News of Monday, 6th May 2024
વિશ્વના ૨૬ દેશોની પોલીસને હંફાવનાર એક બુધ્ધિશાળી ઠગ

માત્ર કલ્પના કરી જુઓ કે જે ચોર વગર પૈસે વિશ્વના ૨૬ દેશોની ૨૦ લાખ કિલોમીટરની મુસાફરી સાવ મફતમાં જ કરી નાખે ત્યાં સુધી અતિ આધુનિક અને લેટેસ્ટ ટેક્નોલોજીવાળા હથિયારો, શસ્ત્રો અને ગેઝેટો સાથે સુજજ થયેલી જગતની ૨૬ દેશોની ઇન્ટરપોલ પોલીસ, જાસૂસો, ગુપ્તચરો અને સિક્રેટ સર્વિસ એજન્ટો પણ તેને પકડવાની વાત તો દૂર માત્ર તેનું પગેરૂં શોધવામાં પણ થાપ ખાઈ જતા હોય એવી કુશાગ્ર બુદ્ધિમતાના માલિક એવા આ મહાચોરનું વ્યક્તિત્વ કેટલું જાજરમાન હશે?
અફકોર્સ.....એક્સ્ટ્રા ઓર્ડીનરી.
કારણ કે એ ચોરે એના જીવનમાં આચરેલા કારનામાઓની કથા એટલી લાંબી, રોચક, રસપ્રદ અને દિલધડક છે કે ફિલ્મોમાં દેખાડાતા જીવ સટોસટીના શ્વાસ થંભાવી દે તેવા સાહસ-રોમાંચથી ભરપુર દિલધડક પ્રસંગો પણ બુદ્ધિ ચાતુર્યથી ભરેલા તેના સાચુકલા પરાક્રમો સામે સાવ વામળા પુરવાર થાય.
જે કોઈના પર એની નજર ઠરે એ વ્યક્તિ, સંસ્થા, બેંક કે કંપનીને ઠગવા માટે એની જરૂરિયાત મુજબનો સ્વાંગ રચી સામાવાળા પર પોતાની વાક છટાનો એવો જાદુ ચલાવે કે પેલો એની લોભામણી અને છેતરામણી જાળમાં ફસાયા વગર રહીજ ના શકે.
વાસ્તવિક જીવનમાં વગર કોઈપણ ડીગ્રીએ કે વગર કોઈ ભણતરે એણે એક સામાન્ય માણસથી માંડી પત્રકાર, પ્રોફેસર, લોયર, ડોકટર, પાઈલોટ કે સીક્રેટ સર્વિસ એજન્ટ સુધીના તમામ પાત્રો એકદમ સીફતતાથી ભજવ્યા.
વકીલ બની એણે જજોને છેતર્યા. ડોકટર બની એણે તબીબી માંધાતાઓને બેવકૂફ બનાવ્યા. પ્રોફેસર બની તેણે કોલેજીયનોને બુધ્ધુ બનાવ્યા. નકલી પાઈલોટ બની એણે એરલાઇન્સ કંપનીઓને ઉલ્લુ બનાવી અને કોકપીટમાં બીજા પાઈલોટો સાથે બેસી આખા વિશ્વની મુસાફરી સાવ મફતમાજ કરી અને માત્ર એટલુજ નહિ જે એરપોર્ટ પર પ્લેનનો હોલ્ટ હોય એ શહેરની આલીશાન હોટેલોના અતિ વૈભવશાળી કમરાઓમાં એરલાઈન્સ કંપનીઓના ખર્ચે તાગડધીન્ના કરતા એણે ખુબ મોજમજા કરી.
માત્ર ૧૬ વર્ષની સગીર વયથી માંડી ૨૧ વર્ષ સુધીની પુખ્ત ઉમરમાં પહોંચતા સુધીમાં માત્ર પાંચ વર્ષના સાવ ટૂંકા ગાળામાં પચીસથી વધુ દેશોની બેંકો, સંસ્થાઓ, હોસ્પિટલો, ક્રેડીટકાર્ડ કંપનીઓ, એરલાઇન્સ કે અન્ય બીજી કંપનીઓને તેણે કરોડો રૂપિયામાં નવડાવી નાખી.
