<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

સીએની પરિક્ષાની ખુબ તૈયારી કરી છે પણ ફયુચરમાં કંઇ થાય એવું લાગતું નથી...ચિઠ્ઠી લખી માનસી ગઢીયાનો આપઘાત

આઇ એમ સોરી...અગાઉ ફેઇલ થઇ હતી તો પણ ઘરેથી કોઇએ કંઇ કહ્યું નથી, હું થાકી ગઇ છું, આખો દિવસ ઓવરથિન્‍કીંગ કરુ છું કોઠારીયા રોડ તિરૂપતી સોસાયટીમાં બનાવઃ બે ભાઇની એકની એક બહેને ગળાફાંસો ખાઇ મોત મેળવી લેતાં અરેરાટી

રાજકોટ તા. ૮: શહેરના કોઠારીયા રોડ પર આવેલી તિરૂપતી સોસાયટીમાં રહેતી અને સીએની પરિક્ષાની તૈયારી કરતી યુવતિએ વહેલી સવારે ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. તેણીએ એક સ્‍યુસાઇડ નોટ લખી છે અને તેમાં ‘આઇ એમ સોરી...મેં સીએની પરિક્ષા માટે ખુબ તૈયારી કરી છે પણ મનને નથી લાગતું કે ફયુચરમાં મારાથી કંઇ થાય, આ વિચારીને બીક લાગે છે' એવું  લખ્‍યું છે. પરિક્ષામાં સફળતા નહિ મળે એવા ટેન્‍શનને કારણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ પર તિરૂપતી સોસાયટી-૧માં રહેતી માનસીબેન રાજેશભાઇ ગઢીયા (ઉ.વ.૨૧) નામની યુવતિએ વહેલી સવારે ઘરના હોલમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. ૧૦૮ને જાણ થતાં ગાડી પહોંચી હતી. તેના તબિબે તેણીને નિષ્‍પ્રાણ જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. ભક્‍તિનગર પોલીસને જાણ થતાં હેડકોન્‍સ. પ્રશાંતસિંહ ગોહિલ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત પુર્વે માનસીએ એક ચિઠ્ઠી લખી છે તેમાં તેણે લખ્‍યું છે કે-‘આઇ એમ સોરી, મને બધી ખબર છે કે હું આ કેમ કરુ છું, પણ હવે સહન નથી થતું. મમ્‍મીએ, દાદાએ મને આટલુ ભણાવી આટલા સુધી હું પહોંચી હતી. પણ ઘણા સમયથી એવુ લાગે છે કે જે એમણે મારા માટે વિચાર્યુ છે તે મારાથી નથી થયું. હું ઘણી મહેનત કરુ છું, એક્‍ઝામમાં હું ફેઇલ પણ થઇ હતી. તો પણ મને ઘરેથી કોઇએ કંઇ કહ્યું નથી. હું મગજથી થાકી ગઇ છું, એક્‍ઝામ છે એના માટે મેં ખુબ મહેનત કરી છે. પણ આખો દિવસ એકલી રહીને હું ઓવરથીન્‍કીંગ કરુ છું, ફયુચરમાં કંઇ નહિ થાય મારાથી તો એ વિચારીને બીક લાગે છે, મારી મમ્‍મી થાકી ગઇ છે, હું આવી રીતે નહોતી જોઇ શકતી, હું આટલે સુધી વાંચીને સીએ નથી મુકી શકતી, મને કંઇ પરાણે નથી કરાવાતું, મારી મરજીથી જ કરુ છું. મારા દાદા અને બેય ભાઇએ મને ભણાવવામાં બહુ સપોર્ટ કર્યો છે, જેટલુ કરી શકાય એટલુ કર્યુ છે. મારી તબીયત ખરાબ થવા લાગી છે, આ ડિપ્રેશન છે કે શું મને નથી ખબર. મને લાગ્‍યું કે હું ભાઇને બધુ કહી દઉ પણ હિમ્‍મત ન થઇ. આઇ એમ સોરી મમ્‍મી, ભાઇ'

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર માનસીબેન બે ભાઇની એકની એક નાની બહેન હતી. તેના પિતાને પાનની દુકાન છે. માનસીબેન અભ્‍યાસ પુરો કર્યા બાદ હાલમાં સીએની પરિક્ષાની તૈયારી કરતી. પરિવારજનોના કહેવા મુજબ આર્થિક સ્‍થિતિ સારી ન હોય છતાં માનસીબેનને ભણાવવા તેને પુરતી વ્‍યવસ્‍થા કરી આપી હતી. જો કે તેણીને મનોમન એવા વિચારો આવતાં હતાં કે પોતે પરિક્ષામાં સફળ નહિ થઇ શકે અને ભવિષ્‍યમાં કંઇ કરી શકશે નહિ. તેણીએ લખેલી સ્‍યુસાઇડ નોટમાં પણ આ વિગતો લખેલી છે. સફળતા નહિ મળે તેવા ટેન્‍શનને કારણે પગલુ ભર્યાનું સમજાઇ રહ્યું છે. એકની એક અને આશાસ્‍પદ દિકરીના આ પગલાથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(11:52 AM IST)