીયર સીટીઝન, દિવ્યાંગ મતદારો માટે બેસવાની વ્યવસ્થા કરાઇ છે. કુલ ૮ હજારથી વધુ ઇવીએમ -વીવીપેટ સીયુનો ઉપયોગ થશે. કુલ ર૩૮ ઝોનલ રૂટો રહેશે.
(3:45 PM IST)