ઠગ વિદ્યામાં તેની આવી કુશળતા જોઈ માત્ર ૨૧ વર્ષની ઉમરે તેને અમેરિકાના સૌથી ચતુર ચોરના ઈલકાબથી નવાજવામાં આવેલો.
એનું મન ચાહે એ વ્યક્તિ પર તે પોતાનો કસબ અજમાવતો અને જયારે તે વ્યક્તિ તેનાથી ઠગાઈ જતી ત્યારે તે પોતે એક અજબ પ્રકારનું થ્રિલ ઙ્કરોમાંચે અનુભવતો. આવી થ્રિલ વારંવાર મેળવતા રહેવા તેણે પોતાની ઠગ કલાનો કસબ અલગ અલગ જગ્યાએ અજમાવ્યેજ રાખ્યો જેના કારણે ઇન્ટરપોલે બહાર પાડેલા તેના પોસ્ટર્સ પરથી એરફ્રાંસની એક સ્ટીવર્ડસએ તેને ઓળખી કાઢ્યો અને તાકીદે પોલીસને જાણ કરતા એ ફ્રેંચ પોલીસના સકંજામાં સપડાઈ ગયો.
કોઈ માનવા તૈયાર ન હતું કે એ પકડાયો છે પણ એ પકડાયા હોવાનું જયારે ખરેખર પુરવાર થયું ત્યારે ૨૬ દેશોની ઇન્ટરપોલ પોલીસ, સહીત બેંકો, સંસ્થાઓ, ક્રેડીટ કાર્ડ કંપનીઓ, એરલાઇન્સ તથા અન્ય બીજી કંપનીઓએ રાહતનો દમ ખેંચ્યો કારણકે એ બધાજ એની ઠગ કલાના કસબનો ભોગ બન્યા હતા.
આ તો થઇ આ રોમાંચક સત્યકથાની મિડલ સ્ટોરી. તેના કલાઈમેક્સમાં ડૂબકી લગાવતા પહેલા તેના ફલેશબેક પર એક નજર કરીએ.
સાઈઠના દસકમાં અમેરિકામાં સાચેજ થઇ ગયેલા આ ઠગનું નામ છે ફ્રેંક વિલીયમ એબીગ્નેલ જેનો જન્મ ૨૭ એપ્રિલ ૧૯૪૮ના રોજ અમેરિકાના ન્યોયોર્ક ખાતે આવેલા બ્રોન્ક્સવિલેમાં થયો હતો.
એણે નાનપણથીજ પોતાની ક્રિએટિવિટી ગુનાખોરી તરફ વાળી અને ઠગ વિદ્યામાં એ એટલો પારંગત બન્યો કે છવીસ દેશોની ઇન્ટરપોલ પોલીસ તથા તેમના ઇન્વેસ્ટીગેટીવ ડીપાર્ટમેન્ટો પાંચ વર્ષો સુધી તો માત્ર તેનું પગેરૂજ શોધતા રહ્યા.એક ઉઠાવગીર તરીકેની પાંચ વર્ષની સાવ ટૂંકી પણ દૈદીપ્યવાન કારકિર્દીની શરૂઆત એણે માત્ર ૧૬ વર્ષની સગીર વયે શરૂ કરેલી અને તેની ઠગકલાની કસબનો સૌ પ્રથમ શિકાર તેના પિતાનેજ બનાવેલા.
સોળ વર્ષની સગીર વયે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવી એણે એના પિતા પાસે તેમનું પેટ્રોલ ક્રેડીટ કાર્ડ માંગ્યું (અમેરિકામાં કાર્ડ ઉપર ઉધાર પેટ્રોલ આપવાની સુવિધા છે જેનું બીલ મહિનાના અંતે ભરી દેવાય છે) એના પિતાએ પોતાનું મોબિલ કંપનીનું પેટ્રોલ ક્રેડીટ કાર્ડ તથા ચલાવવા માટે એને એક ટ્રક આપ્યું પણ સાથે એ શરત પણ રાખી કે પેટ્રોલનું જે કંઈપણ બિલ આવે તે એણે ભરવું. ફ્રેંક પિતાની વાત સાથે સહમત થયો અને તેમના પેટ્રોલ ક્રેડીટ કાર્ડનો એણે છૂટથી ઉપયોગ કર્યો. બીલ આવ્યું ૩૪૦૦ ડોલર (જે હાલના ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરતા લગભગ અઢી લાખ રૂપિયા થાય).
