તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
રાજકોટ જીલ્લામાં ટી. બી. (ક્ષય રોગ)ની દવા મેળવવામાં દર્દીઓને ભારે હાલાકી!
સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતી દવા ગાયબ ?! : છ મહિનાના કોર્ષની જગ્યાએ હાલમાં અઠવાડીયાની દવાઓ આપીને ગાડુ ગબડાવાઇ રહ્યાની ચર્ચાઃ દવા મેળવવા લોકોની રઝળપાટઃ ઘણાં લોકો દવાનો સંગ્રહ કરવા માંડતા પણ શોર્ટેજ વર્તાવા લાગી : સરકારી ટી.બી. સેન્ટરોમાંથી વિનામૂલ્યે દવાઓ ન મળતા દર્દીઓને ફરજીયાતપણે રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ મેડીકલ સ્ટોરમાંથી દવાઓ લેવી પડે છે. : ટી.બી.ની દવા લેવામાં વચ્ચે બ્રેક પડે તો રી-કરંટ (નવેસરથી કોર્ષ કરવો)ની અથવા તો વધુ હાયર ડોઝ લેવાનું ભયસ્થાન રહે છે : ટી. બી. ની દવાની શોર્ટેજનું કારણ પૂછતા એક જ જવાબ મળે છે કે, ‘ઉપરથી સપ્લાય નથી'! : આઇસોનિયાઝાઇડ, રીફામ્પીસીન, પાયરાઝીનામાઇડ તથા ઇથામબ્યુટોલનું ફીકસ ડોઝ કોમ્બીનેશન મેળવવામાં મુશ્કેલી

રાજકોટ તા.૮: સમગ્ર ભારતમાં ટી.બી. (ક્ષયરોગ) નાબુદ કરવાના અભિયાન અતર્ગત DOTS (ડાયરેકટલી ઓબ્ઝર્વડ થેરાપી શોર્ટ કોર્ષ) થેરાપી હેઠળ ટી.બીના દર્દીઓને વિવિધ સરકારી હોસ્પિટલો- ટી.બી. સેન્ટરોમાં જોઇ તપાસીને નિદાનરૂપે જરૂરીયાત મુજબ વિનામુલ્યે દવાઓ આપવામાં આવે છે. આ દવાઓમાં આઇસોનિયાઝાઇડ, રીફામ્પીસન, પાયરાઝીના માઇડ તથા ઇથામબ્યુટોલ કન્ટેઇન્સવાળી દવાઓ કે તમામનું ફીકસ ડોઝ કોમ્બીનેશન આપવામાં આવે છે. સામાન્ય રીતે ટી.બી. દર્દીઓને છ મહિનાની દવાઓનો કોર્ષ આપવામાં આવતો હોય છે.
પરંતુ છેલ્લા આઠ-દસ દિવસથી રાજકોટ જીલ્લાના તથા શહેરના ટી.બી. સેન્ટરોમાં સરકાર દ્વારા ટી.બી. માટે વિનામુલ્યે અપાતી દવાઓ ગાયબ થઇ ગઇ હોવાની ભારે ચર્ચા તબીબી ક્ષેત્રમાં અને ટી.બી. ના દર્દીઓમાં થઇ રહી છે. રાજકોટ શહેર સહિત સમગ્ર જીલ્લામાં ટી.બી. (ટયુબર કયુલોસીસ) ની દવાઓ મેળવવામાં દર્દીઓને તથા તેમના સગાવ્હાલાઓને ભારે હાલાકી થઇ રહયાનું જાણવા મળે છે. સામાન્ય રીતે છ મહિનાના કોર્ષની જગ્યાએ હાલમાં ટી.બી. સેન્ટરોમાંથી એકાદ અઠવાડીયાની દવાઓ આપીને ગાડુ ગબડાવાય રહયાની ચર્ચા છે. દવા મેળવવા માટે રઝળપાટ કરતા ઘણાં લોકો તો ભવિષ્યમાં દવા ન મળવાની બીક સાથે સલામતી અર્થે દવાનો સંગ્રહ પણ કરવા માંડયા હોવાનું તબીબી સુત્રો જણાવી રહયા છે, જેને કારણે પણ દવાની શોર્ટેજ ઉભી થઇ શકે છે.
સરકારી સેન્ટરો-ટી.બી. સેન્ટરોમાં જવાબદાર લોકોને દવાની શોર્ટેજનું કારણ પુછતા એક જ જવાબ મળતો હોવાનું સામે આવ્યું છે કે ‘ઉપરથી સપ્લાય નથી'! આવા જવાબ સંદર્ભે કેન્દ્ર તથા રાજય સરકારના આરોગ્ય વિભાગને, સેન્ટ્રલ ટી.બી. ડીવીઝન દિલ્હીને, સ્ટેટ ટી.બી. ક્ષય નિદર્શન કેન્દ્ર (STDC) ગાંધીનગરને રાજયના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ડીપાર્ટમેન્ટને કે પછી દવા બનાવતી કંપનીઓને આ બધામા઼થી કોને જવાબદાર ગણવા તેવો પ્રશ્ન પણ પુછાય રહયો છે.
