તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ચારસોથી વધુ બેઠકો સાથે ત્રીજીવાર એનડીએ સરકાર બનશેઃ રાજુભાઇ ધ્રુવ
મતદારોથી લઇ ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા તમામ તંત્રનો આભાર : ગુજરાતની તમામ બેઠકો પર ભાજપનો ભવ્યાતિભવ્ય વિજય થશેઃ ભાજપના શીર્ષથી લઇ પાયાના કાર્યકરોની મહેનત રંગ લાવશે

રાજકોટ, તા. ૮: ગુજરાત લોકસભા ચૂંટણીમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત મતદાન બાદ ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, મતદાન પ્રક્રિયામાં ભાગ લેનારા તમામ મતદારો તથા ચૂંટણી કામગીરી સાંથે સંકળાયેલા તંત્રના તમામ સ્ટાફ અને સુરક્ષા જવાનોથી લઈ મીડિયા મિત્રોનો આભાર, જેમણે લોકશાહીના પર્વમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. કાળઝાળ ગરમી અને અસહ્ય તડકા વચ્ચે પણ આશરે ૬૦ ટકા જેટલું મતદાન થયું છે જે બદલ મતદારોના ઉત્સાહ અને મતદાનની પ્રક્રિયામાં જોડાયેલા તમામ નાના મોટા લોકો પ્રસંશાને પાત્ર છે.
ગુજરાતની તમામ બેઠકો પર કમળ ખીલવા જઈ રહ્યું છે. ચૂંટણી પરિણામના દિવસે ભગવો લહેરાશે, કેસરિયો છવાઈ જશે. નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ચારસોથી વધુ બેઠકો સાથે ત્રીજીવાર એનડીએ સરકાર બનશે. આમ તો મતદાન પહેલા પણ સૌ કોઈ આ વાત જાણતા જ હતા. પણ મતદારોનો મિજાજ જોતા ગુજરાત લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ભવ્યાતિભવ્ય વિજય મેળવવાનો વિશ્વાસ વધારી દીધો છે. કોંગ્રેસ ફરી એકવાર ખાતું પણ ખોલી નહીં શકે, વિપક્ષના ઉમેદવારની ડિપોઝીટ પણ જપ્ત થઈ જશે. ગુજરાતની પ્રજાએ ફરી એકવાર ભાજપ પર, કમળના નિશાન પર, ગુજરાતના સપૂતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહની વિકાસલક્ષી રાજનીતિ પર અને ભાજપ ઉમેદવારો પર ભરોસો મૂકયો છે એમ ચોક્કસ કહી શકાય.
આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે નિમ્ન પ્રકારની રાજનીતિના સ્તરે ગયા એ પછી એમ લાગતું હતું કે લોકોને ભ્રમિત કરવાના તેમજ છેતરવાના પૂરતા પ્રયાસ થઈ રહ્યા છે. જોકે ગુજરાત પહેલેથી વિકાસને વરેલું, શાંત, સમજુ અને પ્રગતિશીલ રાજ્ય છે. જે લોકોને આ વાત અને ગુજરાતનો વિકાસ ખટકે છે એવા લોકોએ આ રાજ્યની શાંતિ ખોરવવાનો પ્રયાસ કર્યો. શાંત, સુશીલ, સંસ્કારી પ્રજાને ધર્મ, જાતિ, જ્ઞાતિ વચ્ચે અંદર અંદર વહેચવાનો પ્રયાસ કર્યો. અંતે મતદારોનો મિજાજ જોતા એ લોકો ફાવ્યા નથી એવું સૌ કોઈનું મંતવ્ય છે.
ભાજપની ભવ્યાતિભવ્ય જીત માટે ફરી એક વાર વિકાસ પર વિશ્વાસ મૂકનારી ગુજરાતની જનતા તો અભિનંદનની અધિકારી છે જ સાથે છેલ્લા કેટલાંક મહિનાઓથી લઈ વર્તમાન ચૂંટણી શાંતિ અને સુરક્ષિત રીતે યોજાઈ તે માટે દિવસ-રાત મહેનત-મથામણ કરતા તમામ ચૂંટણી કામગીરી સાંથે સંકળાયેલા ચૂંટણી-વહીવટી તંત્રના તમામ શ્રેણીના કર્મચારીઓ-અધિકારીઓ તથા સુરક્ષા જવાનોથી લઈ તમામ મિત્રોનો પણ આભાર માનવો રહ્યો, આ સાથે જ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલથી લઈ ભાજપના તમામ શ્રેણીના કાર્યકરોની મહેનત બિરદાવીને આભાર માનું છું એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું છે.
(3:27 PM IST)