પિતાને કશુજ ખબર ના પડી કે આ શું થયું? પણ આ તો ફ્રેંક. એ જયારે પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવવા જતો ત્યારે ત્યાંથી ટ્રક માટે નવા ટાયરોની ખરીદી પણ અચૂકપણે કરતો. બધુજ પેમેન્ટ ક્રેડીટ કાર્ડથી ચૂકવી આપ્યા બાદ પોતે ખરીદેલા ટાયરોને ત્યાં ને ત્યાંજ તે ઓછા ભાવે તે વેંચી નાખતો અને પોતાના ખિસ્સા ખર્ચીની રકમ તેમાંથી કાઢી લેતો.
પોતાના સગા પિતા સાથે પણ ઠગાઈ કરતા ફ્રેંક એક અજબ પ્રકારનું થ્રિલ (રોમાંચ) અનુભવતો. જો કે તેણે પાછળથી કબુલેલું કે હું મારાજ પિતાને છેતરીને ખોટું કરી રહયો છું એટલું બધું વિચારવાની એ વખતે મારામાં એટલી સમજદારી નહોતી.
ફ્રેંક પોતે લખેલા કાગળો વગર ટીકીટે મિત્રો તથા સ્નેહીજનો સુધી પહોંચાડવા માટે મોકલનારના ખાનામાં જેને કાગળ મોકલવો હોઈ તેનું નામ લખતો અને પ્રતિના ખાનામાં પોતાનું નામ લખતો. ટપાલવાળાઓ ટીકીટ લગાડ્યા વગરનું કવર મોકલનારના સરનામે પરત મોકલી આપતા અને આમ ટીકીટ વગરનો ફ્રેન્કનો કવર તેના લક્ષ્ય સુધી પહોંચી જતો. તેના માતા પિતાનું એકમાત્ર સંતાન ફ્રેંક તેમના છુટાછેડા વખતે એ નક્કી ના કરી શક્યો કે એણે તેની માતા સાથે રહેવું કે પિતા સાથે?
આખરે કંટાળીને એ એકલોજ ભાગીને ન્યૂયોર્ક આવ્યો. જયાં તેને ખુબજ કપરા દિવસો પસાર કર્યા. એણે નોકરીની સખત જરૂર હતી પણ દરેક જગ્યાએ તેની સોળ વર્ષની સગીર ઉમર તેના માટે બાધારૂપ બનતી કારણ કે અમેરિકામાં ૧૮ વર્ષની નીચેના સગીર વયના બાળકોને નોકરી આપવામાં નથી આવતી. તેઓ ચાઇલ્ડ લેબરની એકદમ વિરૃધ છે.
પોતાની ઉમર સગીર વયમાંથી પુખ્તવયની બતાવવા માટે ફ્રેન્કે ફરી પોતાનો કસબ દેખાડ્યો અને ડ્રાઇવિંગ લાઇસન્સમાં દર્શાવેલ જન્મની સાલ ૧૯૪૮માં ૪ ના આંકને ચેકીને તેની જગ્યાએ ૩ કર્યું. આમ તે સીધોજ દસ વર્ષ મોટો થઇ ગયો અને ૧૬ વર્ષની સગીર વયના કીશોરમાંથી છવીસ વર્ષનો પુખ્વયનો યુવાન બની ગયો.
તેનો માસુમ ચહેરો ૧૬ વર્ષના કિશોર જેવોજ લાગતો હતો પણ તેની ૬ ફૂટની ઉંચાઈ તેને કામ લાગી અને તેને તરતજ નોકરી મળી ગઈ. પણ ફ્રેન્કને નોકરીમાં જરાય સંતોષ ના થયો અને તે એક પછી એક અલગ અલગ નોકરીઓ બદલતોજ ગયો.
એનામાં છુપાયેલો ઉઠાવગીરીનો કસબ ફરી સળવળ્યો અને ફરી એકવાર તેણે ઉઠાવગીર તરીકેની કારકિર્દી આગળ ધપાવી અને આ વખતે તેને ઠગ વિદ્યાની કલાનો ભોગ બની એક બેંક કે જેમાં ફ્રેન્કે ૧૦૦ ડોલર જમા કરાવીને ખાતું ખોલાવ્યું.