સરકારી ટી.બી. સેન્ટરોમાંથી વિનામુલ્યે દવાઓ ન મળતા દર્દીઓને ફરજીયાતપણે રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ મેડીકલ સ્ટોર્સમાંથી દવાઓ લેવી પડતી હોય છે. કારણ કે ડોકટર્સના જણાવ્યા મુજબ ટી.બી.ની દવાઓ લેવામાં દર્દીઓને વચ્ચે બ્રેક પડે તો રી કરંટ (નવેસરથી કોર્ષ કરવો) ની જરૂરીયાત રહી શકે છે. અથવા તો ડ્રગ રેઝીસ્ટન્સને કારણે સેકન્ડ લાઇન હાયર એન્ટીબાયોટીકસ (વધુ હાયરડોઝ) લેવાનું ભયસ્થાન પણ રહી શકે છે. કોઇક વખત દવાઓની આડઅસર પણ થઇ શકે છે અથવા તો ઘણી વખત સબસ્ટાન્ડર્ડ દવાનો મુદો પણ ઉપસ્થિત થઇ શકે છે. હાલમાં ટી.બી. દવાનો પુરતો જથ્થો ખરીદાયો ન હોવાનું પણ સાંભળવા મળે છે. ટી.બી. સેન્ટરોમાં સામાન્ય દિવસોમાં અપાતો દવાઓનો અલગ-અલગ મહિનાનો સ્ટોક ન હોવાની ચર્ચા છે ત્યારે ટી.બી. સેન્ટરોનો સ્ટાફ પણ ઘણે ખરે અંશે હેરાન થતો હોવાનું સંભળાઇ રહયું છે. દર્દીઓને પણ દવા મીસ થઇ જવાનો ભય તો રહે જ છે. લ્યુપીન, મેકેલોઇડસ સહિતની કંપનીઓ ટી.બી.ની સ્ટાન્ડર્ડ તથા જનટીક દવાઓ બનાવે છે. સરકારશ્રીના જનટીક દવાઓના સ્ટોર્સ (જન ઓૈષધી સ્ટોર્સ) માં પણ રાહતભાવે દવાઓ મળી શકે છે. ટી.બી. માટે પ્રમાણમાં નવું કહી શકાય તેવું ‘‘બેડાકવીલીન' ડ્રગ કન્ટેઇન્સ પણ અપાતું હોવાનું તબીબી સુત્રો જણાવી રહયા છે. જો કે આ ડ્રગની કિંમત પ્રમાણમાં વધુ હોવાથી સરકારી હોસ્પિટલોમાં અમુક ટોકન ચાર્જ લઇને દર્દીઓને આપવામાં આવતું હોવાનું સંભળાઇ રહયું છે.
ટી. બી. ના દર્દીઓની
નિયમ મુજબ પ્રાઇવેટ ડોકટરો તથા
મેડીકલ સ્ટોરે તંત્રને જાણ કરવી પડે
ટી. બી.ના દર્દીઓ પ્રાઇવેટ ડોકટરો પાસે નિદાન માટે જાય તો મેડીકલ ટી. બી. યોજના અંતર્ગત નિયમ મુજબ ડોકટરે ટી. બી. સેન્ટરને જાણ કરવી પડે છે. ઉપરાંત પ્રાઇવેટ મેડીકલ સ્ટોરમાં ટી. બી.ના દર્દીઓ દવા લેવા માટે જાય તો પણ મેડીકલ સ્ટોરના માલિકે દર મહિનાના અંતે તમામ દર્દીઓની જાણકારી જવાબદાર તંત્ર કે ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ડીપાર્ટમેન્ટને કરવી પડે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી ક્ષય રોગ નાબૂદી માટે સરકાર કટીબધ્ધતાપૂર્વક વિવિધ કક્ષાએ સતત પગલા લઇ રહી છે.
ટી.બી.ની દવાઓ રીપોર્ટ વિનામુલ્યે
રાજકોટ જીલ્લામાં ૧૬, તાલુકામાં ૧૧ તથા શહેરમાં પ ટી.બી. યુનિટો
જાણવા મળતી માહિતી મુજબ સમગ્ર રાજકોટ જીલ્લામાં ૧૬, રાજકોટ તાલુકામાં ૧૧ તથા રાજકોટ શહેરમાં પ ટી.બી. યુનિટો કાર્યરત છે. જીલ્લા તથા તાલુકાના ટી.બી. યુનિટો ડી.ડી.ઓ(જીલ્લા વિકાસ અધિકારી) ના નિયંત્રણ હેઠળ તથા શહેરના ટી.બી. યુનિટો મહાનગરપાલિકાના કમિશનર (મ્યુનિસિપલ કમિશનર) ના નિયમન અને નિયંત્રણ હેઠળ આવે છે. રાજકોટ શહેરમાં ૨૧ જેટલા શહેરી આરોગ્ય કેન્દ્રો પણ આવેલા છે.
ટી.બી.ને લગતી દવાઓ તથા અમુક વધુ કિૅમતના રીપોર્ટ પણ પસંદગીના સેન્ટરો ઉપર વિનામુલ્યે કરી આપવામાં આવે છે એકસ-રે, માઇક્રોસ્પીક રીપોર્ટ, સીબીનેટ ટેસ્ટ, જીન એકસપર્ટ વિગેરે ટેસ્ટ રીપોર્ટ સામાન્ય રીતે કરાવવાનું દર્દીને કહેવામાં આવે છે. રાજકોટમાં ડીસ્ટ્રીકટ ટી.બી. સેન્ટર, જુની કલેકટર ઓફીસ પાસે, જંકશન રોડ રાજકોટ તથા જુનું ચંપકભાઇ વોરા આરોગ્ય કેન્દ્ર, રાજમોતી ઓઇલ મીલની બાજુમાં ભાવનગર રોડ, રાજકોટ ખાતે વિનામુલ્યે ટી.બી.ના રીપોર્ટ કરી આપવામૉ આવે છે.
(3:12 PM IST)










