તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ભારત વિકાસ પરિષદ દ્વારા શુક્રવારથી રાજકોટમાં રીજયોનલ વર્કશોપ
ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના કાર્યકરો ભાગ લેશે : સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના પંચસુત્રને ધ્યાનમાં લઇ કાર્યકરો અને પદાધિકારીઓનું ઘડતર કરાશે : મુંજકા આર્ષવિદ્યામંદિર ખાતે મુકામ : રીજયોનલ પ્રમુખ શ્રીલક્ષ્મી નિવાસ જાજુ, જનરલ સેક્રેટરી વિનોદભાઇ લાઠીયાના માર્ગદર્શનમાં તડામાર તૈયારીઓ

રાજકોટ તા. 8 : ભારત વિકાસ પરિષદ દ્વારા સૌરાષ્ટ્રના આંગણે પ્રથમવાર રાજકોટના મુંજકા ખાતે બે દિવસીય રીજયોનલ વર્કશોપનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પરિષદના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આગામી તા. 10 ના શુક્રવારથી તા. 12 ના રવિવાર સુધી રીજયોનલ વર્કશોપ ગોઠવવામાં આવ્યો છે. જેમાં આગામી આયામોની ચર્ચા સાથે કાર્યકરો અને પદાધિકારીઓના ઘડતરલક્ષી કાર્યો કરાશે.
સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણ એમ પંચસુત્રોને વરેલી આ સંસ્થા ભારતભરમાં 1500 થી 1600 શાખાઓ ધરાવે છે. જેમાની 34 શાખા સૌરાષ્ટ્રમાં અને 8 શાખા રાજકોટમાં કાર્યરત છે.
પરિષદનું નાનુ એકમ એટલે બ્રાંચ, ત્યારબાદ પ્રાંત, રીજીયન અને નેશનલ. આ મુજબ સંસ્થા તેના બંધારણ મુજબ દરેક શરૂ થતા નવા વર્ષે નેશનલ વર્કશોપ, રીજયોનલ વર્કશોપ, પ્રાંતિય વર્કશોપનું ક્રમાનુસાર આયોજન કરી કાર્યકર્તાઓનું ઘડતર કરે છે.
આ વખતે રીજયોનલ વર્કશોપનું યજમાનપદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતને મળ્યુ છે. ત્યારે રાજકોટના મુંજકા ખાતે આર્યવિદ્યામંદિરના નૈસર્ગીક વાતાવરણમાં તા. 10 થી 12 બેઠકોનો ધમધમાટ ચાલશે.
સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના અધ્યક્ષ દિપેનભાઇ પંડયા, મહાસચિવ સંજયભાઇ કોટક, કોષાધ્યક્ષ ડો. જયેશભાઇ પનારા છે. વર્કશોપના યજમાન તરીકે સેવા આપશે. રાજકોટમાં રહેલી 8 બ્રાંચો પૈકી આનંદનગર, નટરાજનગર, રણછોડનગર, મવડી અને શ્રધ્ધા પાર્કના કાર્યકર્તાઓ દ્વારા વર્કશોપની વ્યવસ્થાને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
નિવાસ, વાહન વ્યવહાર, ભોજન, સ્ટેજ સંચાલન, પ્રેસ મીડિયા, સ્વાગત, સ્મૃતિભેટ વગેરે કમીટીઓની રચના કરવામાં આવી છે. વેસ્ટ રીજીયનના જનરલ સેક્રેટરી વિનોદભાઇ લાઠીયા અને વેસ્ટ રીજીયનના જોઇન્ટ જનરલ સેક્રેટરી પ્રફુલભાઇ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ અભ્યાસવર્ગના સંયોજક પ્રફુલભાઇ ગોસ્વામી અને સહસંયોજક દિવ્યેશભાઇ સતાસિયા, નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ એમ બે પ્રાંતના રીજયોનલ સેક્રેટરી સર્વશ્રી નરેન્દ્રભાઇ ભાડલીયા, જેઠસુરભાઇ ગુજરીયા, રવીન્દ્રભાઇ ત્રિવેદી તેમજ મહિલા સહભાગિતા શ્રીમતી આશાબેન ઠકકર દ્વારા વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાંથી ભાગ લેનાર કાર્યકર્તા ભાઇ બહેનોને રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશનથી વર્કશોપ સ્થળ સુધી આવવા જવા અને રહેવાની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અભ્યાસ વર્ગમાં પヘમિ ક્ષેત્ર રીજયોનલ પ્રમુખ શ્રીલક્ષ્મીનિવાસ જાજુ, જનરલ સેક્રેટરી વિનોદભાઇ લાઠીયાના માર્ગદર્શન હેઠળ જુદા જુદા 12 થી 15 સત્રોમાં વકતાઓ દ્વારા માર્ગદર્શન અપાશે. જેમાં ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુનિલજી ખેરા, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ મિગલાણીજી, ક્ષેત્રીય કોષાધ્યક્ષ શરદજી ઠાકર, ક્ષેત્રીય અધ્યક્ષ લક્ષ્મીનિવાસ જાજુજી, જોઇન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ, રવિપ્રકાશજી, ગિરિશજી દોશી, શ્રીમતી નિર્મલા કૌશિક દ્વારા માર્ગદર્શન પુરૂ પડાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિનોદભાઇ લાઠીયા, પ્રફુલભાઇ ગોસ્વામી, નરેન્દ્રભાઇ ભાડલીયા, જેઠસુરભાઇ ગુજરીયા, કરશનભાઇ મેતા, દિવ્યેશભાઇ સતાસીયા, પ્રવિણપુરી ગોસ્વામી, બકુલભાઇ દુધાગતરા, મનોજભાઇ પુરોહિત, સુખદેવભાઇ અગ્રાવત, દિપકભાઇ ગોસાઇ, અશ્વિનભાઇ કાથરોટીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:48 PM IST)