ખાતું ખોલાવવા પાછળનો તેનો એક્માત્ર હેતુ (અમેરિકામાં ચાલતી પ્રથા મુજબ) પોતાની નામ છાપેલી ચેકબુક મેળવવાનો હતો કે જેથી કરીને તે ધડાધડ ચેક વટાવી શકે પણ બેન્કે દસ દિવસ સુધી ચેક બુક આપવાની ના પડતા તેણે બીજો નુસખો અજમાવ્યો.
તેણે બેંકમાં પૈસા જમા કરાવવા માટે વપરાતી રસીદ બુક ચોરી લીધી અને તે સ્લીપ બુકોમાંથી બેન્કનો કોડ નંબર છેકી તેની જગ્યાએ પોતાનો નંબર એનકોડ કર્યો અને બેંકમાં જઈ સ્લીપબુકોને પરત તેમના યથા સ્થાને ગોઠવી દીધી. જે કોઈપણ વ્યક્તિ એ સ્લીપ બુકનો ઉપયોગ કરતો તે વ્યક્તિના પૈસા આપોઆપ ફ્રેન્કના ખાતામાં જમા થઇ જતા અને કોઈને કશુ ખબર પડે કે તે અંગે કોઈ તપાસ કે શોધખોળ કરે એ પહેલા તો ખાતામાં જમા થયેલા ચાલીસ હજાર ડોલર (ભારતના આજના આશરે સાડત્રીસ લાખ) રૂપિયા લઈને ફ્રેંક ગાયબ. અમેરિકાની જગ વિખ્યાત પાન અમેરીકન એરલાઈન્સ કંપનીના નકલી પાઈલોટ બનવા માટે તે કંપનીના પાઈલોટના ડ્રેસ જેવોજ ડ્રેસ પોતાના માટે સીવડાવવા માટે તેણે પાન અમેરીકન વર્લ્ડ એરવેઝ કંપનીના પરચેસીંગ ડીપાર્ટમેન્ટ અધિકારી સાથે ફોન પર ખુબજ સીફતતાથી વાત કરતા કહ્યું કે તે પોતે પાન અમેરીકન એરલાઈન્સનો પાઈલોટ છે અને તેનો ડ્રેસ હોટેલમાં ડ્રાઈ ક્લીન કરાવતી વખતે ક્યાંક ખોવાયેલ છે. તે અધિકારીએ ફ્રેંકની વાત સાંભળી ફોન પરજ તેના માટે એક નવા ડ્રેસની વ્યવસ્થા કરી આપી અને તેને ફિફથ એવન્યુ પર આવેલી વેલ બિલ્ટ યુનીફોર્મ કંપનીમાં જવાનું કહ્યું.
ફ્રેંક ત્યાં ગયો અને મેળવ્યો એક નવો નક્કોર યુનિફોર્મ. દરજીએ બીલ આપવાને બદલે એક ફોર્મ આપ્યું અને ફ્રેન્કને તેનો કર્મચારી નંબર લખવા કહ્યું જેથી યુનિફોર્મના પૈસા તેમાંથી બાદ થઇ શકે.
ફ્રેન્કને હવે પાઈલોટ તરીકેના આઇડેન્ટિટી કાર્ડ, પ્લાસટીક - મેટલ વગેરે દરેક પ્રકારના બેજીસ બનાવતી કંપનીઓના ફોન પર સંપર્ક કરી પોતાને જોઈતી માહિતી મેળવી લીધી. એના માટે એટલી માહિતી કાફી હતી કે પાન એમ એરલાઈન્સ કંપનીના આઇડેન્ટિટી કાર્ડ ૩-એમ નામની કંપની બનાવે છે.
ફોન પર અપોઈન્ટમેન્ટ મેળવી ફ્રેંક ૩-એમ કંપનીના પરચેસીંગ ઓફીસરને રૂબરૂ મળ્યો જે ફ્રેન્કની વાકછટાથી એટલો બધો પ્રભાવિત થયો કે ફ્રેંક પાસેથી સંખ્યાબંધ આઇડેન્ટિટી કાર્ડ બનાવવાનો ઓર્ડર મેળવવાની લાલચે તેણે ફ્રેન્કને એના નામ તથા ફોટા સાથેનું પાન એમ કંપનીના પાઈલોટ તરીકેનું સેમ્પલ કાર્ડ સાવ મફતમાં જ બનાવી દીધું જેનો કલર પાન એમ જેવો તો હતો પણ તેમાં કંપનીનું નામ, ચિહ્ન વગરે કશુજ ન હતું.
ફ્રેન્કે ફરી પોતાનો કસબ અજમાવ્યો અને પાન એમ ૭૭૭ કાર્ગો જેટ વિમાનનું આબેહુબ રમકડું બજારમાંથી ખરીદી તેના પર ચોડેલો પાન એમ એરલાઈન્સનો લોગો (સ્ટીકર) કાઢી પોતાના આઈ કાર્ડ પર ચોડી દીધું.
ફ્રેન્કનું પાન એમના પાઈલોટ તરીકેનું આઈ કાર્ડ તૈયાર થઇ ગયું. પછી તો એણે દુનીયાભરની મુસાફરી સાવ મફતમાજ કરી.(એરલાઈન્સની એકબીજાની પ્રતિસ્પર્ધી કંપનીઓ પાઈલોટને મફત પ્રવાસ કરવા દે છે).
અમેરિકાની વિશ્વ પ્રખ્યાત પાન અમેરીકન એરલાઈન્સ કંપનીએ પોતે જાતેજ કરેલા એક સર્વે મુજબ ફ્રેંકએ તેની ૧૬ વર્ષની સગીર વયથી માંડીને ૧૮ વર્ષ સુધીના પુખ્તવયની ઉમર સુધી પહોંચવાના માત્ર બેજ વર્ષના ખુબજ ટુકા સમયગાળામા ૨૫૦ થી વધારે ફલાઇટોમાં બેસીને ૨૬ થી વધારે દેશોનો પ્રવાસ ખેડીને વીસ લાખ થી વધારે કિલોમીટરની મુસાફરી સાવ મફતમાંજ કરી છે અને માત્ર એટલુજ નહિ પ્લેનના પાઈલોટ હોવાથી અતિ વૈભવશાળી હોટલોના ખુબજ મોંઘા ડીલક્ષ રૂમોમાં ખાણી, પીણી સાથે અન્ય બીજી ઐયાસીઓ કરતા તેણે કંપનીના ખર્ચે ખુબ મોજમજાઓ કરી.
પાઈલોટ તરીકેની એની પોલ છતી થવાનો અણસાર આવતાજ તે જીઓર્જિયા ખાતે ડોકટર બન્યો અને ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ(બાળરોગ નિષ્ણાત) તરીકે ત્યાંની સીટી હોસ્પીટલમાં એ એક વર્ષ સુધી રહયો. કાયદાશાખાને લગતી બારની પરીક્ષા પાસ કરી એણે એક એટર્ની જનરલને ત્યાં પણ નોકરી કરી જોઈ જે ના ફાવતા એણે બ્રીગહામ યંગ યુનિવર્સીટી ખાતે સોસીઓલોજીના પ્રોફેસર તરીકે પણ નોકરી કરી જોઈ.
ઠગ તરીકેની ટૂંકી કારકિર્દીમાં એણે અસંખ્યસ્ત્રીઓ સાથે કામચલાઉ પ્રેમસંબંધો બાંધ્યા પણ બ્રેંડા નામની એક યુવતીને તે ખરેખર પોતાનું દિલ દઈ બેઠો. બંને લગ્ન કરવાના જ હતા પણ ફ્રેન્કે પોતાની અસલિયત છતી કરતા તેની પ્રેમિકાએ તેની સાથે લગ્ન ના કર્યા.
વર્ષ ૧૯૬૯માં માત્ર ૨૧ વર્ષની ઉમરે ફ્રાંસ પોલીસના હાથે પકડાયા બાદ તે ફ્રેંચ જેલમાં થોડો સમય રહ્યો પણ સ્વિડનમાં તેના પર થયેલા કેસોને કારણે ત્યાંથી તે સ્વીડિશ જેલમાં રહ્યો.
ભલેને ઠગ રહ્યો પણ પોતાના દેશના નાગરિકને બીજા દેશની જેલમાં કારાવાસ ભોગવતો અમેરિકા કેમ જોઈ શકે? તરતજ અમેરીકન સરકારે એક્સ્ટ્રાડીસન ટ્રીટીથી તેને અમેરિકા પરત ખેંચી લીધો અને તેણે કરેલા ગુનાહો બદલ તેને ૧૨ વર્ષની સખત કેદ થઇ.
એણે પોતાની સજાના હજુ તો માંડ ચારેક વર્ષજ પુરા કર્યા હતા ત્યાં તો સરકારે તેના ગુનાખોર દીમાગનો સદઉપયોગ કરવા માટે તેને પોલીસના મદદગાર બનવાની ઓફર કરી જે તેણે સ્વીકારી લીધી.
સરકારે તેના તમામ ગુનાઓ અને સજાઓ માફ કર્યા અને બદલામાં તેણે બેંકો, સંસ્થાઓ, ક્રેડીટ કાર્ડ કંપનીઓ તથા અન્ય બીજી કંપનીઓ સાથે ઠગાઈ કરતા સફેદપોશ ગુનેહગારો તથા અન્ય બીજા ગુનેહગારોને પુરાવા સહીત પકડાવી કરોડો રૂપિયા ડૂબતા બચાવવામાં સરકારની મદદ કરી.
જેલમાંથી નીકળ્યા બાદ તેણે એક નવીજ જિંદગીની શરૂઆત કરી અને લગ્ન કરી ત્રણ દીકરાઓના બાપ બનવાનું ગૌરવ મેળવ્યું.
અમેરિકા જેવા પશ્ચિમી કલ્ચરના દેશમાં નજીવી વાતમાં છૂટાછેડા લેતા પતિ પત્નીઓ વચ્ચે પાંસઠ વર્ષોથી એ સ્થિર ગૃહસ્થી ચલાવે છે જે આજેય અતુટ છે.આજે ૭૬ વર્ષની જૈફ વયે પણ ફ્રેંક એફ. બી.આઈ. નો ખાસ સલાહકાર છે જે આખા અમેરિકામાં પરિભ્રમણ કરીને એફ. બી. આઈ. એકેડેમીઓને શિક્ષણ આપવા ઉપરાંત એફ. બી. આઈ. ના ફિલ્ડ ઓફિસરોને સીકીયોરીટીને લગતા પ્રશિક્ષણો આપે છે.
એ તુસ્લા, ઓક્લાહમાં ખાતે ઙ્કઅબીગ્નેલ એન્ડ અસોસીએટસના નામથી એક કન્સલ્ટન્ટ પેઢી ચલાવે છે જે સીકીયોરીટીને લગતી સલાહો આપે છે. આ ઉપરાંત ફ્રેન્ક તગડી રકમની ફી લઈને દુનિયાભરમાં સિકીયોરીટીને લગતા લેકચરો પણ આપે છે. અત્યાર સુધીમાં વિશ્વભરની ફોર્ચ્યુન ૫૦૦ સહિતની ૧૪૦૦૦થી વધુ કંપનીઓ, સંસ્થાઓ, બેંકો, અને અલગ અલગ ધંધો કરતી વિવિધ પેઢીઓએ તેમની આ સિક્યુરીટીને લગતા પ્રોગ્રામોને લાભ મેળવેલ છે.ફ્રેન્કે અત્યાર સુધીમાં ચાર પુસ્તકો લખ્યા છે જેમાં વર્ષ ૧૯૮૦ માં સ્ટેન રેડીંગ સાથે મળીને લખેલી ‘કેચ મી ઇફ યુ કેને' નામની પુસ્તક પરથી વર્ષ ૨૦૦૨માં એજ નામની ફિલ્મ બની ચુકી છે.આ સિવાય વર્ષ ૨૦૦૧ ધ આર્ટ ઓફ સ્ટીલે, ૨૦૦૪માં રીઅલ યુ ગાઈડ ટુ આઇડેન્ટિટી થીફે અને વર્ષ ૨૦૦૭માં સ્ટીલીંગ યોર લાઈફે મળીને કુલ ચાર પુસ્તકો લખ્યા છે જે તેમના સમયના બેસ્ટ સેલર રહી ચૂક્યા છે.
કમલ જારોલી
એડવોકેટ એન્ડ નોટરી
રાજકોટ
મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬

(4:23 PM IST)










